ભારતમાં કોવીડ રસીકરણ યુરોપ, અમેરિકા અને કેનેડાના કુલ રસીકરણના આંકને આંટી ગયું

નવી દિલ્હીઃ ભારતે પોતાના નાગરિકોને આપેલા કોરોનાવાઇરસ સામેનના રસીના ડોઝની સંખ્યાની કુલ ગણતરી કરવામાં આવે તો તેની સંખ્યા સમગ્ર યુરોપ, અમેરિકા તેમજ કેનેડા – એ બધાએ કુલ મળીને તેમના નાગરિકોને આપેલા ડોઝ કરતાં વધુ થાય છે. ભારતમાં રસીનું ઉત્પાદન પણ આ દેશોને આંટી ગયું છે.

ભારતના વયસ્ક નાગરિકોને અત્યાર સુધીમાં 196.45 કરોડ તથા 12થી 14 વર્ષનાં બાળકોને 3.58 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. આજે અર્થાત 22મી જૂનને બુધવારે સવાર સુધીમાં દેશના નાગરિકોને તો આટલા ડોઝ મળી જ ગયા છે, તે ઉપરાંત દુનિયાના 100 દેશોમાં 23 કરોડ કરતાં વધુ વેક્સિનની નિકાસ કરવામાં આવી છે. આ રીતે ગણતરી કરવામાં આવે તો ભારતે અત્યાર સુધીમાં કુલ 2.25 અબજ ડોઝનું ઉત્પાદન કર્યું છે.

દેશમાં 12થી 14 વર્ષની ઉંમરનાં બાળકો માટે 16મી માર્ચ 2022ના રોજ રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 3.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. એ જ રીતે 18થી 59 વર્ષની વયજૂથના નાગરિકો માટે બુસ્ટર ડોઝની શરૂઆત 10મી એપ્રિલ 2022થી થઈ હતી.

ભારતમાં હાલના તબક્કે એક્ટિવ કેસોની સંખ્યા 81,687 છે. દેશમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 98.60 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 9,862 દર્દી સાજા થયા છે અને મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 4,27,25,055 છે. એ જ રીતે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના નવા 12,249 કેસ નોંધાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું. હાલ પૉઝિટિવિટીનો દર 2.90 ટકા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,10,623 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 85.88 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.