એપ્રિલ 2022માં 88 લાખ લોકોને રોજગારી મળી: CMIE

નવી દિલ્હી/ગાંધીનગરઃ કોરોનાકાળ પછી ખાસ કરીને ભારતના અર્થતંત્રમાં થયેલા સુધારાના પરિણામ દેખાવા લાગ્યા છે. દેશમાં ગયા મહિને અર્થાત એપ્રિલ 2022માં 88 લાખ લોકોને રોજગારી મળી છે. કોરોના પછી કોઈ એક મહિનામાં રોજગારીના ક્ષેત્રમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે, તેમ સેન્ટર ફૉર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલમાં જણાવાયું છે. આ સાથે રોજગારોની કુલ સંખ્યા વધીને 43.72 કરોડ થઈ હોવાનું સીએમઆઈઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસે કહ્યું હતું.

ઉપલબ્ધ વિગતો અનુસાર 2021-22માં દેશમાં રોજગારીનો સરેરાશ માસિક દર 20 લાખ રહ્યો છે.

એપ્રિલ મહિનામાં 88 લાખને રોજગારી મળવા અંગે એક એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોરોનાકાળ દરમિયાન નોકરી ગુમાવનાર લોકો પૈકી મોટી સંખ્યામાં લોકોને પુનઃ નોકરી મળી હોઈ શકે.

દરમિયાન, આ જ સંસ્થાએ પ્રકાશિત કરેલા ભારતનાં રાજ્યોની રોજગારી અંગેની સ્થિતિમાં ગુજરાતનો સમાવેશ ટોચના ચાર રાજ્યમાં થાય છે, અર્થાત સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતાં રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. આ આંકડા અનુસાર એપ્રિલ 2022માં ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.6 ટકા હતો. સૌથી ઓછી બેરોજગારી હિમાચલ પ્રદેશમાં 0.2 ટકા, ત્યારબાદ 1.2 ટકા સાથે આસામ અને 1.5 ટકા સાથે ઓડિશાનો સમાવેશ થાય છે. રોજગારીની બાબતમાં સૌથી ખરાબ સ્થિતિ હરિયાણા અને રાજસ્થાનની છે. હરિયાણામાં બેરોજગારીનો દર 34.5 ટકા જ્યારે રાજસ્થાનમાં હાલ બેરોજગારીનો દર 28.8 ટકા છે. આ ઉપરાંત દિલ્હી, બિહાર, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા તથા ત્રિપુરામાં પણ બેરોજગારી ડબલ ડિજિટમાં છે.
આ ગાળા દરમિયાન બેરોજગારીનો રાષ્ટ્રીય દર 7.3 ટકા છે, જેમાં શહેરી વિસ્તારોમાં 8.5 ટકા જ્યારે ગ્રામ્ય ભારતમાં 6.8 ટકા બેરોજગારી છે.