સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં કોઈ બ્લાસ્ટ નથી થયો, આરોપો પાયાવિહીન: તબીબી અધિક્ષક

અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં કોઈ વેન્ટિલેટરમાં ક્યાંય બ્લાસ્ટ થયો નથી. સોલા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં એનેસ્થેટિક ડોક્ટર, મેડિસિન ડૉક્ટર અને ઇન્ચાર્જ એ. એન. એસ. સતત હાજર હતા. વેન્ટિલેટરમાં બ્લાસ્ટનો કોઈ જ બનાવ બન્યો નથી.

સિવિલ હોસ્પિટલમાં ૫૫ વર્ષીય પરવીનબાનુ મહેમુદખાન પઠાણ તા. ૨૦મી મે એ દાખલ થયા હતા તા. ૨૨મી મે એ રાત્રે ૧.૨૯ કલાકે એમનું અવસાન થયું હતું. મૃતકના પુત્રએ એવો આક્ષેપ કર્યો હતો કે, ‘વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થવાને કારણે મારી માતાની તબિયત વધુ લથડી અને તેઓનું મૃત્યુ થયું.’ આ અંગેના સમાચારો વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા છે.

જી.એમ.ઇ.આર.એસ. સોલા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે આ અંગે જણાવ્યું છે કે, આવો કોઈ જ બનાવ બન્યો નથી, જેથી દર્દીના પુત્રએ મુકેલા આરોપ પાયાવિહીન અને વાસ્તવિકતાથી વિપરીત છે.