કેન્દ્રની યોજના રાજ્યની રીતે ચલાવવાના કેજરીવાલના મનસૂબો હાઇકોર્ટે ફગાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે પૂરા પાડવામાં આવતા સસ્તા અનાજને રાજ્ય સરકારના નામે ચડાવીને ઘરે ઘરે પહોંચાડવાની દિલ્હીની આમ આદમી પાર્ટીની યોજનાને હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે.

દિલ્હીના રાશન વિતરકો દ્વારા દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજનાના વિરોધમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી તથા ન્યાયમૂર્તિ જસમીત સિંહની બનેલી બેન્ચે તેના આદેશમાં કહ્યું કે, દિલ્હીની સરકાર ઘરે ઘરે અનાજ પહોંચાડવા માટેની અન્ય કોઈ યોજના બનાવવા માટે મુક્ત છે, પરંતુ આવી યોજના માટે તે કેન્દ્ર દ્વારા પૂરા પાડવામાં આવતા રાશનનો ઉપયોગ ન કરી શકે. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે, આ યોજનાને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી પણ મળી નથી.

દિલ્હી સરકારી રાશન ડીલર્સ સંઘ તથા દિલ્હી રાશન ડીલર્સ યુનિયન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે હાઈકોર્ટે 10 જાન્યુઆરીએ તેનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી સરકારની યોજના અંગે વાંધો ઉઠાવતા ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ જે અનાજનું વિતરણ કરવામાં આવે છે તેનો ઉપયોગ અન્ય કોઈ નામથી અને અન્ય યોજના માટે કરી ન શકાય.