પત્રકારો શોધી શોધીને ભાથામાંથી બાણ કાઢતા જાય , ક્રિશ્નગોપાલ ઠંડા પાણીની ડોલે ડોલ ઠાલવતા જાય

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ત્રિદિવસીય સમન્વય બેઠક ઉવારસદની કર્ણાવતી યુવનિવર્સિટીમાં મળી પછી સહસરકાર્યવાહ ક્રિશ્નગોપાલે પત્રકાર પરિષદ સંબોધી. પત્રકારોને બાકાયદા બોલાવવામાં આવ્યા હતા અને ભોજન સાથે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં પ્રશ્નો પણ પૂછી શકાશે તેમ જણાવાયું હતું. મોટા રાષ્ટ્રિય અખબારો અને ન્યૂઝ ચેનલોના પ્રતિનિધિઓ સંઘની પત્રકાર પરિષદમાંથી ચોક્કસ કંઇક મળશે તેવી આશાએ ભેગા થયા હતા. જો કે ક્રિશ્નગોપાલ જાણે ઠંડા પાણીની ડોલ લઇને બેઠા હોય તેમ દરેક પ્રશ્નના ઉત્તરમાં એવું ઠંડુ પાણી ઠાલવી દેતા હતા કે પત્રકારોએ જોઇતું હોય તેવું કશું જ ન્યૂઝી મળે નહીં.

પત્રકારોએ પૂછયું સમન્વય બેઠકમાં કેવી વર્તમાન બાબતો ચર્ચાઇ. પત્રકારોને મનમાં એમ હોય કે ખેડૂત આંદોલન પર ચર્ચા થઇ તેવું જો બોલી જાય તો નેશનલ લેવલે સ્ટોરી ચાલી જાય. પરંતુ ક્રિશ્નગોપાલે તો કહ્યું, પ્લાસ્ટિક પ્રદૂષણ, પાણી, હરિયાળીનું આવરણ, સામાજિક સુલેહ, પરિવાર વ્યવસ્થા જેવા વિષયો ચર્ચાયા.

પંજાબના ખેડૂતોના આંદોલન વિશે પૂછ્યું તો જવાબ મળ્યો કે વાતચીત દ્વારા શાંતિપૂર્વક આ મામલો સુલઝાવવો જોઇએ.આંધ્રમાં મંદિરો તૂટવાની બાબતે પૂછતા ફરી એક વાક્યનો નોન-ન્યૂઝી જવાબ મળ્યો કે આરએસએસ મંદિરોના ધ્વંસને વખોડે છે. બીજા એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભાજપ સંબંધિત પ્રશ્નો ભાજપને પૂછો. સંઘ સંબંધિત પ્રશ્નો અહીં પૂછો.

હિંદી ચેનલે મોટા ઉપાડે ચલાવ્યું હતું કે સમન્વય બેઠક ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાના એજન્ડા સાથે મળી રહી છે. આ હમ્બગ અને બોગસ સ્ટોરી હતી. પત્રકાર પરિષદમાં પૂછાયું કે શું બંગાળની ચૂંટણી વિશે કોઇ ચર્ચા થઇ? ક્રિશ્નગોપાલનો ફરી એક વાક્યી જવાબ કે ના નથી થઇ.

પત્રકારોના વિષયો ધીમે ધીમે ખલાસ થઇ રહ્યા હતા, પરંતુ પ્રયત્ન ચાલુ હતો. એકે ભાથામાંનું બાણ છોડ્યું કે ભાજપ પ્રમુખ જેપી નડ્ડા ત્રણ દિવસ સમન્વય બેઠકમાં હાજર હતા તો ભાજપને લગતું શું ચર્ચાયું. ક્રિશ્નગોપાલે કહ્યું કે નડ્ડા સંઘના સ્વયંસેવક હોવાના નાતે સંઘની બેઠકોમાં આવે છે. ભાથામાંનું વધુ એક બાણ ઉતરતા પત્રકારે લવ જેવાદના કાયદા બની રહ્યા હોવા અંગે પૂછ્યું. ક્રિશ્નગોપાલનું ફરી એક વાક્ય, કે લવ જેહાદના કાયદા વિશે ત્રણ દિવસની સમન્વય બેઠકમાં ચર્ચા નથી થઇ. કોઇએ કામધેનુ આયોગનો ચલતીનો વિષય પકડયો કે જે નેશનલ મિડિયામાં ચાલી જ રહ્યો હતો અને તેથી તે સંબંધે સંઘ કશુંક કહે તો તે પણ ચાલી જાય – પૂછાયું કે કામધેનુ આયોગ ગૌવિજ્ઞાન અંગે પરીક્ષા લેવાનું છે તે વિશે શું કહેશો. સંઘે નોન ન્યૂઝી એક વાક્યનો જવાબ આપતા કહ્યું કે કોઇપણ વિજ્ઞાનના વિષયમાં આગળ વધી રહ્યા છે તે સારું છે.

ગ્રીન કવરની ચર્ચા થઇ છે તેવા બ્રીફીંગના વિષયે પત્રકારે પૂછ્યું કે વિકાસ પ્રોજેક્ટો માટે વૃક્ષો કાપવામાં આવે છે તેનું શું? ક્રિશ્નગોપાલે કહ્યું કે કાપે તેથી વધુ વૃક્ષો બીજે વાવવા જોઇએ પછી વિકાસ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં કંઇક ખોટું નહીં.

પેલી હિન્દી ચેનલ કે જેણે બેઠકને બંગાળ સાથે ધરાર જોડીને નેશનલ ન્યૂઝ ચલાવ્યા હતા તેણે ફરી પૂછ્યું કે શું રામ જન્મભૂમિ મંદિર માટે ફાળો ઉઘરાવવાનું બંગાળથી શરુ કરાશે? ક્રિશ્નગોપાલે કહ્યું મકરસંક્રાન્તિથી આખા ભારતમાં એક સાથે શરુ કરાશે.

પત્રકારોએ હવે કરન્ટ અફેર્સમાં સંઘની ટિપ્પણીની બાઇટ ચાલી જાય તે માટે કોરોનાવાઇરની રસીનો એક તપકામાં થઇ રહેલો વિરોધ તથા વિવાદ વિશે પ્રશ્ન પૂછ્યો પણ ત્યાં સુધી તો ક્રિશ્નગોપાલ ઉભા થઇ ગયા હતા અને પત્રકાર પરિષદ પૂર્ણ જાહેર કરી દીધી હતી. છેક ઉવારસદ ધક્કો ખાનાર પત્રકારોની, નેશનલમાં ચાલી જાય એવી એક ન્યૂઝી બાઇટ મળે તેવી આશા પર ઠંડા પાણીની ડોલે ડોલ રેડીને ક્રિશ્નગોપાલ ચાલ્યા ગયા. ધત્તારીની!

Related Stories

Recent Stories