ભારતની કોરોનાવાયરસ સામેની લડાઇમાં ગુજરાતના ત્રણ જિલ્લાની ભૂમિકા અતિ મહત્વની

નવી દિલ્હીઃ ભારતની કોરોના વાયરસ સામેની લડાઇમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે તેમ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાન્તનું કહેવું છે.

ભારતના કુલ કોરોનાવાયરસના કેસો પૈકી સૌથી વધુ 12.62 ટકાનું પ્રદાન દિલ્હીનું છે. તે પછી 11.62 ટકા કેસનું પ્રદાન મુંબઇનું છે. અમદાવાદનો ક્રમાંક 9.43 ટકા કેસના પ્રદાન સાથે રાષ્ટ્રિય કક્ષાએ ત્રીજો છે. બાકીના શહેરો 5 ટકા પ્રદાનની અંદર અંદર છે.

ભારતના ટોચના પંદર જિલ્લા કે જે દેશના કુલ કોવિડ કેસમાં સૌથી વધુ પ્રદાન આપે છે તેમાં ગુજરાતના સુરત અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. સુરત દેશના કુલ પૈકી 2.29 ટકા કેસ ધરાવે છે જ્યારે વવડોદરા 1 ટકો.

ગુજરાતના કુલ કેસ પૈકી અમદાવાદનું પ્રદાન 66.07 ટકા છે જ્યારે સુરતનું પ્રદાન 16.06 ટકા અને વડોદરાનું પ્રદાન 7 ટકા છે.

અમિતાભ કાન્ત કહે છે કે ભારતની કોવિડ19 સામેની લડાઇ આ 15 જિલ્લા અને તેમાંય ખાસ તો વધુ કેસ ધરાવતા 7 જિલ્લાઓ પર નિર્ભર છે. આ જિલ્લાઓમાં એગ્રેસીવ મોનીટરીંગ, કન્ટેનમેન્ટ, ટેસ્ટ અને સારવાર થવી જોઇએ અને આ પંદર જિલ્લાઓમાં ચોક્કસ જીત મેળવવી પડે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વિવિધ મંત્રાલયોમાંથી વરિષ્ઠ અધિકારીઓને લઇને અમદાવાદ અને સુરત માટે ખાસ ટીમ બનાવી હતી જેમણે સ્થાનિક તંત્રો સાથે મુલાકાતોનો દૌર ચલાવીને જરુરી સ્થળોની જાત મુલાકાત પણ લીધી હતી. આ ટીમે જરુરી સૂચનો પણ કરવાના હતા. શું સૂચનો કરાયા છે તે જાણી શકાયું નથી. આ ટીમ દિલ્હી જઇને પોતાનો અહેવાલ આપવાની છે.

કાન્તે તેલંગાના અને કેરળના રોજિંદા અને અઠવાડિક કેસના આંકના ગ્રાફમાં જોવા મળેલા સુધારાના વખાણ કર્યા છે અને અન્ય તમામ રાજ્યો પણ ગ્રાફનો આવો પથ પ્રાપ્ત કરે તેવી કામના કરી છે. અઠવાડિક કેસની બાબતે જે ગ્રાફ રજૂ થયો છે તેમાં ગુજરાતનો ગ્રાફ પણ હાલ તો સુધરતો દેખાઇ રહ્યો છે.

– દેશગુજરાત