જૂન મહિનામાં વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે

કોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યના ૬૮.૮૦ લાખ અંત્યોદય-ગરીબ પરિવારો સરળતાએ વિનામૂલ્યે અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ તેમણે સુનિશ્વિત કરી હતી.
હવે અનલોક-૧ અંતર્ગત જનજીવન પૂર્વર્વત થવા માડ્યું છે, ત્યારે આવા પરિવારોને આર્થિક સક્ષમતા મળે ત્યાં સુધી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” NFSA હેઠળ સમાવેશ કરાયેલા તથા અગ્રતા ધરાવતા પી.એચ.એચ એવા ૬૮.૭૨ લાખ અંત્યોદય પરિવારોના ૩ કરોડ ૩૬ લાખ લોકોને સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ વિનામુલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, આગામી તા.૧૫મી થી તા. ૨૫ મી જૂન સુધી રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજિયાત માસ્કનો ઉપયોગ તથા ભીડભાડ ન થાય તેવી સુચારૂ ઢબે રાજ્યના એન.એફ.એસ.એ હેઠળ સમાવેશ થયેલા ૬૮.૭૨ લાખ રેશન કાર્ડઘારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યક્તિ દિઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને પરિવારદિઠ એક કિલો ચણાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે.

તદ્દઅનુસાર, જેમનો કાર્ડનો છેલ્લો આંક ૧ છે તેમને તા.૧૫મી જુને, ર છેલ્લો આંક હોય તેમને તા.૧૬મી જુને, ૩ વાળાને તા.૧૭મી જુને, ૪ છેલ્લો અંક હોય તો તા.૧૮મી જુને, પ વાળાને તા.૧૯મી જુને, ૬ ને તા.૨૦મી જુને, ૭ ને તા.૨૧મી જુને, ૮ને તા.૨૨મી જુને, ૯ ને તા.૨૩મી જુને અને શૂન્ય છેલ્લો આંક હોય તેમને તા.૨૪મી જુને અનાજ વિતરણ થશે.

આ નિર્ધારીત દિવસો દરમ્યાન કોઇ પણ સંજોગોસર અનાજ મેળવવાથી બાકી રહી ગયેલા NFSA કાર્ડધારકો, અંત્યોદય લાભાર્થી માટે તા.૨૫મી જુને મોક અપ રાઉન્ડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્યમાં કોઇ પણ પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વિના ભુખ્યા રહેવું ન પડે તેવી સંવેદના સાથે NFSA, અંત્યોદય, પરિવારોને સતત ત્રીજીવાર વિનામૂલ્યે અનાજ પુરૂં પાડવા રાજ્યના અન્ન નાગરિક પુરવઠા તંત્રને પ્રેરિત કર્યુ છે.
આ અગાઉ લોકડાઉન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં પણ આવા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરવાની સંવેદના દર્શાવી હતી.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને નિયમિત ઘઉં- એપ્રિલ અને મે મહિના દરમિયાન પ્રતિ વ્યક્તિ સાડા ત્રણ કિલો કિલો ઘઉં તથા દોઢ કિલો ચોખા મળીને કુલ પાંચ કિલો અનાજ તથા કુટુંબદીઠ એક કિલો કઠોળ અને ચણાનું વધારાનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને એપ્રિલ મહિના દરમિયાન કુલ રૂ.૧૦૩૯.૩૩ કરોડની બજાર કિંમત ધરાવતા ૪૩.૦૬ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૮૦ લાખ કાર્ડ ધારકોને મે મહિના દરમિયાન કુલ રૂ.૮૦૫.૫ કરોડની બજાર કિંમત ધરાવતા ૩૬.૧૮ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એપ્રિલ અને મે મહિનામાં સમગ્રતયા રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બેય મળીને અંદાજે રૂ. ૧૮૪૪.૮૩ કરોડના બજાર મૂલ્યનું કુલ ૭૯.૨૪ લાખ ક્વિન્ટલ અનાજ ૬૮.૮૦ લાખ NFSA પરિવારોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો(એન.એફ.એસ.એ) હેઠળ સમાવેશ રાજ્યના ૬૮.૭૨ લાખ કાર્ડ ધારકોને જુન મહિના દરમિયાન કુલ રૂ.૪૨૧.૯ કરોડની બજાર કિંમત ધરાવતા ૧૯.૪૫ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સમાવેશ રાજ્યના ૬૮.૭૨ લાખ કાર્ડ ધારકોને જુન મહિના દરમિયાન કુલ રૂ.૩૯૪ કરોડની બજાર કિંમત ધરાવતા ૧૭.૦૪ લાખ હજાર ક્વિન્ટલ અન્ન પુરવઠાનું વિતરણ કરવામાં આવશે.