કોંગ્રેસ સાંસદ ચૌધરીના ટવીટર હેન્ડલથી રાજીવ ગાંધીની સૌથી વગોવાયેલી ટીપ્પણી ટવીટ થઇ, પછી ડીલીટ થઇ, પછી હેકીંગની ફરિયાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આજે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને કંઇક વિશિષ્ટ શ્રદ્ધાંજલિ આપવાના ઉત્સાહમાં ગંભીર ભૂલ કરી દેતાં લોકોના મજાક અને આક્રોશનો ભોગ બન્યા હતા.

અધિર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે, જે બિનસત્તાવાર રીતે વિરોધપક્ષના નેતા પણ ગણાય. આજે 21મી મે રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે સવારે જ ઉત્સાહમાં સ્વ. રાજીવ ગાંધીના એક કુખ્યાત નિવેદન સાથેનું ટ્વિટ કરી દીધું હતું. 31 ઑક્ટોબર, 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થયા બાદ ફાટી નીકળેલા સિખ વિરોધી તોફાનોના સંદર્ભમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, જબ બડા પેડ ગીરતા હૈ, તબ ધરતી હીલતી હૈ.

રાજીવ ગાંધીનું આ અસંવેદનશીલ નિવેદન છેલ્લા ચાર દાયકાથી વિપક્ષો, બુદ્ધિજીવીઓ તેમજ મીડિયાની ટીકાનો ભોગ બનતું રહ્યું છે અને આમ છતાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ આજે રાજીવ ગાંધીના ફોટા નીચે એ નિવેદન સાથે ટ્વિટ કરતાં વધુ એક વખત સિખ સમુદાયના ઘા તાજા થયા હતા.

જોકે, આવું ટ્વિટ કર્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ટીકા અને આક્રોશ વ્યક્ત થતાં લગભગ અડધો કલાક પછી ચૌધરીએ એ ટ્વિટ ડીલીટ કરી દઈને નવેસરથી બીજી નિવેદન સાથે ટ્વિટ કર્યું હતું, જેમાં સ્વ. રાજીવ ગાંધીનું અન્ય એક નિવેદન ટાંક્યું કે, “કારખાનાં, ડેમ અને રસ્તા એટલે વિકાસ ન કહેવાય. વિકાસ લોકોનો થવો જોઇએ. ધ્યેય લોકોના ભૌતિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક સંતૃપ્તિનો હોવો જોઇએ. વિકાસમાં માનવીય પરિબળ સર્વોચ્ચ મૂલ્ય ધરાવે છે.”

જોકે, આશ્ચર્યની વાત એ છે કે, અધિર રંજન ચૌધરીએ ત્યારબાદ અન્ય ટ્વિટ કરીને એવો પણ ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો કે, “અગાઉ મારા નામે જે ટ્વિટ થયું હતું તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. કોઇએ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે રમત કરી છે.” અધિર રંજન ચૌધરીએ પોતાનું ટ્વિટર હેન્ડલ હૅક થયું હોવાની સત્તાવાર ફરિયાદ દિલ્હીના સાઉથ એવન્યુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આ અંગે તપાસ કરીને હૅક કરનારનું આઈપી એડ્રેસ શોધી કાઢવા અને તેની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે.