કેન્દ્ર સરકાર દ્વારા ખાતર સબસિડીમાં માતબર વધારો ; વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨ લાખ કરોડ કરતાં વધુ રકમ ચૂકવશે

ગાંધીનગરઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત હિતલક્ષી નિર્ણયો કર્યાં છે. એટલું જ નહીં,આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં વધારો થવા છતાંય ભાવ વધારોનો બોજ ખેડૂતો પર સીધો ન આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સબસિડીની રકમમાં માતબર વધારો પણ કર્યો છે. જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકાર ખાતરની સબસિડી માટે રૂ. ૨ લાખ કરોડ કરતાં વધુ રકમ ચૂકવશે.

કૃષિ મંત્રી શ્રી પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંઘ તોમર તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કરતાં ઉમેર્યું કે, ગત ખરીફ ઋતુમાં રાજ્યમાં સપ્લાય થયેલ ૧૬.૫૦ લાખ મે. ટન ખાતર માટે ચૂકવવામાં આવેલ રૂ. ૨૧૮૧.૮૦ કરોડની સબસિડીની સાપેક્ષમાં અઢી ગણી વધારે સબસિડીનો લાભ ખેડૂતોને મળશે.

કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું કે,આંતરરાષ્ટ્રીય બજારમાં યુરીયા, ડી.એ.પી અને એન.પી.કે ખાતર તેમજ ખાતરના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થવાથી ખાતરની પડતર કિંમતમાં પણ વધારો થયો છે. આમ છતાં આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ફોસ્ફેટિક અને પોટાશિક ફર્ટીલાઇઝરમાં સબસીડીની રકમમાં માતબર વધારો કર્યો છે.ખાતરના ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો પર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી તે પણ એક નોંધપાત્ર બાબત છે.

તેમણે ઉમેર્યું કે,ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ ખરીફ-૨૦૨૨ માટે NBS (Nutrient Based Subsidy) પોલીસી જાહેર કરવામાં આવેલ છે. જેના પરિણામે ખરીફ: ૨૦૨૨માં અંદાજેલ જરૂરીયાત મુજબ સપ્લાય થનાર ૧૯.૯૫ લાખ મે.ટન ખાતર માટે અંદાજે રૂ.૫૨૭૮.૩૭ કરોડની માતબર રકમની સબસીડી રાજ્યના ખેડૂતો વતી ચુકવવામાં આવશે,જ્યારે આગામી રવિ અને ઉનાળુ ઋતુ માટેની ચુકવાનાર ખાતર સબસીડી આ ઉપરાંતની રહેશે.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતરો ઉપરની સબસીડીમાં વધારો કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ભારત સરકાર રાસાયણિક ખાતર પરની સબસીડી માટે રૂ. બે લાખ કરોડ કરતાં પણ વધુ રકમની ચૂકવણી કરશે. જે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખાતરની કરેલ માંગણીને પગલે ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૨ માટે કુલ ૧૯.૯૦ લાખ મે. ટન સબસિડાઈઝ રાસાયણિક ખાતરના જથ્થાની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. જે પૈકી યુરીયા ૧૧.૫૦ લાખ મે.ટન; ડી.એ.પી. ૩.૦૦ લાખ મે.ટન, એન.પી.કે. ૩.૦૦ લાખ મે. ટન તથા એમ.ઓ.પી. ૦.૫૫ લાખ મે. ટન જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે એપ્રિલ માસમાં મુખ્ય સબસિડાઈઝ્ડ યુરીયા, ડી.એ.પી, એન.પી.કે અને એમ.ઓ.પી સહિતના રાસાયણીક ખાતરોની રાજ્યની અંદાજિત ૨.૭૦ લાખ મે.ટનની જરૂરીયાત સામે કુલ ૨.૮૬ લાખ મે.ટન ખાતરનો જથ્થો સપ્લાય કરાયો છે. રાજ્યમાં વિવિધ વિસ્તારમાં જરૂરીયાત મુજબ તમામ ખાતરના જથ્થાનું વિતરણ નિયમિતરૂપે કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિક્રેતાઓ પાસે હાલમાં ૩.૨૮ લાખ મે. ટન યુરિયા, ૧.૧૬ લાખ મે. ટન ડી.એ.પી., ૭૬ હજાર મે. ટન એન.પી.કે તેમજ ૧૬ હજાર મે.ટન એમ.ઓ.પી. ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી આગામી સમયમાં ખેડૂતોને જરૂરીયાત મુજબ જથ્થો ઉપલબ્ધ થઈ શકશે.

તેમણે ઉમેર્યું કે,આગામી ખરીફ ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થોસરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઓફ સીઝન ખાતર સંગ્રહ યોજના હેઠળ અગાઉના વર્ષોની સાપેક્ષ બે માસમા નોંધપાત્ર ૧.૦૫ લાખ મે.ટન ખાતર સંગ્રહિત કરવામાં આવેલ છે.