ખ્રિસ્તી સંગઠન ધર્માંતર વિરોધી કાયદા સામે કોર્ટમાં જશે

રાંચીઃ વિવિધ રાજ્યો દ્વારા છેલ્લા થોડા મહિનામાં પસાર કરવામાં આવેલા ધર્માંતર વિરોધી કાયદા સામે મિશનરી ખ્રિસ્તીઓને વાંધો પડ્યો છે. રોમન કેથલિક સંપ્રદાયની આવી એક સંસ્થા ઑલ ઈન્ડિયા કેથલિક યુનિયન (એઆઈસીયુ)એ તો આ કાયદાઓને પડકારવાનું જાહેર કર્યું છે.

એઆઈસીયુના પ્રમુખ લેન્સી ડી. ચુંહા એમ માને છે કે ધર્માંતર વિરોધી આ કાયદા હિંસાને પ્રોત્સાહન આપે છે! ચુંહાએ જણાવ્યું કે, “અન્ય સાંપ્રદાયિક જૂથો તથા સિવિલ સોસાયટીના સભ્યોની સાથે મળીને એઆઈસીયુ વિવિધ રાજ્યો દ્વારા પસાર કરવામાં આવેલા ધર્માંતર વિરોધી કાયદાઓને પડકારશે કેમ કે આ કાયદા બંધારણના સિદ્ધાંત અને આત્મા વિરોધી છે તથા તેનાથી હિંસાને પ્રોત્સાહન મળે છે.”

કર્ણાટક સરકારે એક જાહેરનામા દ્વારા દાખલ કરેલા પ્રોટેક્શન ઑફ રાઇટ ટુ ફ્રીડમ ઑફ રિલિજિયન બિલ 2021 નામે ધર્માંતર વિરોધી કાયદાના સંદર્ભમાં ચુંહાએ આ નિવેદન આપ્યું હતું.

દેશમાં છેલ્લી ઘણી સદીથી લાલચ, છેતરપિંડી સહિત અનેક રીતે વ્યાપકપણે થઈ રહેલા ધર્માંતરને અટકાવવા કર્ણાટક, ઉત્તરપ્રદેશ તથા હરિયાણા જેવાં રાજ્યોએ હિંમતપૂર્વક ધર્માંતર વિરોધી કાયદા બનાવ્યા છે.

જોકે, ચુંહા સહિત મિશનરી સંસ્થાઓ એમ માને છે કે, આ કાયદાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ખ્રિસ્તી લઘુમતીઓ સલામત નથી. તેમણે વડાપ્રધાન તથા રાજ્યોના મુખ્યપ્રધાનો સમક્ષ ધર્માંતરની વિરુદ્ધમાં કામગીરી કરતા સ્થાનિક અગ્રણીઓ સામે પગલાં લેવા માગણી પણ કરી છે.

દરમિયાન આ સમાચાર બાબતે સોશ્યલ મિડિયા પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે કોઇપણ દેશમાં લઘુમતિ કોમ હંમેશા ધર્મ પરિવર્તન વિરુદ્ધના કાયદાની માંગ કરતી હોય છે કે જેથી બહુમતિ ધર્મના લોકો તેમને વટલાવી ન જાય. પરંતુ એ ભારત જ છે કે જ્યાં લઘુમતિ કોમ ધર્મપરિવર્તનના કાયદાનો વિરોધ કરે છે કારણકે અહીંની હિંદુ બહુમતિ તેમને જોર જુલમ, લાલચથી વટલાવતી નથી પરંતુ ઉલટું લઘુમતિ કોમ બહુમતિ કોમના લોકોને વટલાવવામાં લાગેલી છે.