હું ખૂબ થાકી ગયો છું એમ કહી રાહુલ ગાંધીએ 20 ટકા પ્રશ્નોના જવાબ જ ન આપ્યા

નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ કૌભાંડમાં ઈડી દ્વારા થયેલી પૂછપરછ પછી રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, પોતાની ધીરજ અંગે ઈડીના અધિકારીઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે ‘તેમણે મને મારા સ્ટેમિના વિશે પૂછ્યું હતું’. પરંતુ
ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર ઈડીના સૂત્રોએ રાહુલ ગાંધીના સ્ટેમિના અને ધીરજ અંગેના દાવાને નકારી કાઢતા કહ્યું કે, વાસ્તવમાં રાહુલ ગાંધીએ તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો પૈકી 20 ટકા પ્રશ્નોના જવાબ આપવાનું એમ કહીને ટાળ્યું હતું કે પોતે ખૂબ થાકી ગયા છે.

નેશનલ હેરલ્ડ કૌભાંડ કેસમાં ગાંધી ખાનદાન દ્વારા એવી આખા દેશમાં એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે, ઈડીની પૂછપરછ દ્વારા ગાંધી ખાનદાનને હેરાન કરવામાં આવે છે. અને તેની સામે કોંગ્રેસે દિલ્હી ઉપરાંત વિવિધ રાજ્યોમાં એક અઠવાડિયા સુધી સત્યાગ્રહના નામે દેખાવો કર્યા હતા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા પર ટાયરો બાળીને દેખાવોને હિંસક બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. 13 જૂનથી શરૂ કરીને ત્રણ દિવસ અને પછી થોડા ગૅપ પછી બે દિવસ રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ બાદ જંતરમંતર ખાતે કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં આવી પહોંચેલા રાહુલ ગાંધીએ ઈડી ખાતેની પૂછપરછના અનુભવો વિશે જે વાતો કરી હતી તેનાથી કોંગ્રેસ પક્ષ તેમજ મીડિયાના અમુક લોકો પ્રભાવિત થઈ ગયા હતા. એ ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારી ધીરજ અને સ્ટેમિનાથી ઈડીના અધિકારીઓ પ્રભાવિત થઈ ગયા હતા અને મને એ વિશે પૂછ્યું હતું. મેં ઈડીના અધિકારીઓને જણાવ્યું હતું કે, હું વિપાસના કરું છું તેથી મારામાં ધીરજ અને સ્ટેમિના છે. રાહુલ ગાંધીના દાવા મુજબ ઈડીના અધિકારીઓને વિપાસના વિશે ખ્યાલ નહોતો અને તેમણે તેમને વિપાસના શું છે એવું પણ પૂછ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એ વિશે હું તમને કશું કહીશ નહીં.

અલબત્ત, ઈડીના સૂત્રોનું કહેવું છે કે, તપાસ એજન્સી સમક્ષ દરેક આરોપી એક સમાન હોય છે અને વ્યક્તિનો હોદ્દો કે દરજ્જો ગમે તે હોય પણ પૂછપરછમાં તેની કોઈ અસર થતી નથી.

ઈડીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીની પૂછપરછ વધારે લાંબી ચાલવાનું કારણ એ છે કે, પોતે જે જવાબો આપ્યા હતા તેની પુનઃચકાસણી કરવામાં તેઓ ઘણો સમય પસાર કરતા હતા. તેઓ તેમણે પોતે આપેલા જવાબોની સમીક્ષા કરવામાં લાંબો સમય લેતા હતા, પરિણામે પ્રત્યેક સેશન પૂરું થવામાં સમય લાગતો હતો.

રાહુલ ગાંધી પ્રત્યેક દિવસે સવારે આશરે 11 વાગ્યે આવતા હતા અને રાત્રે 11 વાગ્યા સુધી પૂછપરછ ચાલતી હતી. વચ્ચે લંચ બ્રેક દરમિયાન તેમને ઘરે પરત જવા દેવામાં આવતા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, ઈડી દ્વારા પૂછપરછ અંગે રાહુલ ગાંધી જે દાવા કરી રહ્યા છે તેનો કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે તે વિચિત્ર છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે એજન્સી દ્વારા પૂછપરછ અંગે ગૃહપ્રધાન, નાણાપ્રધાન તેમજ કાયદાપ્રધાનને કાનૂની નોટિસો પણ મોકલી હતી. પૂછપરછની વિગતો આ રીતે જાહેર કરવી એ ગુનાઈત અપરાધ ગણાય.