આવી રહ્યો છે, માસ્ક ન પહેરનારાઓ માટે ફરજિયાત કોવિડ સેન્ટરમાં સેવા આપવાનો હુકમ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિક્રમ નાથ અને ન્યાયાધીશ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે આજે કહ્યું હતું કે સામાજિક સેવા એ વિશ્વના વિવિધ દેશોમાં સ્વીકાર્ય પ્રકારનો દંડ છે અને હાલના રોગચાળાની પરિસ્થિતિમાં જ્યારે વિશ્વભરના નિષ્ણાતોએ માન્યું છે કે માસ્ક એ અધિકતમ સુરક્ષા આપનારો ઉપાય છે ત્યારે જેઓ માસ્ક પહેર્યા વગર પકડાય તેમના માટે નાણાકીય દંડ ઉપરાંત કોવિડના સારવાર આપતા કેન્દ્રો પર દસથી પંદર દિવસની કોમ્યુનિટી સર્વિસ (સામાજિક સેવા) લેવાના પગલા લેવાવા જોઇએ.

મુખ્ય ન્યાયાધીશે પોતાના મૌખિક અવલોકનમાં કહ્યું કે વ્યક્તિને એક વખત કહી દો કે કોવિડ સેન્ટરમાં જાઓ અને ત્યાં કોમ્યુનિટી સર્વિસ આપો તો તે વ્યક્તિ કોવિડ હોય કે ન હોય, આખી જિંદગી માસ્ક પહેરવાનું શીખી જશે. તેમણે કહ્યું કે અખબારમાં ચેતવણીરુપ અહેવાલ છે કે માસ્ક વગરના સો લોકો પકડાયા એમાંના 47 કોવિડ પોઝીટીવ નીકળ્યા અને તે પણ કોવિડના લક્ષણો વગરના પોઝીટીવ એટલેકે એસિમ્પ્ટોમેટિક હતા. ગંંભીર બાબત એ છે કે એક વ્યક્તિથી કોવિડનું સંક્રમણ બસો વ્યકિતઓમાં ફેલાઇ શકે છે. એક માણસ પોતાના માટે જવાબદાર ન હોય પરંતુ તેણે બીજા માટે તો જવાબદાર બનવું પડે. લોકો નચિંત છે. શી ખબર તેમની માનસિકતામાં શું ખરાબી છે પરંતુ તેઓ હાલના આર્થિક દંડથી પૂરતા ગભરાઇ નથી રહ્યા. તેથી અરજદાર વિશાલ અવતાની દ્વારા કસૂરવારોને કોમ્યુનિટી સર્વિસમાં મોકલવાનું જે સૂચન થયું છે તે ગંભીર વિચાર માંગે છે. આપણે લોકોને હાથ જો઼ડીને માસ્ક પહેરવાની વિનંતી કરી હવે શું તેમને ઘૂંટણિયે પડીને વિનંતી કરીએ?

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી આ સૂચન સાથે સહમત થયા હતા પરંતુ તેમણે આ સૂચનના અમલના મેનેજમેન્ટ હેતુની બાબતોની અને વૈકલ્પિક ઉકેલની સરકાર સાથે ચર્ચા માટે સમય માંગ્યો હતો. ગવર્મેન્ટ પ્લીડર મનીષા લવકુમાર પણ હાઇકોર્ટના અવલોકન અને દિશા નિર્દેશન સાથે સહમત થયા હતા.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે કોવિડ સેન્ટર પર કોમ્યુનિટી સર્વિસનો હુકમ કરવાનું સરકારના ડહાપણ પર છોડીએ છીએ અથવા પછી અમે હુકમ કરીશું. આ બાબત તાકીદનું ધ્યાન માંગી લે છે. સરકાર આજે જ સરક્યુલર બહાર પાડે તો કાલથી કોઇ માસ્ક વગર નહીં દેખાય. માનો કે આજે જ આ વાત જનતામાં મૂકો અને સોશ્યલ મિડિયા સહિતના મિડિયામાં તેનો પ્રચાર કરો તો કાલથી તેની અસર દેખાશે. જો સરકાર નિર્ણય લે તો ખૂબ સરસ નહીં તો અમે કઇંક કરીશું. પરંતુ રોજની ચાર કે છ કલાકની સર્વિસના પગલાનું સૂચન ખૂબ મદદરુપ નીવડશે.

હાઇકોર્ટે આ બાબત હવે પછીના ખૂલતી કોર્ટના દિવસે અને સમયે એટલેકે મંગળવારે સવારે અગિયાર વાગ્યા પર રાખી છે.