બાપુ, પટેલની પવિત્ર ધરતીના સંસ્કાર છે કે આઠ વર્ષમાં એવું કર્યું નથી કે જેથી કોઇએ શરમથી માથું ઝૂકાવવું પડે: આટકોટમાં નરેન્દ્રભાઇ

આટકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે આટકોટમાં બોલતા કહ્યું કે કેન્દ્રમાં ભાજના નેતૃત્વવાળી એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પૂરા કરી રહી છે. આઠ વર્ષ પહેલા તમે બધાએ મને વિદાય આપી હતી. પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે. આજે જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથુ ઝુકાવીને ગુજરાતના તમામ નાગરિકોનો આદર કરવા ઇચ્છું છું. આપે મને જે સંસ્કાર, શિક્ષણ આપ્યું, સમાજ માટે કેવું જીવવું જોઇએ એ શીખવાડ્યું એના કારણે જ પાછલા આઠ વર્ષ માતૃભૂમિની સેવામાં મેં કોઇ કસર નથી છોડી. એ આપના જ સંસ્કાર છે, આ માટીના સંસ્કાર છે. પૂજ્ય બાપુ અને વલ્લભભાઇ પટેલની આ પવિત્ર ધરતીના સંસ્કાર છે કે આઠ વર્ષમાં ભૂલથી પણ એવું થવા નથી દીધું કે કર્યું નથી કે જેના કારણે આપે કે દેશના કોઇપણ નાગરિકે પોતાનું માથું ઝૂકાવવું પડે.

આ વર્ષોમાં અમે ગરીબની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ મંત્ર પર ચાલતા અમે દેશના વિકાસને નવી ગતિ આપી છે. આ આઠ વર્ષમાં અમે પૂજ્ય બાપુ અને સરદાર પટેલના સ્વપ્નનું ભારત બનાવવા ઇમાનદાર પ્રયાસ કર્યા. પૂજ્ય બાપુ એક એવું ભારત ઇચ્છતા હતા જે દરેક ગરીબ, દલિત, વંચિત, પિડિત, આપણા આદિવાસી ભાાઇઓ અને બહેનો, આપણી માતા બહેનોને સશક્ત કરે. જ્યાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જીવન પદ્ધતિના હિસ્સા બને, જેનું અર્થતંત્ર સ્વદેશી સમાધાનોથી સભર હોય.

ત્રણ કરોડથી અધિકને પાકા ઘર, દસ કરોડથી અધિક પરિવારને ખુલ્લામાં જાજરુ જવામાંથી મુક્તિ, નવ કરોડથી અધિક ગરીબ બહેનોને ધુમાડાથી મુક્તિ, અઢી કરોડથી વધુ ગરીબ પરિવારોને વીજળીનું કનેક્શન, છ કરોડથી અધિક પરિવારોને નળથી જળ, પચાસ કરોડથી વધુ નાગરિકોને પાંચ લાખ સુધીના મફત ઇલાજની સુવિધા આ માત્ર આંકડા નથી પરંતુ ગરીબની ગરિમા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. ગરીબોની સરકાર કઇ રીતે તેમની સેવા કરે છે કઇ રીતે તેમનું સશક્તિકરણ કરે છે. સો વર્ષની સૌથી મોટી મહામારી દરમિયાન દેશે આનો અનુભવ કર્યો છે. ગરીબ સામે ખાવાપીવાની સમસ્યા ઉભી થઇ તો દેશના અન્નના ભંડાર દેશવાસીઓ માટે ખોલી દેવાયા. માતાઓ બહેનોને સન્માનથી જીવવા જનધન બેન્ક ખાતામાં સીધા પૈસા જમા કર્યા. કિસાનો અને મજૂરોના બેન્ક ખાતામાં પૈસા જમા કર્યા. મફત ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરી કે જેથી ગરીબની રસોઇ ચાલતી રહે અને તેનો ચૂલો ન બૂઝે. ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટની સુવિધાઓ ગરીબો માટે સુલભ કરી. રસી આવી ત્યારે અમે એ સુનિશ્ચિત કર્યું કે દરેક ભારતીયોને તે મફતમાં લાગે. એક તરફ કોરોનાનો વિકટ સમય, વૈશ્વિક મહામારી અને આજે આપ જોઇ શકો છો કે યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ટીવી પર અર્ધો સમય યુદ્ધની સમય પ્રત્યેકને ચિંતિત કરે છે. આવી પરિસ્થિતિઓમાં પણ અમે નિરંતર પ્રયત્ન કર્યા કે ગરીબ ભાઇ બહેનોને, મધ્યમવર્ગીઓને મૂશ્કેલીનો સામનો ન કરવો પડે. અમારી સરકાર સુવિધાઓને શત પ્રતિશત નાગરિકોને પહોંચાડવા અભિયાન ચલાવી રહી છે. જે જેનો હકદાર છે તેને તેનો હક મળવો જોઇએ. જ્યારે પ્રત્યેક નાગરિક સુધી સુવિધા પહોંચાડવાનું લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ નથી રહેતો, ભ્રષ્ટાચારની શક્યતા નથી રહેતી. એટલેજ અમારી સરકાર મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલી યોજનાઓને સેચ્યુરેશન સુધી પહોંચાડવા જી-જાનથી લાગેલી છે અને રાજ્ય સરકારોને પણ તે માટે પ્રેરિત કરી રહી છે. અમારો આ પ્રયાસ ગરીબ વર્ગને સશક્ત કરશે અને તેમનું જીવન વધુ આસાન બનાવશે.

error: Content is protected !!