સુરત અને અમદાવાદમાં Remdisivir અને Tocilizumab ઇન્જેક્શનોના મોટા કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ

ગાંધીનગરઃ કોરોના મહામારીમાં કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. Remdisivir અને Tocilizumab Injectionના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક ઇસમ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની વિગતોના આધારે સુરત ખોરાક અને ઔષધ નિયમનતંત્રની ટીમ દ્વારા સુરત ખાતેથી રૂ. ૪,૬૫,૦૦૦/-ની કિંમતના Remdisivir અને Tocilizumab ઇન્જેક્શનોનો જથ્થો પકડી પાડી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રી ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને તા.૨૧જુલાઇના રોજ બાતમી મળી હતી કે, અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર ખાતે રહેતા સંદિપ માથુકીયા નામનો ઈસમ કે જે Abbott India Ltd ખાતે મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવે છે, તે સુરત ખાતે રહેતા યશ માથુકીયા નામના અન્ય ઈસમ મારફત Remdisivir Injectionના કાળાબજાર કરી નિયત કિંમત કરતા ત્રણ થી ચાર ઘણા વધારે ભાવ લઈ આ મહત્વના ઇન્જેક્શનોનો ગેરકાયદે વેપલો કરે છે. જેના આધારે સુરત ખાતેના મદદનીશ કમિશ્નર શ્રી આર.એમ.પટેલ અને તેમની ટીમે આરોપીઓને પકડી આ સમગ્ર નેટવર્ક બહાર લાવવા બોગસ ઓર્ડર મુકી દવા મંગાવી હતી. શ્રી યશ રાજેશભાઈ માથુકીયા નામની વ્યક્તિ પ્રતિ વાયલ રૂ. ૧૮૦૦૦/- લેખે કુલ ૦૨ નંગ વાયલનું Remdisivir Injectionના કુલ રૂ. ૩૬૦૦૦/- વસુલી વેચાણ કરતા તે સમયે આરોપી શ્રી યશ રાજેશભાઈ માથુકીયાને નિરુ ફાર્મ, કતાર ગામ રોડ, સુરત ખાતે ઝડપી લીધોહતો. પકડાયેલા આ આરોપીના રહેણાંક સ્થળ (૫, પ્રગતિ પાર્ક, ડભોલી ચાર રસ્તા, કતારગામ, સુરત)પર જઇને તપાસ કરતા ત્યાંથીજુદી-જુદી બ્રાન્ડના Remdisivir-100 મી.ગ્રા.ના કુલ ૧૫ નંગ ઈન્જેક્શનનો જથ્થો તથા Actemra-400 મી.ગ્રા.(Tocilizumab Injection)ના કુલ ૦૩ નંગનો જથ્થો મળી આવ્યોછે. જેમાંથીRemdisivir Injectionના નિયમિત નમુનાઓ લઈ બાકીનોજથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આ તમામ દવાઓના જથ્થા અંગે ખરીદ બિલ આરોપી પાસે અધિકારીઓએ માગતા તેણે રજુ કર્યા ન હતા.

સુરતથી પકડાયેલા Remdisivir Injectionના લેબલની ચકાસણી કરતા આ દવાઓનો વ્યાપ બાંગ્લાદેશ ખાતેથી ઉત્પાદિત થયા હોવાનું જણાયેલ છે. આરોપીને ત્યાંથી કુલ રૂ. ૪,૬૫,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા કેટલા સમયથી આ પ્રકારે વેપલો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં કેટલી ઊંચી કિંમતથી કેટલા દર્દીઓને માલ વેચવામાં આવ્યો છે તે અંગેની ઝીણવટભરી તપાસ સાથે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળેલ કે આ ગોરખ ધંધાનો મુખ્ય સુત્રધાર સંદીપ માથુકીયા અમદાવાદ ખાતેથી સમગ્ર નેટવર્ક ચલાવે છે. જેને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તેમજ અમદાવાદ વિભાગ-૨ના અધિકારીઓએ મે. નિલકંઠ એલિક્ઝિર એલએલપી, સિધ્ધીવિનાયક ટાવર, મકરબા, વેજલપુર, અમદાવાદ ખાતે રેડ કરી ત્યાંથી રેમડેસીવીર કુલ ૯૯ જેટલા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સંદીપ માથુકીયા મે.નિલકંઠ એલિક્ઝિર એલએલપીના અન્ય ભાગીદારો શ્રી દર્શન એસ. સોની તથા શ્રી પાર્થ બાબુલાલ ગોયાણી સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો છે.

તમામ ઇસમોની પુછપરછમાં તેઓએ કબુલાત કરી છે કે આ રેમડેસીવીર ઇન્જેક્શન તેઓ બાંગ્લાદેશના શબ્બીર અહેમદ નામની વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર અગરતલા સુધી મંગાવી તેની ડીલીવરી લેવા સંદીપ માથુકીયા અગરતલા જઈને અમદાવાદ ખાતે લાવતો હતો અને અમદાવાદથી પોતાના નેટવર્ક દ્વારા અન્ય સાગરીતો પાર્થ ગોપાણી, દર્શન સોની સાથે મળી રાજ્યભરમાં જુદી-જુદી જગ્યાએ મનફાવે તે રીતે વધુ ભાવ લઈ દર્દીઓને દવાઓનું વેચાણ કરતા હતા.

આ ઇસમોના તમામ વ્યવહારો રોકડથી થયા હોવાનુ જાણવા મળ્યુ છે. આરોપીઓને ત્યાંથી કુલ ૧૦,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા જરૂરી નમુનાઓ લઈ બાકીનો જથ્થો જપ્ત કરેલ છે.

આમ, પ્રાથમીક રીતે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોય વગર બીલે કે ઇમ્પોર્ટના પરવાના વગર મનફાવે તે રીતે જરૂરીયાતમંદ પાસેથી ભાવ વસુલ કરી સને ૧૯૪૦નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વરયેના નિયમો, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-૧૯૫૫ અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-૨૦૧૩નો ભંગ કરેલ છે અને તપાસમાં વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન થઈ રહેલ છે.

વગર પરવાને દવાઓનો સંગ્રહ, (કેશ/ક્રેડીટ મેમો) રજુ ન કરી સને ૧૯૪૦ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમો તથા આવશ્યક ચીજવસ્તુઓનો ધારો સને ૧૯૫૫ અને ઔષધ ભાવ નિયમન આદેશ ૨૦૧૩ની જોગવાઈઓના ભંગ બદલ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે કાળાબજારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આવા તત્વોનું નેટવર્ક તોડી તમામને પકડી પાડી જેલ ભેગા કરવા તથા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તત્પર છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરશ્રી ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.

error: Content is protected !!