ડિજિટલ ઇન્ડિયા માટે ગુજરાતે પથદર્શકની ભૂમિકા નિભાવીઃ વડાપ્રધાન મોદી

ગાંધીનગરઃ આજે ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો અહીંથી પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાના ક્ષેત્રે ગુજરાતે એક રીતે દેશ માટે પથદર્શકની ભૂમિકા નિભાવી છે.

વડાપ્રધાને કહ્યું કે – ગુજરાતે એક રીતે પથપ્રદર્શકની ભૂમિકા નિભાવી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું કે જેમાં ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર, ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક (જીસ્વાન), ઇ ગ્રામ સેન્ટર્સ અને એટીવીટી જનસેવા કેન્દ્ર જેવા પીલર્સ ઉબા કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાને ઇ ગ્રામ વિશ્વ ગ્રામની ગુજરાતની શરુઆતનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ દેવડાવ્યું કે ગુજરાતમાંબારડોલી પાસે આપણે જ્યાં સુભાષબાબુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ત્યાં સુભાષ બાબુની યાદમાં એક કાર્યક્રમ કર્યો હતો અને ઇ ગ્રામ વિશ્વગ્રામનું લોન્ચીંગ કર્યું હતું એ વખતે.

વડાપ્રધાને ગુજરાતનો ધન્યવાદ માનતા કહ્યું કે ગુજરાતના અનુભવોએ 2014 પછી રાષ્ટ્રિય સ્તરે ટેકનોલોજીને ગવર્નન્સનો વ્યાપક હિસ્સો બનાવવામાં ખૂબ મદદ કરી છે. આ જ અનુભવ ડિજિટલ ઇન્ડિયા મિશનનો આધાર છે.

વડાપ્રધાને ગુજરાતનો તેમનો ભૂતકાળનો અનુભવ વહેંચતા કહ્યું કે – મને તો યાદ છે કે એક વખત વિધાનસભામાં ચર્ચા થઇ હતી. વિષય એવો હતો કે જે વિધવા પેન્શન મળે છે. એ વખતે મેં કહ્યું કે આપણમે એક કામ કરો કે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી દો અને ત્યાં એમનો ફોટો હોય અને આ બધી વ્યવસ્થા કરો. અને પોસ્ટ ઓફિસમાં જઇને વિધવા બહેનને પેન્શન મળી જાય. હોબાળો મચી ગયો, મોદી સાહેબ તમે શું લાવ્યા છો, વિધવા બહેન ઘરની બહાર નીકળે કઇ રીતે, એ બેન્કમાં કે પોસ્ટ ઓફિસમાં જઇને પેન્શન લે કઇ રીતે? મેં કહ્યું આપણે તો આ રસ્તે જવું છે. તમે મદદ કરો કે ન કરો.આ તોફાન એટલા માટે મચાવતા હતા કે તેમને વિધવાઓની ચિંતા ન હતી. તમને આશ્ચર્ય થશે કે સેંકડો વિધવાઓ એવી મળી કે જે દીકરીનો જન્મ જ નહતો થયો ને વિધવા થઇ ગઇને પેન્શન જતું હતું.પછી કાગારોળ થાય કે ન થાય. આવા બધા બૂચ બંધ કરીએ તો તકલીફ તો થાય ને?

વડાપ્રધાને કહ્યું કે – પાછલા દિવસોમાં હું દાહોદ આવ્યો હતો. આદિવાસીઓને મળવાનું થયું. એક દિવ્યાંગ દંપતિ હતું ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર હશે. તેમણે કોમન સર્વિસ સેન્ટર શરું કર્યું હતું. તેઓ મને મળ્યા અને કહ્યું કે સરેરાશ 28,000 રુપિયાની આવક છે. ડિજિટલ ઇન્ડિયાની તાકાત જુઓ.

વડાપ્રધાને કહ્યું કે – હું ગુજરાતમાં હતો ત્યારે આઠસો નવસો જ જગ્યા હતી ખેડૂતો માટે વીજળીના બીલ ભરવા માટે. આપણે તત્કાલીન અટલજીની સરકારને વિનંતિ કરી અને વીજળીના બીલ પોસ્ટ ઓફિસમાં લેવાની આપણી વિનંતીનો સ્વીકાર કર્યો.

ફીનટેક(ફાયનાન્શ્યલ ટેકનોલોજી) વિશે બોલતા વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે – આપણું આ જે ગીફ્ટ સીટીનું કામ છે, મારા શબ્દો લખીના રાખો દોસ્તો અને મારું 2005-6નું ભાષણ પણ સાંભળી લેજો, એ વખતે મેં કહ્યું હતું કે ગીફ્ટ સીટીમાં શું શું થવાનું છે. આજે તે ધરતી પર ઉતરતું જોઇ શકાય છે. આવનારા દિવસોમાં ફીનટેકની દુનિયામાં, સિક્યોરિટી અને ફાયનાન્સના વિષયમાં ગીફ્ટ સિટિ બહુ મોટી તાકાત બનીને ઉભરી રહી છે. આ માત્ર ગુજરાતની નહીં, ભારતના આન બાન અને શાન બની રહી છે.