ભારત એ રાષ્ટ્ર નથી એવા રાહુલ ગાંધીના પ્રચારને કેમ્બ્રીજમાં ભારતીયે પડ઼કાર્યો; વિડિયો થયો વાયરલ

લંડન/નવી દિલ્હીઃ “ભારત એક રાષ્ટ્ર નથી પરંતુ રાજ્યોનો સમૂહ છે” એવું નિવેદન વારંવાર ભારતની ધરતી ઉપર કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બ્રિટિશરોના દેશમાં પણ કર્યું છે. એટલું જ નહીં રાહુલે રાષ્ટ્રનો અર્થ કિંગ્ડમ કરીને પણ અજ્ઞાન પ્રદર્શિત કર્યું હોવાની ટવીટર પર ચર્ચા જામેલી છે.

કેમ્બ્રિજમાં આયોજિત ઈન્ડિયા એટ 75 વિષય પરના પ્રવચન અને ચર્ચા દરમિયાન કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા અને આઈઆરએસ અધિકારી સિદ્ધાર્થ વર્માએ રાહુલ ગાંધીને તેમના ભારતને એક રાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યોનું યુનિયન ગણવાના વિચારને પડકાર્યા હતા જેને પગલે દેશમાં વધુ એક વખત આ મુદ્દે જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.

કેમ્બ્રિજ ખાતેના કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી દરમિયાન સિદ્ધાર્થ વર્માએ રાહુલ ગાંધીને પડકાર્યા હતા એટલું જ નહીં પરંતુ રાષ્ટ્ર વિશેની તેમની માન્યતા ભૂલભરેલી તેમજ બંધારણીય અને ઐતિહાસિક રીતે ખોટી જોવાનું જણાવ્યું હતું. સિદ્ધાર્થ વર્માએ કોંગ્રેસ નેતાને કહ્યું હતું કે, ભારત એક રાષ્ટ્ર ન હોત અને રાજ્યોનું સંગઠન હોત તો પછી આદિ શંકરાચાર્યે કેવી રીતે દેશમાં ચારેય ખૂણે મઠની સ્થાપના કરી? કેવી રીતે આચાર્ય ચાણક્ય રાષ્ટ્રની વાત કરતા હતા?

રાહુલ ગાંધી પોતાનો મુદ્દો રજૂ કરવા વારંવાર બંધારણનું ઉદાહરણ આપે છે. પરંતુ તેના જવાબમાં સિદ્ધાર્થ વર્માએ કહ્યું કે, બંધારણના આમુખમાં સ્પષ્ટ પણે રાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરને ટાંકીને સિદ્ધાર્થ વર્માએ કહ્યું કે, રાષ્ટ્ર તરીકે ભારત અખંડિત છે, પરંતુ રાજ્યોના માળખામાં ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારને રાજ્યોની સરહદોમાં ફેરફાર કરવાની સત્તા છે અને તેથી બંધારણીય રીતે પણ રાહુલ ગાંધીની દલીલ ટકી શકે તેમ નથી.

સિદ્ધાર્થ વર્માએ શક્તિશાળી દલીલ કરતાં જણાવ્યું કે, સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશના તમામ ખૂણામાં ક્રાંતિકારીઓ સક્રિય હતા. તેઓ સમગ્ર દેશને સ્વતંત્ર કરાવવા ચળવળ ચલાવતા હતા, કોઈ એક રાજ્ય કે પ્રદેશને સ્વતંત્ર કરાવવા નહીં.

રાજ્યોના એકીકરણની રાહુલ ગાંધીની દલીલ સંદર્ભે સિદ્ધાર્થ વર્માએ કહ્યું કે, વાસ્તવમાં જે રજવાડાં હતાં તે વંશપરંપરા અનુસાર ચાલતા હતા, પરંતુ એ રજવાડાંની પ્રજા તો ભારતને જ દેશ માનતી હતી અને તેથી સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈએ એકીકરણની કામગીરી શરૂ કરી ત્યારે પ્રજાની ઈચ્છા અનુસાર રાજા-રજવાડાંઓએ સમજૂતી કરી હતી.

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધી અને સિદ્ધાર્થ વર્મા વચ્ચેના સંવાદની સૌથી રસપ્રદ ક્ષણ એ હતી જ્યારે વર્માએ ભારતનો રાષ્ટ્ર તરીકે ઉલ્લેખ કર્યો ત્યારે રાહુલ ગાંધીએ તેમને વચ્ચે અટકાવીને કહ્યું હતું કે રાષ્ટ્ર એટલે તો કિંગડમ્ થાય, દેશ ન થાય. કિંગડમ્ એટલા રાજાનું શાસન. પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક ઐક્ય છતાં સમગ્ર અખંડ ભારતનો ભૂખંડ કોઈ એક રાજાના શાસન હેઠળ અર્થાત કિંગડમ્ નહોતો એ વાત આ દેશનો નાનામાં નાનો માણસ પણ જાણે છે.

વર્માએ બાદમાં ટીવી ચર્ચામાં કહ્યું હતું કે બંધારણમાં ભારત માટે રાષ્ટ્ર શબ્દ તેના આમુખમાં વાપરવામાં આવ્યો જ છે પરંતુ રાહુલ ગાંધી તેમને ગમતું જ માત્ર ઉપાડીને ભારતને રાજ્યોનો સમૂહ માત્ર સાબિત કરવા પર તુલ્યા છે.