એનસીપી નેતા નવાબ મલિકે દાઉદ ગેંગ સાથે સાંઠગાંઠ કરીને અન્ય લોકોની મિલકત કબજે કરી: EDની ચાર્જશીટમાં ખુલાસો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એનસીપી નેતા નવાબ મલિકે દાઉદ ગેંગ સાથે સાંઠગાંઠ કરીને અન્ય લોકોની મિલકત કબજે કરી હોવાના અને હવાલા દ્વારા નાણાની આપ-લે કરી હોવાના પૂરતા પુરાવા હોવાનું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની ચાર્જશીટમાં જણવવામાં આવ્યું છે.

ઈડીની ચાર્જશીટની નોંધ લઇને વિશેષ અદાલતે કહ્યું હતું કે, આરોપી નવાબ મલિકે ડી-કંપનીના સભ્યો હસીના પાર્કર, સલીમ પટેલ તથા સરદાર ખાનની સાથે મળીને શ્રીમતી મુનિરા પ્લમ્બરની મિલકત કબજે કરવાનું કાવતરું રચ્યું હતું.

અદાલતે કહ્યું કે, હસીના પાર્કર (દાઉદ ઈબ્રાહીમની મૃત બહેન) તથા અન્યોની સાથે મળીને મલિકે જે અપરાધ કર્યો હતો તે હવાલા વિરોધી કાયદા હેઠળ ગુનો બને છે. અદાલતે વધુમાં કહ્યું કે, આરોપી સીધી રીતે તેમજ પૂરી જાણકારી સાથે હવાલાકાંડમાં સામેલ છે અને તેથી તે પીએમએલએ (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ સજાને પાત્ર છે.

મલિક ઉપર આરોપ છે કે તેણે એક સર્વેયર દ્વારા ગોવાવાલા કમ્પાઉન્ડસ્થિત મિલકતનો સરવે કરાવ્યો હતો. તેમાં તેણે સરદાર શાહવલી ખાનની મદદ લીધી હતી.

ચાર્જશીટ અનુસાર સરદાર ખાને ઈડીને જણાવ્યું હતું કે તેનો ભાઈ રહમાન મુનિરા પ્લમ્બર વતી ગોવાવાલા કમ્પાઉન્ડ માટે ભાડું ઉઘરાવતો હતો. નવાબે તેના ભાઈ અસલમ મલિક મારફત ગોવાવાલા કમ્પાઉન્ડમાં કુરિઆ જનરલ સ્ટોર મેળવી લીધો હતો. જોકે 1992ના પૂર પછી સ્ટોર બંધ થઈ જતાં ભાડુઆત તરીકે અસલમનું નામ દાખલ કરી દેવામાં આવ્યું.

નવાબ મલિક ઉપર આરોપ છે કે તેણે ત્યારપછી સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ્સ મારફત ગોવાવાલા કમ્પાઉન્ડ ઉપર કબજો કરી દીધો હતો.

સરદાર શાહવલી ખાન 1993ના મુંબઈ બોંબ વિસ્ફોટ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહ્યો હતો. જોકે તે પેરોલ ઉપર બહાર આવ્યો ત્યારે તેણે નવાબ મલિક, અસલમ મલિક તથા હસીના પાર્કર વચ્ચે યોજાયેલી કેટલીક બેઠકોમાં હાજરી આપી હતી. હસીના પાર્કરનું 2014માં મૃત્યુ થયું હતું. મિલકત આંચકી લેવાના અને હવાલા કાંડના આ કેસમાં હસીનાના પુત્ર અલિશાનનું નિવેદન પણ ઈડીએ લીધું છે. તેણે ઈડીને કહ્યું હતું કે, ગોવાવાલા કમ્પાઉન્ડ અંગેના વિવાદના સમાધાન રૂપે તેની માતાએ એક ભાગ મેળવી લીધો હતો અને ત્યાં ઑફિસ બનાવી હતી, જે ઑફિસ પછીથી તેની માતાએ નવાબ મલિકને વેચી હતી.