પાટીલની નવી પલ્ટન

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

સંઘના કામકાજના અંદરથી સઘન પરિચયમાં ન આવ્યો હોત અને બહારથીજ નિહાળ્યો હોત તો ગુજરાતના સમકાલીન રાજકીય ઘટનાક્રમોની સમીક્ષા કરવામાં અધૂરત રહી જાત. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની તમામ સંસ્થાઓમાં કોઇપણ હોદ્દાને પદ નહીં પરંતુ જવાબદારી માનવામાં આવે છે. ઘણાં સમય પહેલા વડોદરાના ભાર્ગવ ભટ્ટ ગુજરાત ભાજપના સંગઠનમાં લેવાયા પછી એક કાર્યક્રમમાં મળતા મેં તેમને અભિનંદન આપ્યા, તો મારી સાથે ઉભેલી વ્યક્તિએ ભાર્ગવભાઇને કહ્યું કે આપણે વડોદરામાં મળ્યા હતા અને તે પછી આપની પ્રગતિના સમાચાર સાંભળી ખૂબ આનંદ થયો. ભાર્ગવભાઇએ તુરંત જ સામાન્ય અણગમા અને અનકમ્ફર્ટના ભાવ સાથે ધ્યાન દોર્યું કે આપણી (સંઘની) વ્યવસ્થામાં કોઇ જવાબદારી સોંપાય તો તેને વ્યક્તિની પ્રગતિ તરીકે લેવાનો ક્યાં ઉપક્રમ છે? આ બધું તો વ્યવસ્થાના ભાગરુપે સ્વાભાવિક અને સહજ ક્રમમાં બનતું અને બદલાતું રહેતું હોય છે.

ગઇકાલે નવા પક્ષ પ્રમુખ સીઆર પાટીલે ગુજરાત ભાજપના ટોચના માળખામાં ફેરફાર કર્યા છે. ગોરધન ઝડફીયા, ભીખુ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ, નૌકા પ્રજાપતિ અને સુરેન્દ્ર પટેલ આ પાંચ વ્યક્તિઓ સિવાય આખી ટીમ બદલાઇ ગઇ છે. સહ ખજાનચી નામનો નવો હોદ્દો ઘડાયો છે. પક્ષ પ્રમુખે મિડિયા સાથેની વાતચીતમાં વિવિધ પ્રશ્નોના જવાબમાં કહ્યું છે કે દરેક ભૌગોલિક ક્ષેત્રોના લોકોને, સમાજને સમાવવામાં આવ્યા છે. નવા અને જુના લોકોનું મિશ્રણ રાખવામાં આવ્યું છે. મોદી સાહેબનું દબાણ હતું કે મહિલાઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેને અનુલક્ષીને મહિલાઓને પણ સારું પ્રતિનિધિત્વ અપાયું છે.

પાટીલે વિવિધ સમાજને પ્રતિનિધિત્વની વાત કરી, તો અખબારોએ પણ અહેવામાં તેના લેખાજોખા કરતા લખ્યું છે કે સૌથી વધુ પ્રતિનિધત્વ પાટીદારોને 22માંથી 7 જગ્યાઓ સાથે મળ્યું છે, ઓબીસી આટલા…. વગેરે વગેરે….. પરંતુ વાત જો બેલેન્સીંગની હોય અને ક્યાંક માર્ક કાપવાના થાય તો એ બાબતે કપાય કે મતદારની દ્રષ્ટિએ સમાજના એક મોટા વર્ગને આ માળખામાં સમાવવામાં નથી આવ્યો. આ વર્ગ કોળીઓનો છે. પાછલા સંગઠનમાં સાંસદ રાજેશ ચુડાસમાના સ્વરુપે કોળી વર્ગનું પ્રતિનિધત્વ સચવાઇ ગયું હતું. નવા જાહેર થયેલા માળખામાં આ મોટો વર્ગ બાકી રહી ગયો છે. જો કે આની સામે દલીલ એ છે કે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રિય માળખામાં ગુજરાતમાંથી રાષ્ટ્રિય ઉપપ્રમુખના પદે ગુજરાતમાંથી કોળી વર્ગમાંથી આવતા સાંસદ ભારતીબેન શિયાળને નીમવામાં આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખના પદ માટે કોળી સમાજના વ્યક્તિને પસંદ કરવામાં આવ્યા છે. સ્થાનિક સંગઠન અને સરકાર કક્ષાએ પણ કોળીઓને યથાયોગ્ય પ્રતિનિધત્વ અપાયું છે. મેરીટવાળી વ્યક્તિ અને કેસ જણાઇ આવે તો પછીથી પણ ટીમમાં સીંગલ નિમણૂંક થઇ શકે છે. જેમ કે સ્વ જયંતિ ભાનુશાળીને 2017માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પદે સીંગલ નિમણૂંક આપવામાં આવી હતી.

બાકી એકંદરે ભૌગોલિક અને વર્ગોનું પ્રતિનિધત્વ સચવાયું છે. જો કે પ્રતિનિધત્વનું મહત્વ અધિકાંશ પરસેપ્શનમાં રહેતું હોય છે. છેવટે તો મેરીટ અને પ્રૂવન ટ્રેકરેકોર્ડવાળાને જ કામે લાગતા અને લગાડાતા હોય છે. પાટીલ કમલમ ધમધમાવે છે અને નવું સંગઠન તથા જૂનાને પણ બીજા કામ સોંપી કાર્યરત રાખશે એવી સૌને શ્રદ્ધા છે. એક એક નામ પર વ્યાપક ચર્ચા અને, જેની સાથે કરવાની બનતી હોય એ સૌ સાથે વિસ્તૃત મસલતો કરીને આ યાદી તૈયાર થઇ છે. અધિકાંશ પાત્રો તો એવા છે કે જેમને નરેન્દ્દ્રભાઇ પોતે નામ, કામ અને ચહેરાથી ઓળખતા હોય.

Related Stories

Recent Stories