‘દિનકરભાઇનું નામ નહીં હોય ત્યાં સુધી ગુજરાતના ઉમેદવારોની યાદી નહીં નીકળે’

 

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

હમણાં ભારત મંથન કાર્યક્રમમાં બોલતા મેં એ વાતને સમાવી હતી કે આપણે ત્યાં લખવા કે સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરવા અંગે કેવી ઉદાસીનતા છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થઇ ગયું. પાછલા વર્ષોમાં તેમની પાસે સોમનાથ ટ્રસ્ટ સિવાય બીજો કોઇ વિષય ન હતો. સમયની ભરપૂર મોકળાશ હતી. તેઓ પોતાની આત્મકથા લખી શક્યા હોત, કે પછી પ્રોફેશનલ લહિયો રોકીને લખાવી શક્યા હોત. પરંતુ આવું કંઇ ન કર્યું. અહેમદ પટેલે તો તેમના વિશે પુસ્તિકા કરવા ઇચ્છુક ભરુચના વ્યક્તિને તેમ કરતા રોક્યો હતો. રાઝ બધા શરીર સાથે જ દફન થઇ જશે એમ કહેતા. વારુ, ઓરલ હિસ્ટરી એટલેકે મૌખિક રીતે થયેલી બયાની અને સેકન્ડરી સોર્સના રસ્તા જ પછી બાકી રહે છે. મારી સાથે મૌખિક વાતચીતમાં અહેમદભાઇ ખાસ્સા ખીલેલા અને દિલ ખોલીને ચીજો બયાન કરી હતી, પણ એ વિશે ફરી ક્યારેક વાત.

ગઇકાલે નવસારી અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય દિનકરભાઇ દેસાઇનું નિધન થયું. સત્તાણું વર્ષના દિનકરભાઇની સેકન્ડરી સોર્સથી મળેલી વાતો રસપ્રદ છે. તે વર્ષોમાં ઝીણાભાઇ અને માધવસિંહ જૂથ વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. દિનકરભાઇ માધવસિંહ જૂથના ગણાય. દિનકર દેસાઇ નવસારીમાં એવા મજબૂત કે ત્યાંથી લડે તો જીતે જ. અને દિનકરભાઇનો ઇન્દિરા સાથેનો નાતો એવો પ્રગાઢ કે નવસારીમાંથી ટિકીટ માંગે તો મળે જ. દિનકરભાઇને કાપવા માટે ઝીણાભાઇએ નવસારી વિધાનસભા બેઠકમાં ચીખલી તાલુકાના પંદર ગામો ઉમેરાવી દીધા અને બેઠકને અનામત કરાવી દીધી. નવસારી સાથે આ ગામોને કોઇ લેવાદેવા ન હતી પરંતુ બેઠક અનામત થાય તો અનાવિલ બ્રાહ્મણ દિનકરભાઇ લડી ન શકે.

ખૈર, પછી તો કોંગ્રેસની ઉમેદવારોની યાદી તૈયાર થઇ અને તત્કાલીન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ યાદી લઇને દિલ્હીમાં ઇન્દિરા ગાંધીને મળ્યા. ઇન્દિરાએ તુરંત જ પૂછ્યું, દિનકરભાઇનું નામ ક્યાં છે યાદીમાં? ઇન્દિરાને કહેવામાં આવ્યું કે દિનકરભાઇની બેઠક રિઝર્વ થઇ ગઇ છે તેથી તેઓનું નામ નથી. ઇન્દિરાએ કહ્યું કે દિનકરભાઇને પૂછો તેમણે બીજી કઇ બેઠક પરથી લડવું છે? પછીજ યાદી નીકળશે. પછી તો દિનકરભાઇ ગણદેવી બેઠક પરથી લડ્યા.

વિધિની વક્રતા જુઓ કે આજે દિનકરભાઇના જ દિકરી પિયુષભાઇ, નવસારી બેઠક બિનઅનામત જાહેર થતા ત્યાંના ભાજપના ધારાસભ્ય છે.

બાય ધી વે, દિનકરભાઇ પરત્વે ઇન્દિરા ગાંધીને આટલી મમત એટલા માટે હતી કારણકે ઇન્દિરાના મનમાં દિનકરભાઇની છાપ એક અત્યંત વફાદાર વ્યક્તિ તરીકેની હતી. જ્યારે ઇન્દિરા વિરોધી લહેર ચાલતી હતી ત્યારે પણ દિનકરભાઇ ઇન્દિરાના જાહેર સમર્થનમાં રહ્યા હતા. સાંભળ્યું છે કે નવસારીના લોકોએ આ મામલે તેમનું માથુ મુંડાવી, ચહેરો કાળો કરી, ગધેડા પર ફેરવ્યા હતા. દિનકરભાઇએ ઇન્દિરાને લેખિત સંદેશો મોકલાવ્યો હતો કે માથુ મુંડાવ્યું, ચહેરો કાળો થયો, ગધેડા પર ફેરવ્યો પણ હું આપનો અટલ સૈનિક રહ્યો છું. મેદાન નથી છોડ્યું. અણનમ છું. ઇન્દિરાએ આની સજ્જડ નોંધી લીધી હતી અને ઉમેદવારોની યાદી દિનકરભાઇનું નામ ઉમેરાયું પછી જ ક્લીયર કરી હતી.

Related Stories

Recent Stories