‘ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું’

ગાંધીનગર(માહિતી): ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ, આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરે અને સ્પેશ્યલ કમિશ્નર શ્રી હારિત શુકલા એ સંયુકત રીતે આજે ગાંધીનગર ખાતે મીડિયાને આ માહિતી આપી હતી

કોરોનાએ દસ્તક દીધી ત્યારેસમગ્ર વિશ્વની સાથોસાથ ગુજરાતમાં પણ વેન્ટિલેટરની આકસ્મિક જરૂરીયાત સર્જાઇ હતી. આ મહામારીમાં વેન્ટિલેટર્સ મુખ્ય જરૂરીયાત હતી એટલે કોઇપણ દેશ વેન્ટિાલેટર્સની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતીમાં રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાંમદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી તા.૧૮/૦૪/૨૦૨૦એ પ્રથમ ૧૦ વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા. સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માંગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ ૮૬૬ નંગ વેન્ટિલેટર સપ્લાય કર્યા છે અને તે પણ વિનામુલ્યે.

ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ શ્રી ડૉ. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- ૨૦૧૭ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી.

એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના જી. એસ. આર. ૧૦૨ (E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૦ થી અસરકર્તા આ નોટિફિકેશનમાં ૩૭ વસ્તુઓની યાદી છે, જેના લાયસન્સની આવશ્યકતા છે. આ ૩૭ વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે, ધમણ-૧ ના લાયસન્સની આજની તારીખે કોઈ આવશ્યકતા નથી. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ઉપરોક્ત ૩૭ સિવાયની કોઈપણ મેડિકલ ડિવાઈસના ઉત્પાદકો આ નોટિફિકેશનની તારીખ થી ૧૮ મહિના સુધીમાં એટલે કે તારીખ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં પોતાના ઉત્પાદનોનું સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રમાણે પણ જો ધમણ-૧ ના ઉત્પાદકો રજીસ્ટ્રેશન કરાવવા કે લાયસન્સ લેવા ઈચ્છે તો તેના સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન માટે ઓક્ટોબર – ૨૦૨૧ સુધીનો સમય છે.

જ્યોતિ સી.એન.સી.એ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઇ.એસ.ઓ. હેઠળ જરૂરી IEC 60601 માપદંડ મુજબ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે. ભારત સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટદ કમીટીના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-૧ પરિપુર્ણ કરે છે. એટલું જ નહીં આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટિએ વેન્ટિલેટર ના નિર્માણ-ખરીદી માટે જે ૨૪ ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ જ્યોતિ સી.એન.સી. નો સમાવેશ કરવામાં અવ્યો છે.

ધમણ-૧નું નિર્માણ કરનારી ગુજરાતની કંપની જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ દ્વારા આવશ્યક એવા ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન-IEC તથા સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ સર્ટિફિકેટ માટે ભારતની અધિકૃત અને માન્યતાપ્રાપ્ત એજન્સી-લેબોરેટરી ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર-EQDC પાસેથી આ બંન્ને આવશ્યક ટેસ્ટ કરાવીને પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા છે. EQDC એ ભારત સરકારની નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ-NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરી છે આ લેબોરેટરીએ પણ ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે.

જ્યોતિ સી.એન.સી.એ ધમણ-૧નું નિર્માણ કરતાં પહેલા જરૂરી તમામ ચોકસાઈ રાખી જ છે. ધમણ-૧ ના ટેસ્ટ માટે કૃત્રિમ ફેફસા પર પરીક્ષણ જરૂરી છે. આ માટે જ્યોતિ સી.એન.સી.એ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી; કે જે કૃત્રિમ ફેફસાના વિશ્વના એકમાત્ર નિર્માતા છે, તેમની પાસેથી મેળવીને આર્ટિફિશિયલ લંગ્સ ટેસ્ટ-પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા છે. ધમણ-૧ આ ટેસ્ટમાં પણ પાસ થયું છે. EQDC એ લેબોરેટરીમાં આર્ટિફિશિયલ લંગ્સ પર આઠ કલાક સુધી અને એ સિવાય આઠ કલાક સુધી પર્ફોર્મન્સ ટેસ્ટ કર્યા હતા અને આ તમામ પરીક્ષણોમાં ઘમણ–૧ વેન્ટિનલેટરે સારૂ પરફોર્મન્સ આપ્યું છે.

ધમણ-૧ના પર્ફોર્મન્સ ટ્રાયલની વાત વારંવાર કરવામાં આવે છે, હકીકતમાં આવી કોઈ ટ્રાયલ હોતી જ નથી. દવાઓ, ગોળીઓ, ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-૧ દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી. જેમ નિડલ-સીરીન્જ, સ્ટેથોસ્કોપ વગેરેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી.

ધમણ-૧વેન્ટિલેટરના પર્ફોર્મન્સ ટેસ્ટ થયા છે જેમાં તે સુયોગ્ય ઠર્યું છે.વેન્ટિલેટર હાલમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ તથા મેડિકલ ડિવાઇસ રૂલ્સ હેઠળ સમાવિષ્ટ થતા ન હોઇ તે અન્વયેના કોઇ કાયદાઓ કે જોગવાઇઓ ધમણ–૧ કે કોઇ પણ વેન્ટિલેટરને લાગુ પડતી નથી. આથી તે હેઠળ કોઇ એથિકલ કમિટિની અને મેડિકલ ડિવાઇસ રૂલ્સ ૨૦૧૭ની કોઇ જોગવાઇઓ લાગુ પડતી નથી. એટલે આ કાયદા હેઠળની કેટેગરી–C કે કેટેગરી–D હેઠળ સમાવિષ્ટ થવા બાબતનો કોઇ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણ-૧વેન્ટિલેટરનું તા.૦૯મી એપ્રિલ ૨૦૨૦ના રોજ ક્લિનિકલ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાત તબીબોએ કેટલાક સૂચનો કર્યા હતા. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના એનેસ્થેસીયા વિભાગના વડા અને પ્રાધ્યાપક ડૉ. શૈલેષ કે. શાહ અને મેડિસિન વિભાગના વડા પ્રાધ્યાપક ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જ્યોતિ સી.એન.સી. ને કેટલાક સુચનો કર્યા હતા. જ્યોતિ સી. એન. સી. એ નિષ્ણાંતો દ્વારા સૂચવાયેલા ફેરફારો પણ કર્યા હતા. આ ફેરફારો પછી ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શૈલેષ કે. શાહ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક જેવા નિષ્ણાતોના અભિપ્રાય “આ ધમણ-૧ વેન્ટિલેટર હાલના કોવિડ-૧૯ પેન્ડેવમિક દરમ્યાન ઉપયોગી થઈ શકે તેમ છે” પછી જ ધમણ-૧ વેન્ટિલેટર દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલોમાં આપવામાં આવ્યા છે.

રાજકોટની જ્યોતિ સી.એન.સી.એ ગુજરાત સરકારને મોંધા વેન્ટિલેટર્સ વિનામુલ્યે દાનમાં આપ્યા છે. માદરે વતનને મદદરૂપ થવાની ભાવના સાથે જ્યોતિ સી.એન.સી. અને તેના માલિક શ્રી પરાક્રમસિંહ જાડેજા માતૃભૂમિનું ઋણ ચુકવવાના નમ્ર્પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વેન્ટિલેટર્સની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો એ માત્ર હીન નહી અમાનવીય કૃત્ય છે. સમગ્ર ભારત કોરોનાના ભયના ઓથાર હેઠળ હતું ત્યારે લૉકડાઉનના કપરા કાળમાં જ્યોતિ સી.એન.સી.એ. દેશહિતમાં-રાજ્યના હિતમાં વેન્ટિલેટરના નિર્માણની કપરી કામગીરી હાથ ધરી હતી.

પોન્ડેચેરી સરકારે જ્યોતિ સી.એન.સી.ને ૨૫ વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે અને મહારાષ્ટ્ર સરકારના ઉપયોગ માટે એક ખાનગી દાતા દ્વારા ૨૫ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર જ્યોતિ સી.એન.સી.ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફકેર લી. દ્વારા ગુજરાતની જ્યોતિ સી.એન.સી.ના વેન્ટિલેટર્સની યોગ્ય ગુણવત્તા ચકાસ્યા પછી ૫,૦૦૦ વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ભારત સરકારની આ કંપનીના ગુણવત્તાના પોતાના માપદંડો છે જેને તે કડક રીતે અનુસરે છે. આ કંપનીએ ગુજરાતના ધમણ-૧ ની ઉપયોગીતા જોઇને જ ઓર્ડર આપ્યો છે. એટલું જ નહી ગુજરાતના ધમણ–૧ વેન્ટિલેટરની આવી માંગ જ તેની ગુણવત્તા અને ઉપયોગીતાનું પ્રમાણપત્ર છે.

ધમણ-૧ના નામે કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે, કોંગ્રેસની પોન્ડેચેરી સરકારે પણ ધમણ-૧ ખરીદવા ઓર્ડર આપ્યા, મહારાષ્ટ્ર સરકારે પણ દાતા દ્વારા ૩૦૦ વેંન્ટિલેટર ખરીદવાનો ઓર્ડર કર્યો છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોંગ્રેસના વિપક્ષના નેતાશ્રી દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી ધમણ-૧ વેન્ટિલેટર્સ અંગે આક્ષેપો કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે નિંદનીય છે. કોરોનાની મહામારી સામે સમગ્ર ગુજરાત આજે એક થઈને લડી રહ્યું છે ત્યારે, કોંગ્રેસ મદદ કરવાને બદલે રાજનીતિ કરી રહી છે એને ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની કંપની પાસેથી મિત્રતા નિભાવવા માટે ધમણ-૧ વેન્ટિલેટર્સ ખરીદ્યા છે એ વાત તદ્દન પાયાવિહોણી છે. આ કંપનીએ પ્રથમ દિવસે જ કહ્યું છે કે અમે ૧૦૦૦ વેન્ટિલેટર્સ ગુજરાત સરકારને વિનામૂલ્યે ભેટ આપવાના છીએ. કોઈપણ વ્યક્તિ ભેટ આપે એમાં કૌભાંડ ક્યાંથી થાય એ કોંગ્રેસ મને સમજાવે.

શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં હજારો કંપનીઓ વસ્તુ ઉત્પાદિત કરે છે અને સમાજસેવા માટે કોઈ ભેટ આપે તો તેને કોઈ નેતા સાથે ગોઠવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે તે દુઃખદ છે. રાજકોટની આ કંપનીએ માનવ સેવાનું આ ઉમદા કામ કરીને વિનામૂલ્યે ભેટ આપી છે. રાજ્ય સરકારે એક પણ વેન્ટિલેટર ખરીદ્યું નથી એટલે આવા બેબૂનિયાદ આક્ષેપોને રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં.

કોંગ્રેસના નેતા દ્વારા પણ ધમણ-૧ અંગેના ટેકનિકલ આક્ષેપોને ફગાવતા કહ્યું કે સમગ્ર દેશ અને દુનિયામાં વેન્ટિલેટર્સની મોટાપાયે જરૂર હતી ત્યારે, ગુજરાતના નાગરિક તરીકે કંપનીએ સેવા કરી છે અને તમામ ટેકનિકલ બાબતો તથા ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાયા છે. ન કરે ભગવાનને કદાચ રાજ્યમાં કેસોની સંખ્યા વધે એ વખતે વેન્ટિલેટર્સના અભાવે દર્દીને કોઇ નુકસાન ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. એટલે આ ધમણ-૧ વેન્ટિલેટર્સ ઉપયોગમાં આવે એ આશયથી મૂક્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલો પાસે પણ સરકારે રિઝર્વ રખાવ્યા છે. વેન્ટિલેટર્સના લીધે મૃત્યુ થયા છે એવા આક્ષેપનું ખંડન કરતા શ્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યની હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર માટે આવે છે એ પ્રાથમિક સારવારમાં જ સાજા થઇ જાય છે. ન્યુમોનિયાના કેસોમાં કે શ્વાસોશ્વાસની તકલીફ વાળા દર્દીઓ કે અન્ય ઇન્ફેક્શનવાળા દર્દીઓને જ વેન્ટિલેટરની સુવિધાની જરૂર પડતી હોય છે. હાલ અમદાવાદની ૧૨૦૦ બે ની કોવિડ હોસ્પિટલમાં ૪૯ દર્દીઓ જ વેન્ટીલેટર પર છે. ૫૩૩૦ દર્દીઓ સ્ટેબલ છે. ૫૦૪૩ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને ડિસ્ચાર્જ થતા દર્દીઓને આરોગ્ય કર્મીઓ દ્વારા ઉત્સાહભેર ઘરે મોકલવામાં આવે છે એ વાત કોંગ્રેસને આંખમાં ખૂંચે છે એટલે હવે રાજનીતિ કરી રહ્યા છે.
શ્રી પટેલે કહ્યું કે વિપક્ષના નેતાશ્રી દ્વારા આજે કહેવાયું છે કે ધમણ-૧ આવ્યું ત્યારે અમે આવકાર્યું હતું પણ મેં ક્યાંય જોયું નથી અભિનંદન આપતા હોય એવું પણ ક્યાંય જોવા મળ્યું નથી એટલે આવકારની વાત પણ તદ્દન ગેરવ્યાજબી છે. કોરોનાની મહામારીમાં સરકારે બેદરકારી દાખવી છે તેવા આક્ષએપોનું ખંડન કરતા શ્રી પટેલે કહ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત માત્ર એક રાજ્ય છે જેણે સંપૂર્ણ પારદર્શિતાથી તમામ માહિતી મીડિયાના માધ્યમ દ્વારા રાજ્યની સાડા છ કરોડ જનતાને રોજ-બરોજ પૂરી પાડી છે. દિવસમાં ત્રણ વાર મીડિયા બ્રિફિંગ કરવામાં આવે છે જેમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયો લૉકડાઉન અંતર્ગત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તથા કોરોનાના દર્દીઓની વિગતો દરરોજ મીડિયાને પૂરી પાડવામાં આવી રહી છે. એટલે માહિતી છૂપાવવાનો કે, બેદરકારી દાખવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સ્થિતિ ગંભીર છે એવા આક્ષેપને વખોડતાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે દેશ-દુનિયામાં કોરોનાની પરિસ્થિતિ આપણી સામે છે ત્યારે કોંગ્રેસ સલાહ આપવાનું કે વાંધા-વચકા કાઢવાનું બંધ કરે. પરિસ્થિતિના મૂળમાં કારણો જોઈએ તો તબલીઘી જમાતના લોકો જ્યારે અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં આવ્યા ત્યારે તેઓએ અહીં આવીને આરોગ્યની ચકાસણી કરાવી હોત તો સંક્રમણ આટલું બધું ફેલાયું ના હોત. તે વેળાએ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમને સમજાવીને સહયોગ આપવાનો પ્રયાસ સુધ્ધા ન કરાયો અને સંક્રમણ વધ્યુ. જે વેળાએ મદદની જરૂર હતી ત્યારે તે લોકો ક્યાં સંતાઈ ગયા હતા ? ઉલટાનું રેડઝોન સહિતના વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ સર્વેલન્સમાં જતા ત્યારે તેમની પર હુમલા થતા અને પોલીસ કર્મીઓ પર પણ હુમલા થયા છે એ વાત રાજ્યની પ્રજા ખૂબ સારી રીતે જાણે જ છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ જોઈએ તો મુંબઇ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ભાગીદારી વાળી સરકાર છે. જ્યાં અનેક ઘણી ખરાબ પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે તો 5.50 લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલ્યા છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની પારદર્શિતા અને હકારાત્મક અભિગમના લીધે ગુજરાતમાં અમદાવાદ શહેર સિવાયના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી શક્યા છીએ. લોકડાઉન -૪ નો પણ સરળતાથી અમલ કરીને પ્રજા પર વિશ્વાસ મૂકીને વેપાર, ઊદ્યોગ શરૂ થાય અને જનજીવન પૂર્વવત બને એ માટે છૂટછાટો આપી છે. પ્રજા શિસ્ત પૂર્વક સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝર નો ઉપયોગ અને નિયમોનું પાલન કરશે તો ચોક્કસ કોરોનાની મહામારી સામે આપણે જીતી શકીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

કોરોનાની મહામારી સામે જનતાની સેવામાં કોંગ્રેસ જોડાવાના બદલે જુઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના અત્યાર સુધીના તમામ જુઠ્ઠાણાઓને નકારી કાઢ્યા છે. એમ ધમણ – ૧ અંગેના જુઠ્ઠાણાને પણ પ્રજા ફગાવી દેશે એવો અમને વિશ્વાસ છે તેમ તેમણે ઉમેર્યું છે.

error: Content is protected !!