મહારાષ્ટ્રમાં કટોકટી અને ઈડીની પૂછપરછ વચ્ચે પ્રિયંકા ગાંધી વિદેશ રવાના થઇ હોવાના અહેવાલો

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ અને નેશનલ હેરલ્ડ કેસમાં ભાઈ રાહુલની અનેક રાઉન્ડની થયેલી પૂછપરછ અને માતા સોનિયા ગાંધીએ પણ આ જ કેસમાં થોડા દિવસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે ત્યારે ગાંધી ખાનદાનના એક મુખ્ય સભ્ય તથા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડરા વિદેશ પ્રવાસે નીકળી ગયા છે તેમ ન્યૂઝ18ના અહેવાલમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રાષ્ટ્રિય કોંગ્રેસના તાત્કાલિક કહેણ પર દિલ્હી પહોંચ્યા છે.

ભાજપના નેતા અમિત માલવિયએ વિદેશ પ્રવાસ જવા માટે વિમાનમાં પ્રવેશી રહેલા પ્રિયંકા વાડરાનો એક ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, “ગાંધી પરિવારની પ્રાથમિકતાઓ નિશ્ચિત છે. નેશનલ હેરલ્ડ કૌભાંડમાં રાહુલ ગાંધીના બચાવમાં કોંગ્રેસના નેતાઓ રસ્તાઓ પર પરસેવો પાડી રહ્યા હતા ત્યારે બહેન પ્રિયંકા વાડરા તેમની વિદેશ મુલાકાતનું આયોજન કરી રહ્યા હતા! કોંગ્રેસના કાર્યકરો શિવસૈનિકો પાસેથી ઘણું શીખી શકે છે…”

અહેવાલ મુજબ વિદેશ જતા પહેલાં પ્રિયંકા વાડરા થોડા કલાક મુંબઈમાં રોકાયા હતા અને કોંગ્રેસના નેતાઓને મળીને મહારાષ્ટ્રની હાલની ડામાડોળ રાજકીય સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. જોકે, અન્ય અહેવાલ મુજબ પ્રિયંકા વાડરા મુંબઈમાં કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા નહોતા અને સીધા જ માલદિવ્સ જવા રવાના થઈ ગયા હતા.