પ્રભાવશાળીનું બિરુદ આપતો એવોર્ડ પ્રભાવશાળી નથી

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

રાજકારણીઓ મોટાભાગે બહુ જ ખંધા લાગે છે પરંતુ ક્યારેક અત્યંત naive રીતે વર્તતા જોવામાં આવે છે. ગઇકાલે ગુજરાત ભાજપના પ્રમુખને સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદ કરવામાં આવ્યા, તો ભાજપના સંખ્યાબંધ લોકો ઓનલાઇન માધ્યમો પર ઉત્સાહ પ્રગટ કરતા હતા. ગુજરાત ભાજપે તો બાકાયદા આની અખબારી યાદી પણ કાઢી.

હવે એમાં તો કોઇ દોરાય નથી કે પાટીલ તો પ્રભાવશાળી સાંસદ છે જ. તેમનું ફરી ફરીને ચૂંટાવવું, સૌથી વધુ મતે ચૂંટાવવું, તેમના મત વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો તેમનો ટ્રેક રેકોર્ડ, તેમની મતવિસ્તાર અને રાજધાની વચ્ચે સતત સક્રિયતા, તેમનું વડાપ્રધાનની નજીક હોવું, હાથ પર લીધેલા કામો પાર પાડવાનો તેમનો સંગીન ટ્રેક રેકોર્ડ, હાઉસ એલોટમેન્ટ કમિટીના વડેરા તરીકે તેમની કુનેહપૂર્વકની કામગીરી, વળી હવે તો ગુજરાત ભાજપના પ્રમુખ પણ બનવું અને પેટા ચૂંટણીઓમાં અભૂતપૂર્વ લીડ સાથે બેઠકો પર જીત, આ બધું પાટીલને નિઃશંક પ્રભાવશાળી સાબિત કરે છે.

પરંતુ પાટીલને પ્રભાવશાળીનો શિરપાવ આપનાર પોતે પ્રભાવશાળી નથી. તદ્દન નહીં જાણીતા મેગેઝીને, નહીં જાણીતી સર્વે સંસ્થાના હવાલાથી પાટીલ માટે પ્રભાવશાળી સાંસદનો એવોર્ડ જાહેર કર્યો પછી પાટીલના સમર્થકોએ તેની જે રીતે મોટા ઉપાડે નોંધ લીધી તેથી તો નહીં જાણીતા એવા એવોર્ડનો પ્રભાવ વધી ગયો.

સંસદ દ્વારા અધિકૃત રીતે શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ જાહેર થયો હોય તો ઉત્સાહમાં જોડાઇએ પરંતુ અહીં પહેલું તો એ કે, એવોર્ડ આપનાર ફેમ ઇન્ડિયા મેગેઝીનનું નામ જ પહેલી વખત સાંભળ્યું, અને સર્વે કરનાર એશિયા પોસ્ટ તો શું છે એ તો શોધ્યું નથી જડતું. ખંધો રાજકારણી તો આવા એવોર્ડના કર્તાઓ સંપર્ક કરે તો તેમને સવિનય કહે કે ભાઇ એવોર્ડના પ્રસ્તાવ બદલ આભાર, પરંતુ મારું નામ આમાં નથી જોડવું, બીજા ઘણા સારું કામ કરે છે, તેમને જોતરો. શાણો રાજકારણી આવો એવોર્ડ પોતાની સંમતિ વગર જાહેર જ થઇ ગયો હોય તો, તેની નોંધ પણ ન લે અને ન તો લેવાને ઇજન આપે.

એવોર્ડ જાહેર કરનાર ફેમ ઇન્ડિયાની વિગતો ફંફોસતા જણાય છે, કે તે સરકારી બાબુઓને, સાંસદોને, મંત્રીઓને, જિલ્લા અધિકારીઓને, ધારાસભ્યોને વગેરેને નિયમિત રીતે થોકબંધ સંખ્યામાં એવોર્ડ જાહેર કરે છે. એવોર્ડની ફેક્ટરી જ સમજી લો. પાટીલને ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ દ્વારા સૌથી પ્રભાવશાળી સાંસદનો એવોર્ડ મળ્યો છે, તો આ સાથે આ મેગેઝીને બીજા ચોવીસ સાંસદોને પણ એવોર્ડ જાહેર કર્યા છે. આમાં એકને ઉત્કૃષ્ટ સાંસદ તો બીજાને યોગ્ય સાંસદ, તો ત્રીજાને અસરદાર, તો ચોથાને ઉર્જાવાન અને એ રીતે અનુભવી, પ્રેરક, કર્મઠ, વિલક્ષણ, કર્તવ્યનિષ્ઠ, શખ્સિયત, લગનશીલ, અગ્રદૂત, વિશિષ્ઠ, મજબૂત, કર્મયોદ્ધા, વ્યવહારકુશળ (આમાં મેગેઝીને કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પસંદ કર્યા છે), કામિયાબ, આઇકોન, દૂરદર્શી, ચર્ચિત, ઉદ્દેશ્યપૂર્ણ, સક્રિય, જિમ્મેદાર અને જાગૃત એવા ચોવીસ અલગ અલગ બિરુદ સાથે એવોર્ડ જાહેર કર્યા છે. આવું પાછું દરેક વર્ષે ચાલે છે. મારી સમજ એ સમજવા નાની પડે છે કે કઇ વૈજ્ઞાનિક પદ્ધતિથી કોઇ સાંસદને કામિયાબ કે વ્યવહારકુશળ કે વિશિષ્ઠ કે લગનશીલ કે વિલક્ષણ વગેરે વગેરેનું બિરુદ આપી શકાયું હશે? વળી આવા પચ્ચીસ સાંસદોને તો દર વર્ષે એવોર્ડ જાહેર થાય. એટલે સંસદના પાંચ વર્ષના કાર્યકાળમાં સવા સો સાંસદોને આવો એવોર્ડ આ મેગેઝીન જાહેર કરી દે. મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ મંત્રીઓનો પણ એક એવોર્ડ છે જેમાં પણ થોકબંધ રાજ્યોના મંત્રીઓના નામ જાહેર કરવામાં આવે છે. નજીકના ભૂતકાળમાં ગુજરાતમાંથી ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ આ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ મંત્રી તરીકે જાહેર થયું હતું, અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર અભિનંદન વર્ષા થઇ હતી, પરંતુ પ્રદીપસિંહ આ એવોર્ડ લેવા માટે દિલ્હી ગયા ન હતા. કદાચ તેમને સમજાયું હશે કે આમાં કંઇ સત્વ કે શાન છે નહીં. જાડેજાનો એવોર્ડ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીએ હરખપદૂડા દેખાવ સાથે (ખરેખર કહું છું. યુટયુબ પર વિડિયો છે તે જુઓ) સ્વીકાર્યો હતો. જો કે અન્ય રાજ્યોમાંથી આ જ એવોર્ડ લેવા આવેલા મંત્રીઓ સ્ટેજ પર સમૂહમાં ભેગા થયા હતા. જોવાની વાત એ છે કે આ ખાનગી એવોર્ડ સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો.

ઉપરોક્ત એવોર્ડની વાત અહીં પૂરી. હવે કોઇપણ એવોર્ડ વિશે ઉપસ્થિત થતી પ્રશ્નાવલિ – એવોર્ડ કેટલો જૂનો છે, અને વીતેલા તમામ વર્ષોમાં તેની શાખ કેવી રહી છે ? એવોર્ડ પ્રતિષ્ઠા અપાવે એ તો પછીની વાત એવોર્ડની પોતાની પ્રતિષ્ઠા શું છે? એવોર્ડ આપનારા કોણ છે, તેમની પોતાની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા કેવીક છે ? એવોર્ડનું ચયન કોણે કર્યું છે, ચયન કરનારાઓની પ્રતિષ્ઠા કેવીક છે ? ચયન કઇ પદ્ધતિથી થયું છે ? સંસ્થા દ્વારા એવોર્ડ કેટલી સંખ્યામાં, કેટલા સમયગાળે, કોને કોને અપાય છે ? શું એવોર્ડ પેઇડ હોવાનો કે વગથી જાહેર થયો હોવાનો જરા સરખો પણ આભાસ થાય છે ?

એવોર્ડોની ભ્રામક દુનિયા વિશે બીજું પણ લખવું છે પરંતુ અંદર બહાર ગુજરાતમાં ટૂંકી નોંધનો ક્રમ જાળવતા અહીં અટલું છું. એવોર્ડો વિશે જે ઘણું કહેવા જોગ છે એ આ શ્રુંખલામાં ફરી ક્યારેક પ્રસંગોપાત.

Related Stories

Recent Stories

error: Content is protected !!