યુએઈ સરકારે ભારતના ઘઉંની આયાત સ્થગિત કર્યા હોવાના અહેવાલોનું અર્થઘટન ભૂલભરેલું

અમદાવાદઃ યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત) સરકારે ગઈકાલે બુધવારે ભારતમાંથી આવતા ઘઉંની નિકાસ અને ફેર-નિકાસ ચાર મહિના માટે સ્થગિત કરતો નિર્ણય લેતાં અનેક લોકો આયાત-નિકાસની શબ્દજાળમાં સપડાઈને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા હતા. કેટલાક ચોક્કસ મીડિયા હાઉસ તેમજ ડાબેરી સિસ્ટમના વિદ્વાનો ગઈકાલે એકાએક ગેલમાં આવી ગયા હતા અને ભારતીય ઘઉં અંગે યુએઈની જાહેરાતને ભારત વિરોધી પગલું ગણાવી દીધું હતું. આમાંના કેટલાક લોકોએ તો એ હદ સુધી જાહેરાત કરી દીધી હતી કે બસ હવે ભારતની સ્થિતિ શ્રીલંકા જેવી થશે. જોકે થોડા કલાકમાં આખી વાત સમજાયા પછી આ ઇકોસિસ્ટમના મોટાભાગના પત્રકારો અને વિદ્વાનોએ કાંતો તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ડીલીટ કરી દીધી હતી અથવા તે વિશે વધારે કોઈ ચર્ચા કરવાનું બંધ કરી દીધું હતું.

મામલો એ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વમાં ઘઉંની અછત ઊભી થવાનું જોખમ છે ત્યારે યુએઈ સહિત અનેક દેશો ભારત પાસેથી ઘઉં મગાવી રહ્યા છે. આ સંજોગોમાં ભારત સરકારે ગત 13મી મેએ ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણ મૂક્યાં હતા જેથી આગામી સમયમાં આપણા દેશમાં તેની અછત ન સર્જાય. જોકે આ નિયંત્રણ દરમિયાન એ વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે ખાદ્યાન્નની અછત અનુભવતા મિત્ર દેશોને ઘઉં આપવાનું ભારત ચાલુ રાખશે, પરંતુ તેમાં એવી સ્પષ્ટ શરત રહેશે કે એ દેશો ભારતે પૂરા પાડેલા ઘઉંની નિકાસ આવા દેશ નફો કરવા માટે અન્ય દેશોને નહીં કરી શકે.

ભારતની આ શરતના અનુસંધાને જ યુએઈએ ગઈકાલે ભારત તરફથી તેને મળતા ઘઉંની આગળ બીજે નિકાસ કરવાની વ્યવસ્થા સ્થગિત કરી હતી. અર્થાત યુએઈ સરકારે ભારત સરકારની નીતિને અનુરૂપ જાહેરાત કરી હતી. પરંતુ ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ ઉતાવળમાં એવું અર્થઘટન કરી દીધું કે યુએઈએ ભારત પાસેથી ઘઉં લેવાનું બંધ કરી દીધું અને તેથી હવે ભારત આર્થિક મુશ્કેલીમાં સપડાશે.

જોકે ગઈકાલે સાંજ સુધીમાં આવું અર્થઘટન કરનાર મોટાભાગનાને પોતાની ભૂલનો અને અને સાચી સ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો છતાં કેટલાક માધ્યમોએ એવા ખોટા અહેવાલ પ્રકાશિત કરી જ દીધા હતા, જે સત્યથી તદ્દન વિરુદ્ધ હતા.

તાજેતરમાં સ્લોવેકીયામાં વાતચીત કરતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ભારત જરુરિયાતવાળા દેશોને ઘઉંની નિકાસ ચાલુ રાખશે પરંતુ તે દેશોમાં સટ્ટાખોરો ભારતથી ઘઉં મેળવીને તેના ભાવ વધારી દઇને બીજા દેશોને આગળ નિકાસ કરી દે તેવી સટ્ટાખોરી અને નફાખોરીનો ધંધો ભારત નહીં ચલાવી લે કારણકે તેના કારણે અમીર દેશોમાં ઘઉં પગ કરી જશે અને ભારત સહિત બીજા દેશોમાં તેનો ભાવ વધી જશે તથા તેની પ્રાપ્યતામાં પણ મૂશ્કેલી સર્જાશે.