અમદાવાદ આવેલા ટ્વિન-ઓટર્સ સી-પ્લેનની ૧૯ પેસેન્જરની ક્ષમતા ; સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન

અમદાવાદ: એરોપ્લેનથી અને સી-પ્લેન એ બન્નેમાં તફાવત એટલો જ કે એરોપ્લેન લેન્ડીગ અને ટેક-ઓફ જમીન પર કરે છે જ્યારે સી-પ્લેન જળ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે.

આગામી ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરવાના છે.અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેન વજન ૩૩૭૭ કિલોગ્રામ છે. ૧૪૧૯ લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, મહત્તમ ૫૬૭૦ કિ.ગ્રા. વજન સાથે ઉડી શકે છે. સી-પ્લેન ૧૫.૭૭ મિટર (૫૧ ફુટ) લાંબુ અને ૫.૯૪ મીટર (૧૯ ફુટ) ઉંચું છે.

કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા મુજબ સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક ૨૭૨ કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.

સી-પ્લેનની ડાબી બાજુ ૧.૨૭ * ૧.૪૫ મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન ૧૯ પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાયલોટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.

કેપ્ટન અજય ચૌહાણે વધુમાં કહ્યું કે, સી-પ્લેનમાં કોમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી વળી તે લો અલ્ટીટ્યુડ પર ( ઓછી ઊંચાઈ પર) ઉડે છે જ્યાં પાઇલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે જ્યારે સી પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી-પ્લેનના પાયલોટની કામગીરી વધું પડકાર જનક હોય છે.