પવાર અને સંજય રાઉતના ચીમકી અને ધમકીના સૂર; શું ગુંડાગર્દી અને હિંસા પર ઉતરી આવશે તેમના સમર્થકો?

મુંબઇઃ શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોના જૂથે મહાવિકાસ અઘાડી સરકાર અને ખાસ કરીને શિવસેનાની નેતાગીરી સામે બળવો કરી દેતા સર્જાયેલી પરિસ્થિતિ આગળ જતાં હિંસક સ્વરૂપ લઈ શકે એવો કારસો રચાઇ રહ્યો હોવાનો અંદેશો વ્યક્ત થઈ રહ્યો છે. શરદ પવાર અને સંજય રાઉતના નિવેદનોને આધારે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે, શાસનમાંથી વણજોઇતી વિદાયના કિસ્સામાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત આણિ મંડળીના કાર્યકરો રસ્તા પર ઉતરીને હિંસા કરી શકે છે. લોકશાહીના સ્થાને ગુંડાગર્દીનો સહારો લેવામાં આવે તેવી ભીતિ વ્યક્ત થઇ રહી છે.

શરદ પવારે ગઈકાલે 23 જૂને તેમના શ્રેણીબદ્ધ ટ્વિટ પૈકી એક ટ્વિટમાં એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, અસંતુષ્ટ શિવસૈનિકોએ પરિણામો ભોગવવા પડશે. પવારે લખ્યું છેઃ “શિવસેનાના ધારાસભ્યોએ રાજ્યમાં પરત આવવું જ પડશે. મને નથી લાગતું કે આસામ અને ગુજરાતના નેતાઓ અહીં વિધાનસભા પરિસરમાં આવીને તેમને સલાહ આપશે. ઉપરાંત જે ધારાસભ્યો બહાર ગયા છે તેમણે પક્ષાંતર વિરોધી કાયદાનો ભંગ કર્યો છે, આથી તેમણે પરિણામો ભોગવવા પડશે.”

એ જ પ્રમાણે એએનઆઈ સમાચાર સંસ્થાએ ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સંજય રાઉતને એમ કહેતા ટાંક્યા છે કે, “અમને પડકારનાર એકનાથ શિંદે જૂથે એ ધ્યાન રાખવું જોઇએ કે શિવસેનાના કાર્યકરો હજુ સુધી રસ્તા પર આવ્યા નથી. આવી લડાઈઓ કાંતો કાયદા દ્વારા લડાય છે અથવા રસ્તા પર. જો જરૂર પડશે તો અમારા કાર્યકરો રસ્તા પર આવશે.”

પવાર અને રાઉત બંનેના આવાં નિવેદનોને ટાંકીને એક ટવીટર યુઝરે લખ્યું છે કે, “સેલિબ્રિટીઓ મુંબઈમાંથી ભાગી રહ્યા છે. જો ન ગયા હોય તો તેમણે હવે જવું જોઇએ. શરદ પવારથી લઇને સંજય રાઉત સુધીના સમગ્ર મહારાષ્ટ્રને વ્યાપક હિંસાની ધમકી આપી રહ્યા છે. તેઓ દુનિયાને એ બતાવવા માગે છે કે, શેરીના ગુંડાઓને સત્તા મળે અને પછી આંચકી લેવામાં આવે તો દુનિયાનું શું થાય. સૈન્યને અત્યારે જ મોકલો.”

ઉદ્ધવ ઠાકરે સમર્થક સેનાના કેટલાક નેતાઓ પણ અલગ અલગ સમયે એવું બોલતા સાંભળવા મળ્યા છે કે અમુક ધારાસભ્યો દ્વારા બળવો કરવામાં આવ્યો હોવા છતાં શિવસેનાના કાર્યકરો હજુ સુધી સંયમ રાખીને બેઠા છે.