રોનક જળવાઇ નહીં


અંદર બહાર ગુજરાત

જપન પાઠક

ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કામ કરવા દરમિયાન મેં જે કેટલીક બીટ સંભાળી હતી તેમાં ટેલિફોન એક હતી. બીએસએસનએલનો એ સ્વર્ણકાળ હતો. તેની ઓફિસો ધમધમતી અને બિલ્ડીંગો વ્યસ્ત રહેતા. ચાલુ અઠવાડિયે બીએસએલએલના એક સમયે ધમધમતા વાસણા ટેલિફોન એક્ષચેંજની મુલાકાત લીધી તો મોટાભાગના કાઉન્ટર્સ બંધ હતા. એકાદને છોડીને બાકીની તમામ ઓફિસો ભેંકાર હતી અને કોરીડોરમાં કૂતરું ફરતું હતું. લોકો લેન્ડલાઇન ટેલીફોન કનેક્શન બંધ કરાવવા માટે આવતા હતા. બંધ ઓફિસોમાં બંધ કરાવેલા લેન્ડલાઇન કનેક્શનના પરત જમા કરાવેલા ટેલીફોનના ડબલાંના ઢગલે ઢગલા પડ્યા હતા. પગથિયાની દિવાલ પર અગાઉ પાન-મસાલા થૂંક્યાના ગેરુઆ રંગના નિશાન દેખાતા હતા તે પણ હવે દેખાતા ન હતા કારણકે મુલાકાતીઓ પણ ન બરાબર રહ્યા છે. જ્યારે બીએસએનએલના ગુજરાત એકમે પહેલી વખત ખોટ કરી ત્યારે ગુજરાત સર્કલના વડાએ કર્મચારીઓને સંબોધીને ઇમેઇલ લખ્યો હતો જેનો મેં ગુજરાત સમાચારમાં અહેવાલ બનાવ્યો હતો. એ ખોટ તો નાની હતી પરંતુ પછી વધતી જ ગઇ. કોઇ કહે જીયો આવ્યું એટલે બીએસએનએલ બંધ થયું. વાસ્તવમાં જીયો આવ્યું એના વર્ષો પહેલાથી ખોટ શરુ થઇ હતી. ટેલિકોમ વિભાગના તત્કાલીન મંત્રીથી લઇને સંચાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર અને કર્મચારીઓનું સરકારીપણું બીએસએલનએલને ડૂબાડી ગયું. પ્રાઇવેટ કોમ્પીટીટર્સનો આમાં વાંક કાઢવા જેવો નથી. રહ્યા સહ્યા લેન્ડલાઇન ગ્રાહકોએ ફરજિયાત ઓટો રિન્યૂ થતી એમેઝોન પ્રાઇમની સ્કીમના કારણે કનેક્શન બંધ કરાવ્યા. વડાપ્રધાન મોદીએ એમેઝોનના વડા ભારત આવ્યા તો તેમને મુલાકાત પણ આપી ન હતી. પરંતુ ભ્રષ્ટ બાબુઓએ એક વર્ષ એમેઝોન પ્રાઇમ મફત અને પછી અચાનક તેનું ઓટો રિન્યૂઅલ અને તેના ચાર્જીસનો સીધા બીલમાં સીધો જ ઉમેરો એવી સ્કીમ બનાવી અને લોકો ઉંચા બીલ જોઇને છળ્યા ને લેન્ડલાઇન કનેક્શન્સ બંધ કરાવ્યા. બાબુ રાજ – અધિકારી રાજમાં આવું. પાછલા વર્ષે કેન્દ્ર સરકારે વીઆરએસની શરુ કરેલી સ્કીમ પછી, હવે તો બીએસએનએલનો અર્ધાથી વધારે સ્ટાફ રિટાયર્ડ થઇ ગયો છે. જાળા બાઝેલા સાઇન બોર્ડ અને ધૂળિયા કોરીડોર, ભેંકાર ઓફિસોવાળું બીએસએનએલ ભવન વખાર જેવું લાગે છે. એક સમયે મને યાદ છે કે અહીં રોનક હતી. રોનક જળવાઇ ન રહી. કેન્દ્રીય સંચાર પ્રધાન રવિશંકર પ્રસાદ 2014 પછી તેમના ભાષણોમાં ઉછળી ઉછળીને કહેતા હતા કે વાજપેયી સરકાર સમયે બીએસએનએલ કેવું નફો કરતું હતું અને પછી મનમોહન સિંઘ સરકાર વખતે કેવી ખોટ ચાલુ થઇ અને મોદી સરકાર આવતા જ ફરી બીએસએનએલ કેવું રિકવર થઇ રહ્યું છે. મોદી સરકારની 2019 પછીની બીજી ટર્મ આવતા તો બીએસએનએલ ખોટના ભયંકર ખપ્પરમાં હોમાવા માંડ્યું અને પછી રવિશંકર પ્રસાદ બીએસએનએલનો બ પણ બોલતા નથી. પત્રકારો પૂછે નહીં ત્યાં સુધી બીએસએનએલનો મુદ્દો જ ઉપસ્થિત કરતા નથી.