ઓસ્ટ્રેલિયાના રાજદૂતે સીઆર પાટીલ પાસેથી ચૂંટણી જીતવાની ટીપ્સ માંગીને લીધી


અંદર બહાર ગુજરાત

જપન પાઠક

ઓસ્ટ્રેલિયાના ભારત સ્થિત રાજદૂત ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલને મળ્યા તો પાટીલ પાસેથી પેજ સમિતીની તમામ વિગતો મેળવી. પાટીલ કહે છેઃ મને ફોન આવ્યો કે ઓસ્ટ્રેલિયાના રાજદૂત આપને મળવા માંગે છે. મને એમ કે કર્ટસી માટે મળવા માંગતા હશે, તો મળી લઇએ. એમ્બેસેડર તો અંગ્રેજીમાં બોલે પરંતુ એક દુભાષિયો રાખ્યો હતો તેના થકી વાતચીત ચાલી. પછી તો એમ્બેસેડર પેજ કમિટી પેજ કમિટી એમ બોલવા લાગ્યા. મને થયું કે પેજ સમિતી સાથે વળી આમને શું મતલબ. તો તેમણે કહ્યું કે તમે જે રીતે સૌથી વધુ મત સાથે જીતીને સાંસદ બન્યા છો એ સંદર્ભમાં તેમણે પેજ સમિતી વિશે એટલા માટે જાણવું છે કારણકે હું પોતે ઓસ્ટ્રેલિયામાં સાંસદ હતો. હવે રાજદૂત છું. મારે ફરી ઓસ્ટ્રેલિયા જઇને ચૂંટણી લડવી છે. મારે સિસ્ટમ સમજવી છે કે આ કેવી રીતે થાય છે.

પાટીલની વાત સાચી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફેરલ કે જે નવેમ્બરના આખરી અઠવાડિયાની ગુજરાતની મુલાકાતે મુખ્યમંત્રી રુપાણી અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા તેઓ અગાઉ ઓસ્ટ્રેલિયામાં ચૂંટાયેલા સાંસદ હતા. તેઓ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાન્તના પ્રીમીયર, વિપક્ષના નેતા અને લીબરલ પક્ષના નેતા રહી ચૂકેલા છે. પાટીલે તેમને મિટીંગમાં પેજ સમિતી, પેજ અધ્યક્ષ, તાજેતરમાં આઠ બેઠકોની પેટાચૂંટણીમાં અભૂતપૂર્વ મત-તફાવતથી ભાજપના ઉમેદવારોનો વિજય, નવસારીમાં તેમનો સૌથી વધુ મત-તફાવતથી વિજયનું આખું ગણિત સમજાવી દીધું.

બાય ધી વે, પાટીલ એંશી લાખ પેજ સમિતી સભ્યોના લક્ષ્યાંક સાથે અભિયાન આગળ ધપાવી રહ્યા છે. પાટીલ કહે છે, પેજ કમિટી એવી બલાનું નામ છે કે પક્ષમાં જ કોઇને ટિકીટ ન મળી હોય ને વિરોધ પર ઉતરી આવ્યો હોય અને પક્ષના ઉમેદવારને હરાવવા મેદાને પડ્યો હોય તો તે પણ કશું ન કરી શકે. એંશી લાખ પેજ કમિટી સભ્યો તેમના પ્રત્યેકના ઘરના જ ત્રણ ત્રણ સભ્યોનું મતદાન કરાવે તો પણ 2.40 કરોડ મત થાય. ગુજરાતમાં કુલ 4.60 કરોડ કુલ મત છે તેમાંથી 70 ટકા મતદાન થાય તો 3 કરોડ મત થાય તેમાંથી 80 લાખ પેજ કમિટી સભ્યો અને તેમના ઘરની 3 વ્યક્તિના હિસાબે 2.40 કરોડ મત ભાજપને મળે. તો કોંગ્રેસ પર 1.65 લાખની લીડ ગુજરાતમાં ભાજપમાં મળે. પાટીલ કહે છે કે કોંગ્રેસ ભાજપના પેજ સમિતી અભિયાનથી બોખલાઇ ગઇ છે. કોંગ્રેસે તેના ધારાસભ્યોને કહેવાનું શરુ કરી દીધું છે કે જુઓ આ સીઆર પાટીલ બોલે છે, એ પ્રમાણે કંઇક તો કરશે. તમે તમારા વિધાનસભા વિસ્તારો સંભાળો નહીં તો તકલીફ થઇ જશે. પાટીલ કહે છે કે ભાજપના કાર્યકર્તાઓની વિશ્વસનીયતા કેવી છે એ જુઓ, કે લોકો પેજ કમિટીના સભ્યપદ માટે પત્નીનો, દીકરીનો ફોન નંબર પણ આપે છે અને ફોટો પણ આપે છે, અને ભાજપના વ્યક્તિ પેજ કમિટીમાં તે વિગતો સમાવી તેનો ફોટો પાછો ફેસબુક પર પણ મૂકી દે છે. પરંતુ તેમ છતા લોકોનો વિશ્વાસ કેટલો છે કે તેઓ કમિટીમાં જોડાય છે. પાટીલ કહે છે કે તેમને એક પત્રકારે પૂછ્યું કે તાજેતરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવું કહ્યું છે કે ભાજપની પેજ કમિટી સદ્દામ હુસૈનનો અણુબોમ્બ છે તે વિશે આપનો શું અભિપ્રાય છે, તો મેં કીધું એમણે સાચું ઓળખ્યું છે. અણુબોમ્બ છે અને કોંગ્રેસના ઘરમાં ફૂટવાનો છે. પાટીલ સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે પેજ દિઠ કમસેકમ પાંચ લોકોની પેજ કમિટી રચવાના બદલે હજારોને કમિટી મેમ્બર બનાવી દીધા તેની પ્રશંસા કરે છે. અગાઉ પેજ કમિટીને ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર કહેનારા પાટીલ માને છે કે આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારો તો કોંગ્રેસમાંથી આવેલા હતા અને તેથી ભાજપના કાર્યકરોમાં નારાજગી હતી. પરંતુ પેજ કમિટીથી કલ્પના બહારના મત-તફાવત સાથેના પરિણામ લાવી શકાયા.