ગૃહ વિભાગે અમદાવાદમાં ઘોડાકેમ્પમાં ‘હોર્સ રાઈડીંગ ક્લબ’ ફરીથી કાર્યાન્વિત કરી

અમદાવાદ: રાજ્યના ગૃહ વિભાગે અમદાવાદમાં ઘોડાકેમ્પમાં ‘હોર્સ રાઈડીંગ ક્લબ’ ફરીથી કાર્યાન્વિત કરી છે.

અમદાવાદ ઘોડા કેમ્પ ખાતે પોલીસ અશ્વતાલીમ શાળા-પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘’ ઘણા સમયથી અશ્વતાલીમ શાળા ફરી શરૂ કરવા લોકોની માંગ હતી. ત્યારે અમદાવાદ સહિત ૧૩ જિલ્લાઓમાં પોલીસ અશ્વતાલીમ શાળા શરુ કરાઇ છે. જેમાં ત્રણ મહિનાનો બેઝીક કોર્સ અને ત્યારબાદ ત્રણ મહિનાના એડવાન્સ કોર્સ થકી તાલીમ આપવામાં આવશે. સોશિયલ મીડિયાનાં જમાનામાં મેદાન પરની પ્રવૃત્તિઓ, રમત-ગમત ઓછી થતી જાય છે તેવા સમયે અશ્વારોહણની તાલીમ યુવાનો-વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉપયોગી નીવડશે. અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે.’’

ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પડદે નાયક કે નાયિકાના ઘોડેસવારીના દ્રશ્યો રોમાંચ જગાવે છે. ફિલ્મના હિરોની જેમ ઘોડેસવારી આવડે તેવી ઈચ્છા યુવાનો-વિદ્યાર્થીઓ હોય પરંતુ અશ્વારોહણની તાલીમ બધા મેળવી શકતા ન હતા, પણ હવે આ સ્થિતી બદલાશે અને મોટી સંખ્યામાં યુવાનો તાલીમ મેળવી શકશે. અમદાવાદ શહેરના યુવાનો માટે હવે આ સુવિધા ઉપલબ્ધ બની છે.

પોતાની કારકિર્દીનો મહત્તમ સમય આ ઘોડાઓ અને તેમના જતન-સંવર્ધન માટે ખર્ચનાર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એસ.બારોટ કહે છે કે, ‘ મારી નોકરીનો મહત્તમ કાળ ઘોડાઓ સાથે વીતાવ્યો છે… અંગ્રેજો કે રાજા મહારાજાઓના સમયમાં ઘોડા પાળવાનો લોકોને શોખ હતો… આજે પણ આ શોખ કેટલાય લોકોમાં બરકરાર રહ્યો છે…રાજ્યના ગૃહ વિભાગે અહીં ‘ હોર્સ રાઈડીંગ ક્લબ’ ફરીથી કાર્યા ન્વિત કરી છે…અહીં ઘોડા છે, જેમાં મારવાડી, કાઠીયાવાડી, વલેર, કન્ટ્રીબીડ જેવા જાતવાન ઘોડાનો સમાવેશ થાય છે…’
શહેરના નાગરિકો માટે શરુ કરાયેલી ઘોડેસવારીની તાલીમનો ઉલ્લેખ કરી શ્રી બારોટ કહે છે કે, ‘ અહીં બેઝીક અને એડવાન્સ એમ બે પ્રકારની તાલીમ અપાય છે. નવા શીખાઉને બેઝીક તાલીમ અપાય છે.., જ્યારે ઘોડા પર કાબૂ મેળવતાની સાથે સાથે ઘોડાની પરિભાષા શીખી જાય તે તાલીમાર્થીઓને જ એડવાન્સ તાલીમ અપાય.

વર્ષોથી ઘોડા સાથે લગાવ ધરાવતા શ્રી બારોટ કહે છે કે, ઘોડા લાગણીઓ ધરાવે છે, તેમની વર્તણૂંક પરથી તે સમજી શકાય છે. તે રાજી થાય ત્યારે તે લાગણી પણ વ્યક્ત કરે છે અને નારાજ થાય ત્યારે ગુસ્સો પણ વ્યક્ત કરે છે…પોલીસ અને ઘોડેસવારી સાથેના લગાવ અંગે વાત કરતાં શ્રી બારોટ કહે છે કે, ‘મારા પિતા પોલીસમાંથી નિવૃત્ત થયા છે. અને અને ભાઈ પણ પોલીસમાં છે.. હું ૧૯૮૬માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે હથિયારી એકમમાં જોડાયો…પણ ઘોડાનો બાળપણથી જ શોખ હતો… એટલે માઉન્ટેડ પોલીસમાં જોડાવા અરજી કરી અને પરીક્ષા આપી વર્ષ ૨૦૦૮માં પી.એસ.આઈ તરીકે નિમણૂક પામ્યો… બનાસકાંઠા, વડોદરા, સૂરત, બનાસકાંઠા અને હવે ફરી અમદાવાદ માઉન્ટેડ પોલીસમાં અને વચ્ચે મરીન પોલીસમાં પણ સેવા બજાવી છે…’

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગના અશ્વદળમાં હાલ ૬૦૩ અશ્વોની મંજૂર મહેકમ જેમાં નવા ૧૩૫ અશ્વો ઉમેરવામાં આવશે. રાજ્યના અશ્વદળે આ વર્ષે ‘ઓલ ઇન્ડિયા ઇક્વેસ્ટ્રીયન મીટ’ ખાતે ૦૭ ગોલ્ડ અને ૦૨ સિલ્વર મેડલ જીતી અને પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે. માઉન્ટેડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એસ.બારોટ આજે પણ ઘોડેસવારીને લગતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લે ગુજરાત પોલીસનું નામ રોશન કરી રહ્યા છે. શ્રી બારોટે અત્યાર સુધીમાં ૯ ગોલ્ડ, ૪ સીલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

આ પ્રસંગે તાલીમબધ્ધ યુવા ઘોડેસવારોએ આમંત્રીતો સમક્ષ અશ્વારોહણ નિદર્શન કર્યું હતું. આ અશ્વદળ ટુકડીની આગેવાની મહિલા ઘોડેસવારોએ કરી હતી.