પ્રતિષ્ઠિતની પળવારની પડતી પણ ચોકોર ચિંતા પ્રસારે


અંદર બહાર ગુજરાત

જપન પાઠક

અમેરિકાના કેપિટલ હીલ પર ટ્રમ્પ સમર્થકોના કબજાના દ્રશ્યો જોઇ 2014ની લોકસભાની ચૂંટણીના પરિણામનો એ દિવસ યાદ આવે છે કે જ્યારે આ જ દિશામાં ભારતના વિપક્ષના તપકામાં સળવળાટ શરુ થઇ ગયો હતો. આ સળવળાટ સંકટનું સ્વરુપ લે તે પહેલા જ આંતરરાષ્ટ્રિય સ્તરેથી નરેન્દ્ર મોદીને અભિનંદનની ટવીટો આવવાની શરુ થઇ ગઇ હતી. બ્રિટીશ, ઓસ્ટ્રેલિયન, ઇઝરાયેલી, પાકિસ્તાની વડાપ્રધાનોએ અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે ફોન કરીને મોદીને અભિનંદન આપ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ નિવેદન આપ્યું હતું કે પ્રેસિડેન્ટ ઝડપથી મોદી સાથે વાત કરવા માંગે છે. ભારતના ચૂંટણી પરિણામોને વિદેશથી જે પ્રકારે સ્વીકાર અને આવકાર મળ્યો તેણે ઇવીએમના બહાને થયેલા વિપક્ષી ગણગણાટને બૂમબરાડાનું સ્વરુપ લેતા અટકાવ્યો હતો. મને એ ગાળો અને ક્રમ બરાબર યાદ છે.

અમેરિકાના કેપિટલ હીલ પર ગઇ રાત્રે જે થયું તે આપણા માટે પ્રસ્તુત એટલા માટે છે કારણકે લોકશાહીના ઉચ્ચ ધોરણોની બાબતમાં અમેરિકાને સામાન્ય રીતે એક મજબૂત વ્યવસ્થાના સ્વરુપે જોવામાં આવે છે. અને પળવાર માટે પણ જો ત્યાં પડતીની સ્થિતિ સર્જાય તો વિશ્વભરની લોકશાહીઓ તેમની પ્રજા ક્યાંક આ જોઇને અવળું ન શીખે તે બાબતે ચિંતિત થાય છે. તાજેતરના ગાળામાં બોલીવીયામાં પણ ચૂંટણીના પરિણામના અસ્વીકાર સાથે વિપક્ષ તેની તમામ તાકાત સાથે રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવું બન્યું. બેલારુસમાં પણ ચૂંટણી પછી આ સ્થિતિ થઇ. પરંતુ અમેરિકા તેની ઉંચાઇને કારણે વિશ્વભરને વિશેષ નજરે ચડે, અને તેથી જ વૈશ્વિક પ્રતિભાવો પણ આવે, ચર્ચા પણ થાય અને ચિંતા પણ.

આપણે ત્યાં પણ છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં જોડાઇ જવાની કે સમાંતરે ટ્રેક્ટર પરેડ કાઢવાની જીદના આયોજન સાથે, અને સ્વાભાવિક રીતે જ એમ ન કરવા દેવાતા પોલીસ વર્સીસ ખેડૂતની સ્થિતી સર્જીને એટલેકે સરકાર વર્સીસ પ્રજાનું ચિત્ર ઉભું કરી હિંસા પછી તેના પડઘા સ્વરુપે દેશના બીજા ભાગોમાં અને ખાસ કરીને પંજાબમાં વ્યાપક અરાજકતા ફેલાવવાનું આયોજન ચાલુ છે. બંગાળમાં રખેને ભાજપ જીતે, તો મમતા સમર્થકો શું કરશે એ પણ કલ્પનાનો વિષય બને છે. કેપિટલ હીલના દ્રશ્યોને અરાજકતાવાદીઓ શીખ તરીકે કે શીખવા માટે, કઇ રીતે લેશે તેની ચિંતા આ પ્રભાતે નિસ્બત ધરાવનારાઓને થઇ રહી છે.

મામલો અમેરિકાનો છે પરંતુ તેથી વધુ તો લોકશાહીનો છે, ચૂંટણી પરિણામોના સ્વીકાર-અસ્વીકારનો છે, શાંત-અશાંત સત્તા હસ્તાંતરણનો છે, લોકશાહી – ટોળાશાહીનો છે. એટલે જ બ્રિટીશ વડાપ્રધાને ટવીટ કરી. અને ભારતના વડાપ્રધાને પણ ટવીટ કરી છે જેમાં છેલ્લું વાક્ય આપણા ઘરઆંગણાની સ્થિતિ માટે છે. મોદી કહે છે કે લોકશાહી પ્રક્રિયાઓને બિનકાયદાકીય વિરોધો વડે ઉથલાવવાની પ્રવૃત્તિ ચલાવી ન લેવાય.

આપણે પણ ઇચ્છીએ કે ન જ ચલાવી લેવાય. આપણે ત્યાં પણ નહીં.

Related Stories

Recent Stories