ગુજરાતમાં સ્થપાઇ શકે છે લક્ઝમબર્ગની કંપનીનું એકમઃ કોવિડની રસીની દેશવ્યાપી પહોંચ માટે અત્યંત મહત્વનું

ગાંધીનગરઃ ગુજરાતમાં વિશેષ પ્રકારના વાતાનૂકૂલિત રસી પરિવહન એકમની સ્થાપના થઇ શકે છે. લક્ઝમબર્ગના વડાપ્રધાન ઝેવીયર બીટલ સાથેની તાજેતરની દ્વિપક્ષીય વર્ચ્યુઅલ વાર્તામાં આવું એકમ સ્થાપિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે વડાપ્રધાન મોદીએ તુરંત જ સ્વીકારી લીધી હતી અને તેમાં રસ લીધો હતો. લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સ આવતા અઠવાડિયે ગુજરાતમાં એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ મોકલવાનું છે. વિદેશ મંત્રી જયશંકર આ દરખાસ્ત પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. ભારતના યુરોપીયન યુનિયન ખાતેના રાજદૂત સંતોષ ઝાએ લક્ઝમબર્ગની કંપનીના વડેરાઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો છે.

રસીને સતત જોઇતી ઠંડી જગ્યાએ રાખીને હેરફેર કરવા માટેની સમગ્ર વાતાનૂકૂલિત શ્રુંખલામાં રસી રાખવાના રેફ્રીજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સનો સમાવેશ થાય છે. આ માટેનું આખું એકમ ગુજરાતમાં સ્થાપવાની યોજના છે. બી મેડિકલ સિસ્ટમ્સ કંપની પોતાનું પૂર્ણ કક્ષાનું એકમ બીજા તબક્કામાં ગુજરાતમાં સ્થાપિત કરશે. આ એકમ ન કેવળ ભારતની જરુરિયાતો પૂરી પાડશે પરંતુ નિકાસ પણ કરી શકશે. જો કે તે માટે બે વર્ષ જેટલો સમય લાગી જાય તેમ છે, તેથી ભારતની કોરોનાવાઇરસ સામેની રસીની તાકીદની જરુરિયાતોના સંદર્ભમાં હાલ પૂરતો એવો નિર્ણય કરાયો છે કે પહેલા તબક્કામાં માત્ર રેફ્રીજરેશન બોક્સ લક્ઝમબર્ગથી મંગાવવા અને બાકીની જોઇતી ચીજો આત્મનિર્ભર ભારતની ભાવના સાથે ભારતમાંથી સ્થાનિક સ્તરે ઉપબલ્ધ કરાવવી. રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ બોક્સ રસીને ચાર ડિગ્રી સેલ્સિયસથી માઇનસ વીસ ડિગ્રીની ઠંડક જાળવી એક સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું શક્ય બનાવશે. જો કે કંપનીની ક્ષમતા માઇનસ વીસ ડિગ્રી સુધીની ઠંડક જાળવતા બોક્સ સુદ્ધા ઉપલબ્ધ કરાવવાની છે. રેફ્રીજરેટેડ બોક્સ સૂર્ય શક્તિ ઉપરાંત કેરોસીન, ગેસ અને વીજળીથી પણ કાર્યરત થઇ શકે તેવા છે. બધું સમૂસૂથળું પાર ઉતર્યું તો ભારતને તેની ડિલીવરી માર્ચ 2021 સુધી મળે તેમ છે.