શિવલિંગ ફૂવારા જેવું દેખાય એ માટે તેના પર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે: હિન્દુ પક્ષના વકીલ

નવી દિલ્હીઃ “જ્ઞાનવાપી સંકુલમાં વજુ કરવાના સ્થળે મળી આવેલું શિવલિંગ ફૂવારા જેવું દેખાય એ માટે તેમાં ઉપરના ભાગે ડ્રિલિંગ કરવામાં આવ્યું છે” તેમ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું.

સીએનએન ન્યૂઝ-18 સાથે વાતચીત કરતા એડવોકેટ જૈને કહ્યું કે, મુસ્લિમોએ શિવલિંગ ઉપર ડ્રિલિંગ કરીને ફૂવારાનું માળખું તૈયાર કર્યું અને એ માળખું તેમના સ્ટોરરૂમમાં રાખ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં જ એ લોકોએ ત્યાંથી ખસેડી દેવા પ્રયાસ કર્યો હતો પરંતુ સીઆરપીએફ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા.

“અમે જાણીએ છીએ કે અમારા ઈશ્વર સાથે એ લોકોએ શું કર્યું છે અને અમે એ માટે લડી રહ્યા છીએ. અમે શિવલિંગ શોધી કાઢ્યું છે. સ્ટોરરૂમની પણ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. અમે અદાલત એ દર્શાવીશું કે તેઓ એક શિવલિંગને ફૂવારો કેવી રીતે કહે છે. અમે અદાલતમાં એ પુરવાર કરીશું કે શિવલિંગ પર તેમણે 63 સે.મી.નો ડ્રિલિંગ કેવી રીતે કર્યું” તેમ એડવોકેટ વિષ્ણુ જૈને સમાચાર ચૅનલને જણાવ્યું હતું.

દરમિયાન આ અંગેના સમાચાર પ્રસારિત થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે અન્ય જે મસ્જિદોમાં હિન્દુ મંદિરોના પુરાવા હશે તેને એ લોકોએ નષ્ટ કરવાનું શરૂ કરી દીધું હશે. બીજા અનેક લોકોએ શિવલિંગની આવી દશા થઈ હશે એવું સાંભળીને દુઃખ અને હતાશાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ આ કેસ આટલા દાયકા સુધી દબાયેલો રહ્યો એ બદલ એક તરફી સેક્યુલારિઝમને જવાબદાર ઠેરવ્યું હતું.