અમને 22-23 વર્ષ થયા, એક અઠવાડિયું શોધી લાવો કે જેમાં વિકાસનું કોઇ કામ ન થયું હોય – વડાપ્રધાન મોદીનો વાંકદેખાઓને પડકાર

નવસારીઃ.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અધિકાંશ આદિવાસીઓની હાજરીવાળી સભામાં બોલતા વાંકદેખા વિરોધીઓને પડકાર ફેંક્યો હતો કે તેઓ પાછલા બે દશક ઉપરાંતના શાસનમાં માત્ર એક જ અઠવાડિયું એવું શોધીને બતાવે કે જેમાં વિકાસનું કોઇ કામ ન થયું હોય.

વડાપ્રધાને કહ્યું કે – ‘આજે આદિવાસી વિસ્તારોમાં ત્રણ હજાર કરોડ રુપિયાના કામોનું ઉદઘાટન થયું. આપણે ત્યાં તો કોઇ પણ કામ કરો એટલે કેટલાક લોકો ચાલુ જ પડી જાય કે જોયુ ચૂંટણી આવી એટલે કામ થાય છે. અમારા કાર્યકાળનું એક અઠવાડિયું કોઇ શોધી લાવે. આ મારી ચુનોતી છે. મને સરકારની અંદર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ થઇ ગયા. એક અઠવાડિયું શોધી લાવે કે જેમાં વિકાસનું કોઇ કામ ન કર્યું હોય. એવું એક અઠવાડિયું શોધી લાવે. પણ કેટલાક વાંકદેખાઓને એવું લાગે કે ચૂંટણીને કારણે …. વર્ષ 2018માં આ વિસ્તારને પાણી આપવા આટલી મોટી (એસ્ટોલ પામી પુરવઠાની) યોજના લઇને હું આવ્યો હતો ત્યારે કેટલાક લોકોએ અહીં કહ્યું હતું કે 2019માં લોકસભાની ચૂંટણી આવવાની છે એટલે મોદી સાહેબ આંબા આંબલી દેખાડવા માંડ્યા છે. આજે મને ગર્વ થાય છે કે એ લોકો ખોટા પડ્યા અને આજે પાણી પહોંચાડી દીધું.’

‘બસો માળના બિલ્ડીંગ જેટલી ઉંચાઇએ પંપીંગથી પાણી ચડાવીને તેને વિતરીત કરવા માટેના એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કેઃ કોઇને ગળે નહતું ઉતરતું હતું. નેવાના પાણી મોભે ચઢાવવામાં તો નેવા અને મોભા વચ્ચે 3-4 ફૂટનો જ ઢાળ હોય છે. આ તો બસો માળનો ઉંચો પહાડ ચડવાનો. અને તળિયેથી પાણી ઉપાડીને પહાડની ચોટી પર લઇ જવાનું.’

વડાપ્રધાને કહ્યું કે – ‘જો ચૂંટણી જીતવા જ કંઇ કરવાનું હોય તો કોઇ બસો ત્રણસો વોટ માટે કોઇ આવી મગજમારી ન કરે. એ તો બીજે કરે. અમે ચૂંટણી જીતવા નહીં, અમે તો દેશના નાગરકોનું ભલું કરવા નીકળેલા છીએ. ચૂંટણી તો લોકો જીતાડતા હોય છે. લોકોના આશિર્વાદથી અમે બેસતા હોઇએ છીએ.’ દેશગુજરાત