અમદાવાદના સાંસદ તરીકેના રોલમાં અસફળ રહેવાનો પારાવાર અફસોસ, બળતરા, દુઃખ : પરેશ રાવલ

મુંબઇઃ અભિનેતામાંથી નેતા અને અમદાવાદના એક ટર્મ માટે લોકસભાના સાંસદ રહી ચૂકેલા પરેશ રાવલે સુરતના અગ્રણીઓ સાથેની એક લાઇવ ઓનલાઇન ચર્ચામાં નિખાલસ ભાવે કબૂલ્યું કે અમદાવાદના સાંસદ તરીકેનો કિરદાર ભજવવામાં તેઓ અસફળ રહ્યા હતા. રાવલે આ માટે પોતાનો જ વાંક કાઢતા કહ્યું કે તેમને આ બાબતનો પારાવાર અફસોસ છે. તેમણે કહ્યું કે તેમના આ બાબતે આજે પણ બળતરા અને દુઃખ થાય છે.

“અને હું એક વાત બહુ અફસોસ સાથે કહું છું કે મેં મારી જિંદગીના દરેકે દરેક કામમાં, એ ખરો રોલ હોય કે ખોટો રોલ હોય, જે પણ હોય એ, મને આ રોલ (અમદાવાદના સંસદ સભ્ય તરીકેનો રોલ) ભજવવામાં હું અસફળ રહ્યો છું એ વાતનો પારાવર અફસોસ છે, કારણકે મારી પાસે જબરજસ્ત માણસ હતા, આખી ભાજપની ટીમ હતી, અમદાવાદ ખાતે કાર્યકરો હતા, અને તેમ છતાં હું મારી અપેક્ષા મુજબનું કામ નથી કરી શક્યો, જે મારે કરવું જોઇતું તું એ હું નથી કરી શક્યો, પણ હું આમાં કોઇનો વાંક નથી કાઢતો.”

“આમાં એવું હોય છે કે, સિસ્ટમને સમજવાની એક પદ્ધતિ સમજવી બહુ જરુરી હોય છે. સમજવાનું બહુ જરુરી હોય છે. તમે હોંશે હોંંશે કામ લઇને જાઓ કે તમે ટ્રેનને મણિનગરને સ્ટોપ આપો કે જેથી કાળુપુર સ્ટેશન પરનું ભારણ ઓછું થાય, કારણકે પોણાભાગનું અમદાવાદ તો મણિનગરમાં રહે છે અને એ લોકો ત્યાં જ ઉતરી જાય છે, આ બધું. કામ ન થાય, પણ (સમજવું પડે કે) સિસ્ટમ પોતાની રીતે કામ કરતી હોય છે. તમે ગમે તેટલા બુલંદ ઇરાદા લઇને જાઓ, એમાં તમારે સંયમ રાખવો પડે, ધીરજ રાખવી પડે, માણસો પાસેથી કામ કરાવવાની તમારી પાસે કુનેહ હોવી જોઇએ અને મારો સ્વભાવ તો તમે જાણો છો, તડ ને ફડ, ને જીભને હાડકું નથી. એ વસ્તુ ત્યાં ન ચાલે. બધાને સમજાવીને કામ કરવું પડે, એ હું નથી કરી શકતો અને મને તેનો અફસોસ છે. સખત અફસોસ છે……એટલા માટે કાણરકે એટલી બળતરા થાય છે, અહીંયા મોદી સાહેબ, ગુજરાતમાં આનંદી બહેન નઅને બેઉ જબરજસ્ત કર્મનિષ્ઠ માણસો અને છતા હું ન કરી શકું તો એ નબળાઇ મારી છે, બીજા કોઇની નથી, અને એટલે દુઃખ થાય.”

પરેશ રાવલ નરેન્દ્ર મોદીની સીધી પસંદગીના ઉમેદવાર તરીકે વર્ષ 2014ની ચૂંટણી અમદાવાદ પૂર્વની બેઠક પરથી લડીને ચૂંટાયા હતા પરંતુ માયાનગરી મુંબઇમાં વ્યસ્તતાને કારણે મતવિસ્તાર અમદાવાદમાં તેઓ અતિ મહત્વના પ્રસંગોએ પણ લોકો સાથે સુખ દુઃખમાં ઉભા રહી શકતા ન હોવાની વ્યાપક જનભાવના સમગ્ર ટર્મ દરમિયાન બની હતી. તેમને ફરીથી 2019માં પક્ષ ટીકીટ આપશે કે કેમ એ વિશે 2018થી જ ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી, અને અંતે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી ભાજપ તરફથી કોઇ બીજા જ ઉમેદવાર ચૂંટણી લડીને જીત્યા હતા.

ઉપરોક્ત વિડિયોમાં 27.47 મિનીટ-સેકંડના માર્ક પર પરેશ રાવનું ઉપર ક્વોટ કરેલું કથન જોઇ શકાશે. અથવા અહીં ક્લીક કરો https://www.youtube.com/watch?v=pBJhoZdbyfQ&feature=youtu.be&t=1672