વડોદરા જિલ્લામાંથી પસાર થતા ટ્રાન્સપોર્ટેશનના પાંચ મેગા પ્રોજેક્ટમાં જમીન સંપાદન માટે રૂ. ૩૨૯૩ કરોડનું વળતર ચૂકવાયું

વડોદરા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વડપણવાળી કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસને જરૂરી જમીન પૂરી પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી સંપાદનની કામગીરી હવે પૂર્ણતા તરફ આગળ ધપી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર પટે અધઅધ કહી શકાય એટલા રૂ. ૩૨૯૩ કરોડની ચૂકવણી ખાતેદારોને કરી છે.

ટ્રાન્સપોર્ટેશનને લગતા પાંચ મહત્વના પ્રોજેક્ટનો લાભ વડોદરા જિલ્લાને મળવાનો છે. તેમાં નેશનલ હાઇસ્પીડ રેલ એટલે કે બૂલેટ ટ્રેઇન, દિલ્હીથી વડોદરા એક્સપ્રેસ હાઇવે અને વડોદરાથી મુંબઇથી વડોદરા એક્સપ્રેસ હાઇવે, ડેડિકેટેડ રેલ્વ વે ફ્રેઇટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોરીડોર માટે ૩૫ ગામોની કૂલ ૧૦૫ હેક્ટર ચોરસ મિટર જમીન મેળવવાની થાય છે. એ પૈકી ૧૦૨ હેક્ટર જમીન મેળવવામાં આવી છે અને તેનો કબ્જો રેલ્વેને સોંપી દેવામાં આવ્યો છે. આ જમીન મેળવવા બદલ જમીનના માલિકોને રૂ. ૮૧૫.૦૩ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.

એ જ પ્રકારે દિલ્હીથી વડોદરા એક્સપ્રેસ વે નં. ૧૪૮ (એન) માટે જિલ્લાના ૧૬ ગામોમાંથી કૂલ ૨૮૩ પૈકી ૨૩૨ હેક્ટર ચોરસ મિટર જમીન મળી ગઇ છે. તે માટે જમીનના વળતર પેટે વહીવટી તંત્ર દ્વારા રૂ. ૨૮૧.૨૦ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.

વડોદરાથી મુંબઇ સુધીના એક્સપ્રેસ વે માટે ૨૯ ગામોની ૫૯૯ પૈકી ૫૯૮ હેક્ટર ચોરસ મિટર જમીન સંપાદિત કરવામાં આવી છે. માટે જમીન વળતર પ્રક્રીયામાં સૌથી વધુ એટલે કે રૂ. ૧૫૬૮.૦૮ કરોડની ચૂકવવામાં આવી છે.

રેલ્વેનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પણ વડોદરા જિલ્લામાંથી પસાર થવાનો છે. એ માટે રેલ્વેને જરૂરી જમીનની સંપાદનની કામગીરી ચાલી રહી છે. આ માટે ૩૦ ગામોની જરૂરી તમામ એટલે કે ૩૫૭ હેકટર ચોરસ મિટર જમીન સંપાદિત કરી રૂ. ૩૩૪.૨૬ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. આ જ પ્રોજેક્ટ માટે શહેરના માણેજા ખાતે બની રહેલા રેલવે ઓવર બ્રિજ માટે એક હેક્ટરથી વધુ જમીન મેળવવાની રહે છે. આ માટે ૮૫ ટકા જેટલી જમીન મેળવી લેવામાં આવી છે અને તે બદલ રૂ. ૧૪.૩૩ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

જમીન સંપાદનમાં તેના માલિકોને નુકસાન ના જાય એ માટે જેતે વિસ્તારની જંત્રી ઉપરાંત તે વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જમીનના વેંચાણને આધારે બજાર ભાવ નક્કી કરી વળતર ચૂકવવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે કેટલાક ખેડૂતોની જમીનમાં ઉભેલા પાકોની પણ વળતરમાં ગણતરી કરવામાં આવી છે. આ માટે ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગની ભલામણના આધારે નક્કી થયેલી પાકની ગણતરીના આધારે વળતર ચૂકવવામાં આવ્યું છે.

કેટલીક જમીનમાં માલિકીનો વિવાદ ચાલતો હતો, તેમાં ભવિષ્યમાં કોર્ટના ચૂકાદાને આધીન રહીને પણ ચૂકવણી કરવામાં આવી છે. આ જમીન સંપાદનમાં વારસાઇ, કાનૂની ગુંચોનો હકારાત્મક નિકાલ લાવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન પ્રાપ્ત કરવામાં આવી છે.