ખારા પાણીનો મીઠો ઉકેલ: સુરતના પાંચ યુવા ઉદ્યોગ સાહસિકોએ સોલાર પાવરથી ખારા પાણીને શુદ્ધ કરતું ભારતનું પહેલું ડિવાઈસ બનાવ્યું
July 02, 2022
સુરત: રાજ્ય સરકાર પીવાના પાણીના પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. ‘નલ સે જલ યોજના’ થકી છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને ઘર ઘર સુધી પહોંચાડવાનું અવિરત કાર્ય થઇ રહ્યું છે, ત્યારે સરકારના આ ભગીરથ કાર્યને વધુ વેગ આપવા અને પાણીની અછતને પહોંચી વળવા તેમજ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરતના પાંચ યુવા સાહસિકોએ ‘સોલેન્સ એનર્જી’ સ્ટાર્ટ અપ શરૂ કરીને ભારતના સૌપ્રથમ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્રનો આવિષ્કાર કર્યો છે.
આ સ્ટાર્ટ અપના યુવા સૂત્રધારો યશ તરવાડી, ભૂષણ પર્વતે, નિલેશ શાહ, ચિંતન શાહ અને જ્હાન્વી રાણાએ સાત વર્ષની મહેનત બાદ ખારા પાણીનો મીઠો ઉકેલ શોધ્યો છે. તેમણે સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો છે, જેમાં પ્રતિ લિટર માત્ર ૫૦ થી ૫૫ પૈસા ખર્ચથી પ્રતિદિન ૨૦૦૦ લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે. ઉપરાંત પ્રતિ લીટર ૩૫ ગ્રામ સિંધવ લૂણ (મીઠું) પણ મળે છે.
આ પ્લાન્ટ વિકસાવવા માટે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને રાજ્ય સરકારના સ્ટાર્ટ અપ ગુજરાત યોજના હેઠળ ઈન્ડસ્ટ્રીઝ કમિશનરેટ-ગાંધીનગર દ્વારા રૂ.૩૦ લાખની સહાય મળી છે. તેમણે આ ઉપકરણનું પેટન્ટ પણ કરાવ્યું છે. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હેઠળ સરકાર દ્વારા પેટન્ટ માટે રૂ.૨૫૦૦૦ની સહાય પણ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ ઉપકરણના સંશોધન દરમિયાન યુવાનોને ૧૫ વાર નિષ્ફળતા મળી હતી, પરંતુ હિંમત હાર્યા વિના સતત પરિશ્રમ જારી રાખ્યો અને ૧૬મો પ્રયત્ન રંગ લાવ્યો અને સફળ સાબિત થયો. લગાતાર નિષ્ફળતા પછી લક્ષ્યસિદ્ધિ હાંસલ કરવામાં આખરે આ યુવાનોને સફળતા મળી છે. ડિવાઈસથી ખારા પાણીમાંથી બનતું પાણી મિનરલયુક્ત છે, તેમજ પાણીજન્ય રોગોમાં રાહતરૂપ છે.
આ પ્રોજેક્ટની માહિતી આપતા સ્ટાર્ટ અપ ટીમના સભ્ય શ્રી યશ તરવાડીએ જણાવ્યું હતું કે, પૃથ્વીનો ૭૧ ટકા વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. આમ છતાં આજે દુનિયાના ઘણા દેશો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભવિષ્યમાં પાણીની મોટી અછત ઉદ્દભવે તેવી શક્યતા વિશ્વના વૈજ્ઞાનિકો દર્શાવી રહ્યા છે. સમાચારપત્રો તેમજ ન્યુઝ ચેનલોમાં પાણીની સમસ્યા વિશે સમાચારો જોયા-વાંચ્યા પછી દૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી પાણીનો પુનઃ ઉપયોગ થઈ શકે એવું સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી અમારી પાંચ મિત્રોની ટીમ દ્વારા કોલેજકાળના એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા ‘સોલેન્સ એનર્જી’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં અમે સૌર ઉર્જાની મદદથી એવી ટેકનિકની શોધ કરી, જેમાં હાઈ ટીડીએસ સાથે દરિયાના પાણીને પીવાલાયક બનાવી શકાય છે. મહત્વની વાત એ છે કે,આ ટેક્નિકમાં એક્સર્ટનલ પાવર સપ્લાયની જરૂર રહેતી નથી, તેમજ ઓપરેશનલ અને મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ ઉપયોગી સહાય મળતા અમને આ ક્ષેત્રમાં કામ કરવાનું નવું બળ મળ્યું છે.
આ સોલાર પાવર્ડ ડિવાઈસ કઈ રીતે કામ કરે છે એમ પૂછતા યશ તરવાડીએ જણાવ્યું કે, સૂર્યના કિરણોને યંત્રના વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે રિસીવરમાં ખારૂ પાણી લેવામાં આવે છે. તેમાં ખારા પાણીમાં રહેલું મીઠું અને અન્ય પાર્ટ્સ રિસીવરમાં રહી જાય છે, અને માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામની ડિવાઈસ પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે. ત્યારબાદ પ્રોસેસ થયેલું આ પાણી પીવાલાયક બને છે.
આ પ્રોજેક્ટ છેવાડાના દરિયાકિનારાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે તો ગામડાના લોકોને પીવાલાયક શુદ્ધ પાણી આસાનીથી મળી રહેશે. એટલે જ અમે શહેરોની સાથોસાથ ગામડાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ પીવાનું પાણી મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ એમ ઉમેર્યું હતું.
આમ, ગ્લોબલ વોર્મિંગથી વિશ્વના તાપમાનમાં વિકટ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પાણીની સમસ્યા ઉકેલવા પાંચ યુવાનોની પહેલ દેશને પાણીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં અતિ મદદરૂપ બનશે.
*ટેક્ષટાઈલ સેક્ટરમાં વોટર જેટ યુનિટમાં પણ આ ટેક્નોલોજી આશીર્વાદ સમાન બનશે*
સુરતમાં વિશાળ ટર્નઓવર ધરાવતા ટેક્ષટાઈલ સેક્ટરમાં વોટર જેટ યુનિટો ધમધમે છે. આ યુનિટમાં બહોળા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. મશીનમાંથી નીકળતા દૂષિત પાણીને સોલર પાવરથી સંચાલિત આ ડિવાઈસની મદદથી શુદ્ધ કરી શકાય છે. આવા યુનિટોમાં પણ આ ‘સોલેન્સ એનર્જી’નું ઉપકરણ બેસાડી શકાય છે. ઉદ્યોગો અને પીવા માટે પણ જરૂરિયાત મુજબનું પાણી મેળવી શકાય છે. દેશગુજરાત
Recent Stories
- Rs. 2 per liter hike in Amul milk prices from August 17
- Heavy Rainfall forecast for the next two days in the Gujarat
- Rajasthan CM Ashok Gehlot on 3-day visit to Gujarat
- 3.45 lakh cusecs release of water from Narmada dam to downstream river bed
- Dudhsagar Dairy declares pay hike of Rs 10 per kilo fat for milk producers
- Nita, Mukesh Ambani celebrate Independence Day with grandson Prithvi
- ACB Gujarat nabs two GRD Police officers in a Bribe case
- PM Modi mixes with mini India formed by youths from across the nation in map formation