માધવસિંહના યુરોપ પ્રવાસની પૂર્વભૂમિકા

અંદર બહાર ગુજરાત

જપન પાઠક

માધવસિંહના નિધનના દિવસે મારા જૂના મેગેઝીનના સંગ્રહમાંથી એક લેખનો ફોટો મેં ટવીટ કર્યો હતો. આ લેખ માધવસિંહે પોતે લખ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી ઉતરીને માધવસિંહ યુરોરેઇલ દ્વારા યુરોપ ભરમાં છ મહિના માટે ફર્યા હતા. આ વિશે માધવસિંહે 1987માં ચિત્રલેખામાં પ્રવાસ વર્ણન પ્રકારનો લેખ લખ્યો હતો. ખૈર, એ તો આપ અહીં ફોટોમાં જોઇ શકશો પરંતુ યુરોપના પ્રવાસની પૂર્વભૂમિકા વિશે માધવસિંહે જ તેમની મુલાકાતમાં જણાવ્યું હતું તે તેમના જ શબ્દોમાં અહીં બયાન કરું તો, માધવસિંહે કહ્યું હતુંઃ

‘1985માં અમારામાંના જ કેટલાક તત્વોએ – કોંગ્રેસની અંદરના તત્વોએ – કોમવાદની ઉશ્કેરણી કરી. એટલે કેટલેક ઠેકાણે કોમી અથડામણો ઉભી થઇ. એમણે જઇને રાજીવને એમ કહ્યું કે આ માધવસિંહને તમે નહીં બદલો તો આ કોમી રમખાણોની અસર પાકિસ્તાન પર પડશે અને પાકિસ્તાન યુનાઇટેડ નેશન્સમાં આ સવાલ લઇ જશે. એટલે રાજીવ ગાંધી પણ ચિંતામાં હતા. એક દિવસ કાયદા મંત્રીઓની પરિષદમાં હું દિલ્હી ગયો હતો ત્યારે વીપી સિંઘ મારા મિત્ર હતા એમણે મને ચા પીવા બોલાવ્યો. ચા પીવા બેઠા ત્યારે એમણે મને કહ્યું કે માધવસિંહજી ગુજરાતમાં તોફાનો ચાલે છે. હું જાણું છું કે કેવી રીતે ચાલે છે. કારણકે હું પણ ચીફ મિનીસ્ટર હતો અને આપણા જ માણસો તોફાનો કરાવતા હતા એ મને ખબર છે. એટલે તમારા રાજીનામાંની માંગણી કરતા હોય પણ હું એમાં સહમત નથી. મેં કહ્યું એક કાગળનો ટુકડો આપો. વીપી સિંઘે મને કાગળનો ટુકડો આપ્યો. મેં લખ્યું ડિયર રાજીવજી, આઇ હીયર બાય ટેન્ડર માઇ રેસીગ્નેશન એઝ ચીફ મીનીસ્ટર ઓફ ગુજરાત. એન્ડ આઇ થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધ કોઓપરેશન. વીપી સિંઘ વાંચીને ચમક્યા. એ કહે મેં તમારું રાજીનામું નથી માંગ્યું. મેં કહ્યું તમા માંગ્યું નથી પણ તમારા કહેવાનો મતલબ હું સમજી ગયો. તમે હવે રાજીવને જઇને આ આપજો. એણે પછી રાજીવને કાગળ આપ્યો હશે અને રાજીવ પર પ્રેશર હતું જ. એટલે મારું રાજીનામું મંજૂર કરી દીધું એમણે. અને તરત જ મને દિલ્હી બોલાવ્યો. દિલ્હી બોલાવ્યો એટલે, આઇયે માધવસિંહ, હમ આપકો દિલ્હી લાના ચાહતે થે. સેન્ટ્રલ ગવર્મેન્ટમેં. મેં કીધું રાજીવજી આઇ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધ ગવર્મેન્ટ એનીમોર. તો કહે અમે અઠવાડિયા પછી સોગંધવિધિ રાખી છે, તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મીનીસ્ટર થવાનું છે. મેં કહ્યું મારે મીનીસ્ટર થવું નથી. હું તો ચાર વાર ગુજરાતમાં ચીફ મીનીસ્ટર રહી ચૂક્યો છું. તે પહેલા રેવન્યૂ મીનીસ્ટર રહી ચૂક્યો છું. તે પહેલા ડેપ્યુટી મીનીસ્ટર રહી ચૂકયો છું. તો કહે આપ ક્યા કરના ચાહતે હૈ? મેં ક્હયું ટૂર ઓફ યુરોપ. મારે યુરોપનો પ્રવાસ કરવો છે. મારે બીએના સબ્જેક્ટમાં મોડર્ન યુરોપીયન હિસ્ટ્રી સબ્જેક્ટ હતો. એ મેં વાંચેલો પણ યુરોપ જોયેલું નહીં. એટલે મેં કહ્યું મારે યુરોપ ફરીને જોવું છે. એટલે તમે મને એક મદદ કરી શકો. મને ડિપ્લોમેટીક પાસપોર્ટ આપો તો મારું કામ થાય. ઙી ઇમીજીયેટલી અરેન્જ્ડ. હું છ મહિના યુરોપમાં ફર્યો. યુરોપના એકેએક દેશમાં ફર્યો. અને એકએક દેશની ગાઇડબુક મારા થેલામાં રાખીને હું ફરતો હતો. બધે ફર્યો. પેરીસ, ફ્રાન્સ, યુગોસ્લાવિયા, કોમ્યુનીસ્ટ ક્ન્ટ્રી બધે જ. પછી આવ્યો એટલે રાજીવે બોલાવ્યો મને. મને કહે અબ તો આપકા યે હો ગયા. મેં કહ્યું મેં ચોપડીઓ ઘરે જે ભેગી કરી છે તે વાંચવાનો ટાઇમ મળ્યો નથી. એટલે કહે કે વો તો આરામ સે આપ પઢ સકતે હે. લેકીન યુ હેવ ટુ જોઇન ધ ગવર્મેન્ટ નાઉ. એટલે હી અપોઇન્ટેડ મી એઝ પ્લાનીંગ મીનીસ્ટર ઓફ ઇન્ડિયા.’

તો માધવસિંહના યુરોપ પ્રવાસની આ પૂર્વભૂમિકા હતી.

માધવસિંહ મુખ્યમંત્રી તરીકે રશિયા ગયા હતા અને મધ્યાહન ભોજન યોજના શરુ કરવાનો વિચાર તેમને તે મુલાકાત દરમિયાન રશિયામાં એ પ્રકારની યોજનાને જોઇને આવ્યો હતો. માધવસિંહના જ શબ્દોમાંઃ હું રશિયા ગયો હતો એક વખત ત્યારે એના ગાઇડ મને એમની મુખ્ય સ્ટ્રીટમાંથી ફરવા નીકળ્યા હતા ત્યાં સ્કલના છોકરાઓ બધા લાઇનબંધ નીકળ્યા. એમના શિક્ષક લઇને આવતા હતા. છોકરા તંદુરસ્ત લાલ ટામેટા જેવા. બધા છોકરાઓ બહુ તંદુરસ્ત. મેં ગાઇડને પૂછ્યું આ છોકરા આટલા બધા તંદુરસ્ત કેમ છે. તેણે કહ્યું કે અહીંયા બાળકોને સ્કૂલમાં સ્કૂલ તરફથી ભોજન અપાય છે. સારામાં સારું ભોજન અપાય છે. એની અસર એમના શરીર પર પડે છે. મને થયું કે જો રશિયા જેવા દેશની અંદર બાળકોને સ્કૂલમાં જમાડતા હોય તો આપણે અહીંયા કેમ ન જમાડી શકીએ. એટલે મેં ગુજરાતમાં આવીને એની શરુઆત કરી. તે વખતે તમિલનાડુમાં એમજી રામચંદ્રને એક વખતના ખાવાની વ્યવસ્થા કરેલી. પણ એ બધી એલીમેન્ટ્રી હતી. એક જ જાતનો ભાત અને પાણી જેવી દાળ બસ. બીજું કંઇ આપે નહીં.

Related Stories

Recent Stories

error: Content is protected !!