૧૮૯ ખેડૂતો પર પાંચ વર્ષ માટે કૃષિ વિભાગની તમામ યોજનાઓનો લાભ લેવા પર પ્રતિબંધ

પાટણ: પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ચણાના વાવેતર વગર ટેકાના ભાવે ખોટી નોંધણી અને વેંચાણ કરી સરકારી નાણાનો ગેરલાભ લેવા તથા છેતરપિંડીના પ્રયાસ બદલ સાંકરા, માલસુદ, વાંસા, વાગોસણ, જમણપુર, દાંતરવાડા, ભલાણાં, અડિયા, અરીઠા, દુનાવાડા અને કુંભાણા એમ ૧૧ ગામોના ૧૮૯ ખેડૂતો પર આગામી પાંચ વર્ષ માટે કૃષિ વિભાગની તમામ યોજનાઓનો લાભ લેવા પર પ્રતિબંધ મુકાશે. વાવેતર અંગેના ખોટા દાખલા આપનાર ૧૦ તલાટી કમ મંત્રી સામે વહીવટી પગલાં, ગુજકોમાસોલ દ્વારા ખરીદી માટે નિયુક્ત સહકારી મંડળીઓ સામે પણ પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્ય સરકાર આવી ગેરરીતિ બાબતો માટે ખૂબ જ ગંભીર છે. આવા કોઇ પણ કિસ્સાઓમાં સંડોવાયેલા સામે ખૂબ જ કડક પગલાં ભરાશે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨માં PSS હેઠળ ચણાની ટેકાના ભાવે થયેલ ખરીદીમાં ગેરરીતી સામે આવી છે. અરજદાર તથા અન્યની મળેલ ફરીયાદ અન્વયે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા, અડિયા અને વાંસા ગામમાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર થયેલ ન હોવા છતાં આ ગામોના ખેડૂતોની નોંધણી થવા બાબતે તેમજ એ.પી.એમ.સી. હારીજ કેન્દ્ર ખાતેથી આવા ખેડૂતો પાસેથી ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ અંગે ટેકાના ભાવની ખરીદી-જિલ્લા મોનીટરીંગ કમિટીના અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા કલેકટરશ્રીને જાણ કરવામાં આવી હતી. જે અંતર્ગત કલેકટરશ્રી દ્વારા ૪ ટીમો બનાવીને ૧૨ ગામના કુલ ૪૨૦ ખેડૂતોની ચકાસણી-તપાસણી કરવામાં આવી. જે પૈકી ચણાનું વાવેતર ન કરેલ હોઈ તેવા ૧૮૯ ખેડુતોની ખોટી નોંધણી થયાનું જણાયું હતું. તે પૈકી ૧૨૮ ખેડૂતોએ વેચાણ પણ કરેલ છે. આ માટે ૧૦ તલાટી કમ મંત્રીઓ દ્વારા ૧૮૯ ખોટા દાખલાઓ આપવામાં આવ્યા હતા.
વધુમાં ચણાના વાવેતર વગર ખોટી નોંધણી તથા વેચાણ કરવા બદલ ૧૨૮ કિસ્સાઓમાં ખેડૂતોને ખરીદીનું પેમેન્ટ કરવામાં આવશે નહિં. ખેડૂત દ્વારા ચણાના વાવેતર વગર ખોટી નોંધણી અન્વયે બાકી ખરીદીના ૬૧ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે નહિં. ચણાના વાવેતર વગર વેચાણ કરવામાં સામેલગીરી માટે નિયુક્ત પેટા એજન્સી/સહકારી મંડળીને ટેકાના ભાવની ખરીદીની કામગીરીમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. સહકાર વિભાગની સહાયની વિવિધ યોજનાઓમાં સામેલ સહકારી મંડળીને બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.