જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશને તૈયાર કરેલી 400 પથારીઓ ધરાવતી કોવિડ કેર સુવિધાનું ઇ-લોકાર્પણ

જામનગર: એક તરફ ભારત કોવિડ મહામારીના અભૂતપૂર્વ નવા વેવ સામે જ્યારે ઝઝૂમી રહ્યું છે ત્યારે, રિલાયન્સ કિંમતી જિંદગીઓ બચાવવા માટે ખરા સમયે આગળ આવ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને જામનગરમાં તૈયાર કરાયેલી 400 પથારીઓ ધરાવતી કોવિડ કેર સુવિધાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મે 4, 2021ના રોજ ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના ખાદ્ય, નાગરિક પુરવઠા, ગ્રાહકો બાબતો અને કુટિર ઉદ્યોગ પ્રધાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગરથી લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 400 પથારીઓ ધરાવતી કોવિડ કેર સુવિધા સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી છે, જે ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલનું વિસ્તરણ છે.

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણીની વ્યક્તિગત દેખરેખ હેઠળ રિલાયન્સ જામનગરમાં 1000 પથારીઓ ધરાવતી કોવિડ કેર સુવિધાનું નિર્માણ કરી રહી છે, જે જામનગર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોને સેવા પૂરી પાડશે. સતત ઓક્સિજનનો પુરવઠો ધરાવતી આ સુવિધામાં 35 પથારીઓ આઇસીયુની સુવિધાથી સજ્જ છે, જેને 100 પથારીઓ સુધી વિસ્તારવામાં આવશે. કોવિડ કેર ફેસિલિટીના પરિચાલન માટેની તમામ માળખાકિય સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. અહીં લાઇફ સપોર્ટ માટે 22 રૂમો સુધી ઓક્સિજનનો પર્યાપ્ત પુરવઠો પહોંચી શકે તેવું નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. અહીં 30 કિલો લીટરની ક્ષમતા ધરાવતું ઓક્સિજન યુનિટ ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રત્યેક દર્દીને પ્રતિ મિનિટ 40 લીટર ઓક્સિજન પૂરો પાડી શકે છે. આ સુવિધામાં 60 ડોક્ટર્સ, 120 પેરામેડિકલ અને અવિરત પાણી, વીજળી અને ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે 60 આસિસ્ટન્ટ/વોર્ડબોય્ઝ, 65 હાઉસકીપિંગ અને ટેક્નિકલ સ્ટાફ ખડેપગે હાજર રહેશે. મલ્ટીપેરા મોનિટર, ડીફેબ્રિલેટર, ઇન્ફ્યુઝન પમ્પ્સ, એબીજી મશીન્સ, ઇસીજી/એક્સ-રે યુનિટ્સ વગેરે જેવા ક્રિટિકલ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ આ કોવિડ કેર સુવિધામાં તૈનાત કરવામાં આવ્યા છે. અહીં તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશન વિષે :

રિલાયન્સ ફાઉન્ડેશન (આર.એફ.) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)ની સખાવતી સંસ્થા છે, જેનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. શ્રીમતી નીતા અંબાણીના અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રિલાયન્સ ફાઉન્ડેશન પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પૂરા પાડવા અથાગ કામગીરી કરી રહી છે. ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતી આર.એફ. ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમત ગમત, આપત્તિ નિવારણ, શહેરી નવીનીકરણ અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 44,700 ગામો અને કેટલાક શહેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં 4.5 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.