ડબલ એન્જીનની સરકારમાં ડબલ લાભ હોય, મોસાળમાં જમણ ને મા પીરસનારી, વિકાસઆડેની બધી અડચણો દૂર કરી છે: આટકોટમાં નરેન્દ્રભાઇ

આટકોટઃ આજે અહીં બોલતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે આજે ગુજરાતે સ્વાસ્થ્યની બાબતમાં જે હરણફાળ ભરી છે, જે ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર તૈયાર થયું છે, જે કામ કરવામાં આવી રહ્યું છે તેનો ભૂપેન્દ્રભાઇ અને તેમની ટીમને અભિનંદન આપું છું.

આટકોટ ખાતે બસો પથારીની અત્યાધુનિક કેડીપી હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ બોલતા નરેન્દ્રભાઇએ કહ્યું કે , આટકોટ જગ્યા એવી છે કે ત્રણ ચાર જિલ્લાને લાગે કે આ પાસે જ છે. આપણે ત્યાં રાજકોટમાં ગુજરાતને એઇમ્સ મળી છે જેનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા હું જામનગર આવ્યો હતો જ્યાં વિશ્વનું ટ્રેડીશનલ મેડિસીનનું મોટું સેન્ટર ડબલ્યૂએચઓ (વિશ્વ આરોગ્ય સંસ્થા) દ્વારા આકાર પામી રહ્યું છે તેનો આપણે શિલાન્યાસ કર્યો છે. આ બાજુ એઇમ્સ, જામનગરમાં આયુર્વેદ અને હવે આટકોટમાં આ હોસ્પિટલ, આ બાપુડી મોજ પડી ગઇ તમારે તો.

નરેન્દ્રભાઇએ કહ્યું કે બે દશક પહેલા મને તમે સેવાનો મોકો આપ્યો વર્ષ 2001માં ત્યારે આપણા ગુજરાતમાં માત્ર ને માત્ર 9 મેડિકલ કોલેજો હતી. આ નવી પેઢીને કહેજો પાછું. નહીં તો એમને તો ખબર જ નહીં હોય કે શું હાલ હતા. ડોક્ટર બનવાની ઇચ્છા કેટલા બધાની હોય પણ માંડ 1100 બેઠકો હતી. આવડું મોટું ગુજરાત 2001 પહેલા 1100 બેઠક. અને તમને જાણીને આનંદ થશે કે આજે 30 મેડિકલ કોલેજો ગુજરાતમાં છે અને એટલું જ નહીં ગુજરાત અને દેશમાં પણ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઇચ્છા છે. એમબીબીએસ અને પીજીની સીટો 1100 હતી હવે 8000 છે. અને એમાંય પાછું આપણે નવી હિંમત કરી છે. ગરીબ માબાપને પણ દીકરા – દીકરીને ડોક્ટર બનાવવાની ઇચ્છા થાય પણ એને પૂછવામાં આવે કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા કે ગુજરાતીમાં. જો તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવ તો દરવાજો ખુલે. આપણે નિયમ બદલ્યો અને નક્કી કર્યું કે ડોક્ટર – એન્જીનીયર થવું હોય તો માતૃભાષામાં પણ ભણીને થઇ શકાય.

ડબલ એન્જીનની સરકારમાં ડબલ લાભ હોય. મોસાળમાં જમણ હોય ને મા પીરસનારી હોય એનો અર્થ આપણા ગુજરાતવાળાઓને સમજાવવો પડે ભાઇ? વિકાસને આડેની બધી અડચણો દૂર કરી છે અને એની તેજ ગતિનો લાભ ગુજરાતને આજે મળી રહ્યો છે. 2014 પહેલા ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા કે દિલ્હીમાં એવી સરકાર હતી કે અહીંથી પ્રોજેક્ટ જાય તો એમને પ્રોજેક્ટ નહીં પણ મોદી જ દેખાય. અને એવું મગજ ભડકે કે કેન્સલ રિજેક્ટ, કેટલા બધા કામોને તાળા મારી દીધા હતા. આ નર્મદા માતાને રોકીને બેઠા હતા. આપણે ઉપવાસ પર બેસવું પડ્યું હતું. અને ઉપવાસ રંગ લાવ્યા કે સરદાર સરોવર બની ગયો, નર્મદા યોજના બની ગઇ. અને હવે તો સરદાર સરોવર બંધ, સરદાર વલ્લભભાઇ પટેલ, આખી દુનિયાનું ઉંચામાં ઉંચું સ્ટેચ્યુ. આખી દુનિયામાં સરદારનું નામ ગૂંજી રહ્યું છે. અને લોકોને આશ્ચર્ય થાય છે. આટલું મોટું કામ, આટલી જલ્દી? એજ તો ગુજરાતની તાકાત છે. અભૂતપૂર્વ સ્પીડથી અભૂતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરનું કામ આગળ વધી રહ્યું છે.