બેટ દ્વારકાનો પુલ અને કે.કા.શાસ્ત્રીનો એ ચાલીસ વર્ષ જૂનો લેખ

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

મુખ્યમંત્રી જ્યારે પણ વિકાસના ચાલી રહેલા પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લે અને તેની નોંધ માધ્યમોને મોકલે ત્યારે તેમણે તે ખાસ જોવું જોઇએ કે તેમાં એ માહિતી અચૂક સમાવિષ્ટ હોય કે પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થવાનો છે. હમણાં મુખ્યમંત્રી ઓખા અને બેટ દ્વારકાને જોડતા દરિયાઇ પુલના ચાલી રહેલા કાર્યને જોવા માટે હોવરક્રાફ્ટમાં બેસીને ગયા તેની નોંધમાં પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થવાનો છે તેની કોઇ વિગત ન હતી. જો કે વણલખ્યું માની લેવાનું કે 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા તો આ અને આવા બીજા મોટા પ્રોજેક્ટ પૂરા થઇ જ જશે.

ખૈર, મને વર્ષ 1979ના, એટલેકે ચાલીસ વર્ષ પહેલાના ગુજરાત સરકારના ગુજરાત મેગેઝીનના દીપોત્સવી અંકમાં લખાયેલા કે.કા.શાસ્ત્રીજીના લેખની સ્મૃતિ થઇ આવી. પરમ કૃષ્ણ ભક્ત શાસ્ત્રીજીએ તેમના લેખ  ‘બેટ શંખોદ્વાર શક્ય પુનરુદ્ધાર’ માં ઓખા અને બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવાની કડક વકીલાત કરી હતી.

તેમણે લખ્યું હતુંઃ બેટમાં જવા-આવવાના માર્ગ માટે વર્તમાનમાં દરિયાઇ જે વ્યવસ્થા છે તે ખૂબ અપૂર્ણ છે. દરિયાઇ ઉપરાંત જમીનમાર્ગે બેટને જોડી શકાય? અખાતની ઓખામંડળની તળજમીન સાથે જોડવાની કોઇ સરળ ચાવી છે ખરી? અને હોય તો ક્યાં? બેટના દક્ષિણ છેડાના શંખોલિયા પોઇન્ટથી ઓખામંડળની તળભૂમિના ક્યૂ (મેં દરડા બંદર) વિભાગ સુધીની આશરે 1.6 કિલોમીટરની પહોળાઇની પટ્ટી ઠીક ઠીક છીછરી છે, અને સારી એવી ઓટના સમયે ઉંટ-ઘોડા-ગાય-ભેેંસો ઉતરી આવતાં. મને યાદ છે કે જ્યારે હું નવ વર્ષનો હતો અને કાર્તિક માસની દેવઉઠી અગિયારસના અરસામાં અમારું કુટુંબ પંદરેક દિવસ ત્યાં રહ્યું હતું ત્યારે સાધુઓ એ માર્ગે પાણીમાં ઉતરીને બેટમાં આવતા હતા એવું મેં જોયું હતું. ગમે તે હો, ઓખા બંદરના અધિકારી તરફથી ક્યુ નામે ઓળખાતા મેંદરડા ગામના કિનારાથી બેટ-શોંખોલિયાના નામે ઓળખાતા કાંઠા સુધીનું અંતર આશરે એક માઇલ ઉપર થાય છે. ભરતી ઉતરી જતાં જે ખરાબા છે તેના ઉપર આશરે બે ફીટ સુધી પાણી રહે છે. વધારેમાં વધારે ભરતા 11 ફીટથી લઇને 13 ફીટ આવે છે. આ પટ્ટીમાં દરિયાઇ પાણીનો કોઇ પ્રવાહ નથી તેથી કોઇ પણ પ્રકારનો આડબંધ બાંધવામાં આવે તો એને પાણનો માર લાગે એમ નથી. જો એ સાથે બબ્બે મીટરના ડાયામીટરના હ્યુમ પાઇપનાં થોડે થોડે અંતરે ગરનાળાં મૂકી તળમાં 30 મીટરની પહોળાઇમાં અને મથાળે આવતાં 15 મીટરની પહોળાઇમાં પથ્થરોની જ પૂરણીથી માર્ગ બાંધવામાં આવે તો સળંગ મોટાં વાહનોને જવા આવવાનો ધોરીમાર્ગ બાંધી શકાય. મછવાઓને જવા-આવવાની સરળતા થવા લગભગ વચ્ચેના ભાગમાં ઉઠાવી લેવાય એવો લોખંડી પુલ બાંધી લેવામાં આવે તો બાલાપુરની ખાડી સાથેનો વ્યવહારમાર્ગ છે એવો ટૂંકો ચાલુ રહી શકે.

ચોક્કસ સમયે દરિયામાંથી ચાલતા બેટ દ્વારકા જઇ શકાય છે એ કેકા શાસ્ત્રીજીએ લખેલી વાત બિલકુલ સત્ય હતી. ઘણા વર્ષો પહેલાં મેં ગુજરાત સમાચારમાં એક જંગલી દીપડો બેટ દ્વારકા પહોંચી ગયો હોવાનો અહેવાલ લખ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આશ્ચર્ય થાય કે દરેક તરફ દરિયાથી ઘેરાયેલા ટાપુ પર દીપડો કઇ રીતે પહોંચ્યો હોય? શું નાવમાં બેસી જઇને આવી ગયો હોય? પરંતુ વરિષ્ઠ પ્રકૃતિ પ્રેમી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા કે જેઓ બેટ દ્વારકાની દરેક વર્ષે પૂર્ણ પરિક્રમા કરે છે અને ત્યાં ડની પોઇન્ટ પર શિયાળામાં કેમ્પનું પણ આયોજન કરે છે તેમણે મને કહ્યું હતું કે બેટ દ્વારકા અને ઓખા વચ્ચે એક પટ્ટી છે જ્યાં દરિયાની ચોક્કસ સ્થિતિ વખતે ચાલીને આવવાનું દીપડા માટે શક્ય છે.

જ્યારે બેટ દ્વારકામાં વીજળી પણ પહોંચી ન હતી, માત્ર જનરેટરથી મંદિર પૂરતી વીજળીની વ્યવસ્થા ઉભી કરાઇ હતી, અને આખા બેટ પર પાઇપ મારફતે પાણી પણ પહોંચ્યું ન હતું તે ગાળામાં 1979માં લખાયેલા લેખમાં શાસ્ત્રીજીએ તે સમય અનુસારના સામાન્ય પુલની કલ્પના કરી છે, પરંતુ તેમના શિષ્ય નરેન્દ્રભાઇ મોદીએ તો વડાપ્રધાન બનતાજ આ કલ્પનાને અતિ ઉંચુ સ્વરુપ આપીને ભારતમાં ક્યાંય ન હોય તેવા સમુદ્રી પુલને બાંધવાનું શરુ કર્યું છે.

બાય ધી વે, પાછલા કેટલાક વર્ષોથી બેટ દ્વારકાના કિનારે કિનારે અને આસપાસના નાના દ્વીપોમાં કબર કરી દઇને દરગાહ બનાવી દેવાનું ચલણ ખૂબ વધ્યું છે. એક વખત કબર બને, પછી લીલો ઝંડો ફરકે, પછી પાકી દરગાહ બને એટલે ધાર્મિક કારણોસર ત્યાં જવાનો સ્થાનિકોને પરવાનો મળી જાય છે. આ પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે અને સીમાવર્તી વિસ્તાર હોવાથી શંકા પણ પ્રેરે છે. એક વખત પુલ બની જશે એટલે બેટ તરફ ખૂબ માઇગ્રેશન થશે. બેટની વિશાળ ખુલ્લી જમીન, સુંદર દરિયાકિનારા અને ઝાડી ઝાંખરાવાળા જંગલ વિસ્તાર પર કાયમી વસવાટ માટે પેશકદમી વધશે. ગેરકાયદે ફૂટી નીકળતી દરગાહો દૂર કરી, હયાત વસ્તીમાં પણ ગેરકાયદે બાંધકામો સામે પગલા લઇ, બેટમાં નવા વસવાટ માટે પરમીટ દાખલ કરી, નેવીનું સુરક્ષાનું મોટું થાણું સ્થાપી નિયંત્રિત અને આયોજનબદ્ધ  રીતે ટૂરિઝમની પ્રવૃત્તિ વિકસાવાશે તો પુલ બનાવવાનું લેખે લાગશે.

Related Stories

Recent Stories