માધવસિંહ સોલંકી યાદ કરે છે એ પ્રસંગો

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

આજે સદગત માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ સાથે અહીં એક નવેમ્બર 2008ના દિવસે લખાયેલો અંદર બહાર ગુજરાતનો પીસ પુનઃ પબ્લિશ કરું છુ:

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ગાંધીનગરમાં લો-પ્રોફાઈલ રિટાયર્ડ લાઈફ ગુજારી રહ્યા છે. માધવસિંહ સોલંકી પાસે ગુજરાતના કોંગ્રેસ યુગની યાદોનો ખજાનો છે. વાંચો અહીં માધવસિંહ સોલંકીએ સૌપ્રથમ વખત કોઈપણ મિડિયા સમક્ષ ખુલ્લા કરેલા ઈન્દિરા ગાંધીની યાદોના પ્રસંગો.

સભામાં ભીડથી ચૂંટણી ન જીતાય

માધવસિંહ કહે છે કે એક વખત ગુજરાતમાં બે બેઠકો પર પ્રચાર માટે ઈન્દિરા ગાંધી આવ્યા હતા. સભામાં જબરજસ્ત ભીડ થઈ હતી. ઈન્દિરા ગાંધી સભા પૂરી કરીને ગાડીમાં બેઠા અને ડ્રાઈવરને પૂછ્યું કે શું તેણે તેનું ભોજન પતાવ્યું છે? ડ્રાઈવરે હા પાડી અને ગાડી ચાલી. જ્યારે ઈન્દિરા ગાંધીને કહેવામાં આવ્યું કે સભામાં ખૂબ જ ભીડ હતી.કોંગ્રેસ આ બેઉ બેઠકો જીતી જશે ત્યારે ઈન્દિરાએ જવાબમાં કહ્યું કે આમ સભામાં ભીડના આધારે ચૂંટણી ન જીતાય. ચૂંટણી જીતવા તો હાથમાં લાલટેન લઈને રાત્રે ઘરે ઘરે ફરીને લોકોને મળવું પડે.

એ વખતે ઈન્દિરાની સાથે ગાડીમાં બેઠેલા માધવસિંહ સોલંકી આ પ્રસંગ યાદ કરતા કહે છે કે ઈન્દિરાજીની વાત સાચી પડી હતી. એ બેઉ બેઠકો કોંગ્રેસ હારી ગઈ હતી.

ઈન્દિરાજી તમે દારૂ પીવો છો?

માધવસિંહ એક અન્ય પ્રસંગ યાદ કરતા કહે છે કે ઈન્દિરાજી ગુજરાત આવ્યા હતા અને તેમની ઈચ્છા અંબાજીના દર્શન કરવાની હતી. અમદાવાદથી અંબાજી જતા ગાડીમાં આગળ ઈન્દિરાજી અને ડ્રાઈવર બેઠો હતો જ્યારે પાછળ માધવસિંહ અને ઝીણાભાઈ દરજી બેઠા હતા.

ગાડી થોડી આગળ ચાલી એટલે માધવસિંહે ઈન્દિરાને પૂછ્યું કે હેં મેડમ તમે દારૂ પીવો છો? ઝીણાભાઈ દરજીના તો મોતિયા જ મરી ગયા. તેમણે માધવસિંહને હડસેલો મારીને આંખના ઈશારાથી કહ્યું કે આવું તો પૂછાતું હશે? આ શું પૂછી બેઠા? માધવસિંહે કહ્યું અરે થવા દો ને, જુઓ શું કહે છે ઈન્દિરાજી.

ઈન્દિરાએ માધવસિંહના પ્રશ્નના જવાબમાં કહ્યું કે ના પોતે દારૂ નથી પીતા પણ કેમ આવો પ્રશ્ન થયો? તો માધવસિંહે ચોખવટ કરી કે હમણા તમે પાછા રાજકારણમાં સફળ થવા માંડ્યા છો ત્યારે ખુશવંત સિંઘે તેમના રેડ રોઝ ઈઝ રિટર્નીંગ બેક નામના લેખમાં લખ્યું છે કે ઈન્દિરાજી દારૂ પણ પીવે છે ક્યારેક ક્યારેક.

ઈન્દિરાએ માધવસિંહને જવાબ આપ્યો કે એ લેખમાં આ ખોટું છપાયું છે અને બીજું પણ ઘણું ખોટું છપાયું છે.પોતે તો દારૂ નથી પીતા પરંતુ ઘરમાં જવાહરલાલ નહેરૂ ખાસ મહેમાન આવ્યા હોય ત્યારે દારૂની બાટલી ખોલતા હતા.

હજીરાના વિકાસ માટે ઈન્દિરાની એ ‘હા’ જવાબદાર

માધવસિંહ સોલંકી યાદ કરે છે કે એ વખતે બોમ્બે હાઈનો ગેસ ક્યાં કાઢવો એની લેન્ડ ફોર પોઈન્ટની દ્વિધા ચાલતી હતી. મોરારજી દેસાઈ લેન્ડ ફોર પોઈન્ટ મુંબઈમાં સ્થાપવામાં આવે એવું ઈચ્છતા હતા જ્યારે માધવસિંહભાઈ પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેખીતીજ રીતે ગુજરાતના કાંઠે બોમ્બે હાઈના ગેસનો લેન્ડ ફોર પોઈન્ટ ઈચ્છતા હતા. અંબાજીના મંદિરમાં ઈન્દિરા કોકડું વળીને માતાજીને પગે લાગ્યા ને બહાર નીકળ્યા ત્યારે ઈન્દિરાએ માધવસિંહ સોલંકીને પૂછ્યું કે માધવસિંહભાઈ તમે પેલા બોમ્બે હાઈના ગેસના પોઈન્ટની વાત કરતા હતા એનું શું છે? માધવસિંહે ઈન્દિરાને કહ્યું કે મેડમ તમે ગુજરાતમાં અંબાજીના દર્શન કરીને ઉભા છો તો હવે ગુજરાતને એટલું આપી દો. અને આ સાથે જ બોમ્બે હાઈનો લેન્ડ પોઈન્ટ મુંબઈને નહીં પણ ગુજરાતના હજીરાને આપવાની ઈન્દિરાએ હા પાડી દીધી. માધવસિંહ આને યાદ કરતા કહે છે કે તેમણે એ સમયે કોઈ હોર્ડિંગ્ઝ મૂકાયા ન હતા. હજીરામાં ગેસનો પોઈન્ટ બન્યા પછી ત્યાં જબરજસ્ત વિકાસ થયો છે એ સૌ કોઈ જાણે છે.

અને ઈન્દિરાનો ફોન આવ્યો…

માધવસિંહ એક પ્રસંગને યાદ કરતા કહે છે કે એ વખતે ઈન્દિરાની સાથે દેવરાજ રસ નામના નેતા ફરતા હતા અને દેવરાજને કોઈએ ચડાવ્યા કે પ્રધાનમંત્રી તો તમે પણ બની શકો છો. આ પછી દેવરાજને પણ શૂરાતન ચડ્યું અને કોંગ્રેસમાંથી અલગ થઈને નવો પક્ષ બનાવવા મુંબઈમાં સંમેલન બોલાવ્યું.

એક દિવસ સવારે માધવસિંહના અમદાવાદના નવરંગપુરાના અર્પિતા ફ્લેટના ઘરે ઈન્દિરા ગાંધીનો ફોન આવ્યો. માધવસિંહ કહે છે કે ઈન્દિરાએ પૂછ્યું કે માધવસિંહ તમે દેવરાજના સંમેલનમાં મુંબઈ જવાના છો? માધવસિંહે ના પાડી અને પૂછ્યું કે આવું પૂછવાનું શું કારણ ઉભું થયું? તો ઈન્દિરાએ કહ્યું કે તેમને અર્જુનસિંહે કહ્યું કે દેવરાજની સાથે રજની પટેલ છે એ માધવસિંહનો નિકટતમ છે માટે માધવસિંહ દેવરાજ સાથે જશે. માધવસિંહે ઈન્દિરાને સ્પષ્ટ કરતા કહ્યું કે રજની મિત્ર છે પણ લીડર નહી લીડર તો માત્ર આપ જ છો ઈન્દિરાજી. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે જે લોકો જતા હોય જવા દો. પાંચ માણસથી પણ આપણે તો કોંગ્રેસ ચલાવીશું.

ઈન્દિરાએ કહ્યું:મારા કુટુંબમાં પ્રોબ્લેમ છે

માધવસિંહે વધુ એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે એક વખત મુખ્યમંત્રી હોવાના નાતે પોતે કેટલાક કાગળિયા લઈને ઈન્દિરાને મળવા દિલ્હી જવાનું થયું. ઈન્દિરાના સચિવ એ વખતે આરકે ધવન હતા તેમણે કહ્યું કે ઈન્દિરાજી અત્યંત બીઝી છે. માધવસિંહે કહ્યું કે પોતાની બસ ચાર પાંચ મિનિટનું કામ છે. બસ થોડા કાગળિયા આપવાના છે. કાગળિયામાં બધું લખેલું જ છે. ધવને ચાર મિનિટનો ટાઈમ આપ્યો.

માધવસિંહ કહે છે કે ઈન્દિરાની ટેવ હતી કે લાંબા લાંબા લખાણવાળા કાગળો આપો તો બાજુમાં મૂકી દે પણ ટૂંકાણમાં લખેલું હોય તો તુરંત ધ્યાન આપે. આ ક્રમાનુસાર તેમણે એક પછી એક કાગળો જોયા પછી માધવસિંહ કહે છે કે ઈન્દિરાજીએ કુટુંબની વાતો શરૂ કરી. તેમણે કહ્યું કે આજકાલ તેમના કુટુંબનું કામકાજ જે રીતે ચાલે છે એ પોતાને પસંદ નથી. માધવસિંહે બધી વાતો સાંભળીને કહ્યું કે ઘરનાને બોલાવો , બેસાડો અને તેમની સાથે નિખાલસતાથી ચર્ચા કરો તો ઉકેલ નીકળશે. તો ઈન્દિરા ગાંધીએ કહ્યું કે સંજય હતો તો ગમે ત્યારે મળવા બોલાવી શકાતો હતો પણ વહુને બોલાવો તો આવતી નથી….

માધવસિંહ કહે છે કે પૂરી પચ્ચીસ મિનીટ પછી પોતે બહાર આવ્યા ત્યારે ધવને કીધું કે તમે તો ચાર જ મિનિટ લેવાના હતા માધવસિંહ પણ કેમ પચ્ચીસ મિનિટ લીધી? માધવસિંહે જવાબ આપ્યો કે મેં તો ચાર જ મિનિટ લીધી છે. બાકીની મિનિટો તો ઈન્દિરાજીએ મારી લીધી છે. જ્યારે માધવસિંહે કહ્યું કે કુટુંબગત બાબતોની ચર્ચાના કારણે આટલો સમય ગયો ત્યારે ધવને માધવસિંહને કહ્યું કે આખા ભારતમાં પાંચ કે છ વ્યક્તિઓ એવા છે કે જેમની સામે ઈન્દિરાજી પોતાનું હ્રદય ખોલે છે તેમાંના એક તમે છો માધવસિંહ.

અને રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા

માધવસિંહ અન્ય એક પ્રસંગ યાદ કરતા કહે છે કે એક સમયે ઈન્દિરાજી અને તેમની વચ્ચે વાત ચાલતી હતી. ઈન્દિરાજી અપસેટ રહેતા હતા. માધવસિંહે તેમને સૂચન કર્યું કે સંજય નથી તો હવે રાજીવને તેમણે સેક્રેટરી બનાવવા જોઈએ કે જેથી કામનો બોજો ઓછો થાય. માધવસિંહે કહ્યું કે સરદાર પટેલની સાથે મણિબહેન રહેતા હતા, મોરારજી દેસાઈ સાથે કાન્તિ રહેતો હતો, જવાહરલાલ નહેરૂ સાથે આપ રહેતા હતા તે રીતે હવે રાજીવને પાઈલોટનું કામ છોડાવીને તમારો સેક્રેટરી બનાવવો જોઈએ. ઈન્દિરાજીએ કહ્યું રાજકારણમાં આવશે તો રાજીવ ખાશે શું? હું પગાર નહીં આપું. માધવસિંહે કહ્યું કે રાજીવ કોઈ ધંધો કરી લેશે સાઈડમાં. તો ઈન્દિરાએ ક્હ્યું કે ધંધો કરવા પૈસા ક્યાંથી લાવશે? મધવસિંહે કહ્યું કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે. પોતે લોન આપી દેશ રાજીવને. માધવસિંહે કહ્યું કે જો તમે સંમતિ આપતા હોવ તો હું રાજીવને વાત કરું. આ પછી રાજીવ અને માધવસિંહ વચ્ચે બેઠક થઈ અને રાજીવનો રાજકારણમાં આવવાનો તખતો ઘડાયો.

Related Stories

Recent Stories