કળ વળી છે, અને ધારણા કરતા ઘણી સારી

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

પાછલા વર્ષે જૂનના મહિનામાં ગુજરાત સરકારે રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોરોનાવાઇરસની પરિસ્થિતિને કારણે જે સ્થિતિ ઉભી થઇ છે તેમાં હાલ સરકારમાં નવી ભરતી-િનમણૂંકો અને નવી એસટી બસો સહિતના નવા વાહનોની ખરીદી બંધ રહેશે. સરકારે આ સાથે પેટ્રોલ પરના વેટના દરોમાં પણ વધારો કર્યો હતો. જો કે હવે ગુજરાત સરકારે ભરતી પણ શરુ કરી દીધી છે અને પહેલી જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ એક હજાર નવી એસટી બસોની ખરીદીની પણ જાહેરાત કરી દીધી છે એ જોતા માની શકાય છે કે આર્થિક તંગીનું ગુજરાત સરકારના માથે ઝળુંબી રહેલું કોરોનાવાઇરસ સંલગ્ન સંકટ હવે દૂર થયું છે. ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ(વેટ)થી અને જીએસટીથી મહદ આવક થાય છે. જો કે પેટ્રોલ ડીઝલનો વપરાશ કોરોનાકાળમાં ઘટ્યો છે પરંતુ પ્રતિ લીટર બે રુપિયા વેટ વધારવાના જૂનના નિર્ણયથી સરકારને રાહત વર્તાઇ છે. વાહનોના વેચાણ અને સ્ટેમ્પ ડ્યુટીથી થતી આવક લોકડાઉન હટતા પુનઃ શરુ થઇ છે. વીજ વપરાશ પુનઃ સામાન્ય થતા ઇલેક્ટ્રીસીટી ડયુટીની આવક પણ પુનઃ સામાન્ય થઇ છે. સરકારનો અંદાજ કોરોનાની સ્થિતિથી ત્રેવીસથી ચોવીસ હજાર કરોડના ગાબડાનો હતો. જો કે જીએસટીની આવકમાં લોકડાઉન પછીના મહિનાઓમાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘણો સારો વધારો જોવા મળ્યો છે તેથી પરિસ્થિતિ ધારણા મુજબની ખરાબ નથી થઇ. નવેમ્બર 2020માં નવેમ્બર 2019 કરતા 11 ટકા વધુ જીએસટી આવક થઇ. સપ્ટેમ્બર 2020માં 2019ની સરખામણીમાં છ ટકા વધુ આવક થઇ. ઓગસ્ટમાં અગાઉના વર્ષના ઓગસ્ટની આવકની સરખામણીમાં 3 ટકા જેવો નજીવો ઘટાડો હતો. માર્ચ-એપ્રિલ-મે-જુન-જુલાઇનો ફટકો અલબત્ત ભારે હતો. પરંતુ પરિસ્થિતિએ સપ્ટેમ્બરથી સુધરવાનું શરું કર્યું તો ડિસેમ્બર 2020ની ગુજરાતની જીએસટીની આવક ડિસેમ્બર 2019ની તુલનાએ 15 ટકા વધુ હતી. ટૂંકમાં કોરોનાવાઇરસે આર્થિક તંત્ર પર કાયમી ઘા લાગે તેવી સ્થિતિ નથી સર્જી અને મહદઅંશે સ્થિતિ સુધરી છે, તો જીએસટીના આંક જોતા તો સ્થિતિ માત્ર સુધરી નથી પણ ક્યાંક બહેતર પણ થઇ છે. ભરતી-નિમણૂંકોની બહાલી, મોટા પ્રોજેક્ટોના ધડાધડ ઉદઘાટન અને શિલાન્યાસ તથા એક હજાર બસની ખરીદી, લોકડાઉને સર્જેલી સ્થગિતતા પછી રાહતની સ્થિતિ સૂચવે છે.

Related Stories

Recent Stories