ભારત અંગેના વિવાદ બાબતે દેખાવો કરનારાઓને કુવૈત કાયમ માટે દેશ બહાર હાંકી કાઢશે

કુવૈતઃ શુક્રવારે કુવૈતના ફહાહીલ વિસ્તારમાં જુમ્માની નમાજ પછી કેટલાક લોકોએ રસ્તા પર આવીને ભારતમાં નુપુર શર્માએ ટીવી ડિબેટમાં કરેલા ઉચ્ચારણો સંદર્ભે દેખાવો કર્યા હતા. જોકે કુવૈતના સત્તાવાળાઓએ આ દેખાવોની ગંભીર નોંધ લીધી હતી અને સ્થાનિક અધિકારીઓને આ દેખાવકારોને ઓળખી કાઢવા અને દરેકને તાત્કાલિક અસરથી તેમના દેશ તગેડી મૂકવા (ડિપોર્ટ કરી દેવા) આદેશ કર્યો છે.કુવૈતના સત્તાવાળાઓનું કહેવું છે કે, ફહાહીલ વિસ્તારમાં નમાજ પછી દેખાવો કરવા રસ્તા પર આવેલા વિદેશીઓ છે અને તેમણે તેમને આપવામાં આવેલા વિઝાની શરતનો ભંગ કર્યો છે.

ભારતમાં વિરોધ પ્રદર્શનો થતા રહેતા હોય છે પરંતુ પ્રત્યેક દેશમાં આવી છૂટ હોતી નથી. ખાડી વિસ્તારના લગભગ તમામ દેશોમાં કડક કાયદા છે અને વિરોધ પ્રદર્શન, ધરણા, દેખાવો, આંદોલનોની છૂટ હોતી નથી. સામાન્ય જનજીવન મહીં કોઇ ખલેલ કે ઉપદ્રવ પહોંચડવાના હોતા નથી. બધાએ રાષ્ટ્રિય શિસ્તમાં ચાલવાનું હોય છે અને નિયમોનું પાલન કરવાનું હોય છે. કુવૈતમાં નોકરી-વ્યવસાય માટે આવતા વિદેશી લોકો માટે વિઝાની પણ એક સ્પષ્ટ શરત એ હોય છે કે તેમણે કોઈ દેખાવો કે આંદોલનમાં ભાગ લેવો નહીં. પરંતુ ગત શુક્રવારે કેટલાક લોકોએ, વિશેષ કરીને સાઉથ એશિયન મુસ્લિમોએ એટલેકે ભારતીય ઉપખંડના મુસ્લિમોએ મસ્જિદમાંથી નીકળીને આ શરતનું ઉલ્લંઘન કરીને ભારતમાં ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.

કુવૈતી સત્તાવાળાઓના આદેશથી સ્થાનિક અધિકારીઓએ એ દેખાવકારોને ઓળખી કાઢીને તેમને કાયમ માટે પોતપોતાના દેશ પરત મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરી છે અને હવે એ લોકોને ફરીથી કદી કુવૈતમાં પ્રવેશ નહીં મળે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું છે.