કેજરીવાલે કહ્યું ધ કશ્મીર ફાઇલ્સ જૂઠ્ઠી ફિલ્મ, કરમુક્તિની ધરાર ના, ઉડાવી મજાક, ટવીપલ્સે કહ્યું યાદ રાખીશું આ અટ્ટહાસ્ય

અમદાવાદ, 25 માર્ચ 2022ઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્થાપક વડા અરવિંદ કેજરીવાલે કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને જૂઠ્ઠી ફીલ્મ ગણાવી છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ સાતસો જેટલા વિસ્થાપિત કશ્મીરી પરિવારોના વિડિયો ઇન્ટર્વ્યૂ લઇને વાસ્તવિક ઘટનાઓના આધારે તૈયાર કરી છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. જો કે અરવિંદ કેજરીવાલને આ ફિલ્મ જૂઠ્ઠી લાગી છે એટલું જ નહીં આ ફિલ્મની તેમણે મજાક ઉડાવી છે તથા તેના દિગ્દર્શકની તેમણે ટીકા કરી છે. પંજાબની જીત પછી દેખીતા જ ગુમાનમાં જણાતા કેજરીવાલ જ્યારે આમ બોલી રહ્યા છે ત્યારે તેમના તથા તેમના ધારાસભ્યોનો આ વિષયે અટ્ટહાસ્ય કરતો વિડિયો ટીકાપાત્ર બન્યો છે.

ભાજપની માંગણી કે દિલ્હીમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવી જોઇએ. કેજરીવાલે આ માંગણી ધરાર ફગાવતા કહ્યું કે આ ફિલ્મ યુટયુબ પર જ મૂકી દેવી જોઇએ કે જેથી કરમુક્તિનો પ્રશ્ન જ ન રહે. ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ કશ્મીરી પંડિતો પરના અત્યાચારની કથની કહેતી આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.

વરિષ્ઠ પત્રકાર કંચન ગુપ્તાએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે કેજરીવાલે પોતાની જાહેરખબરો મિડિયામાં આપવાના બદલે યુટયુબ પર મૂકી દેવી જોઇએ કે જેથી કરદાતાઓનો હજારો કરોડ રુપિયાનો ટેક્સ બચે. એ ટેક્સ પણ બચે કે જે કશ્મીર ફાઇલ્સમાંથી કમાયો હોય અને જેનો ઉપયોગ કેજરીવાલના ચહેરાને અને બોગસ વાયદાઓને પ્રમોટ કરવા માટે વપરાઇ રહ્યો હોય.

અભિષેક દત્તે તેમની ટવીટમાં લખ્યું છે કે આ ફિલ્મના મામલે રાજનીતી બરાબર નથી. આટલા સંવેદનશીલ મુદ્દા પર હસવું, મજાક કરવી, એ એકદમ ખોટું છે. નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર વિનોદ કુમારે ટવીટ કરીને કહ્યું છે કે ભારતીયોએ કેજરીવાલ અને તેના બે ધારાસભ્યો અટ્ટહાસ્ય કરી રહ્યા છે તે ફોટોગ્રાફ સ્ક્રીનસેવર તરીકે સેવ કરી લેવો જોઇએ અને રોજ ઘર છોડતા અગાઉ તે ફોટો જોવો જોઇએ. આ જ એક્ઝેક્ટલી દર્શાવે છે કે તે તમારા પર બળાત્કાર થાય, તમને કાપી નાંખવામાં આવે, તમને તમારા ઘરમાં પૂરી દઇને જીવતા બાળી નાખવામાં આવે, તમને ધર્મપરિવર્તન કરવાનું કહેવામાં આવે, તમારા જીવન મરણની વાત હોય તે વિશે આ રાજકારણી તે વિશે કેવી લાગણી અનુભવે છે.

કશ્મીરી પંડિત શ્રુષ્ટિ કોલ કેજરીવાલ અને તેના ધારાસભ્યોના અટ્ટહાસ્યનો ફોટો મૂકીને કહે છે કે આ ચહેરા યાદ રાખજો. આ છે આધુનિક, બિનસાંપ્રદાયિક, પ્રગતિશીલ લોકો કે જે કશ્મીરી પંડિતોના નરસંહારને નકારે છે.

જોવાની વાત એ છે કે કેજરીવાલે કેટલીક અન્ય ફિલ્મો જેમ કે નીલ બટ્ટે સન્નાટા, તાપસી પન્નુ અભિનીત સાંડ કી આંખ, કબીર ખાનની ફિલ્મ 83 ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેરે કરી હતી અને ટવીટર પર તેના વખાણ તથા પ્રમોશન પણ કર્યું હતું. ટવીપલ્સ ઇંગિત કરી રહ્યા છે કે આ જ કેજરીવાલની વૈચારિક અસલિયત દર્શાવે છે. તેઓ ટુકડે ટુકડે વિચારવાળાઓની ફિલ્મ ટેક્સ ફ્રી કરે છે, લોકોને ટવીટ કરીને કહે છે કે તે સારી ફિલ્મો છે જ્યારે ધ કશ્મીર ફાઇલ્સ કેજરીવાલને જૂઠ્ઠી ફિલ્મ લાગે છે અને કશ્મીરી પંડિતોના ઘાતકી હત્યાકાંડના વિષય પર અટ્ટહાસ્ય કરે છે. કેટલાટ ટવીપલ્સે તો કેજરીવાલના મહિલા ધારાસભ્યના અટ્ટહાસ્યને તાડકા સાથે સરખાવ્યું છે.