હર ઘર તિરંગા અભિયાન : ગુજરાતના 7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર: દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને તેની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન મારફતે નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણીમાં સામેલ થશે. આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂચિત સ્થળો

1. ઠક્કર બાપા, ભાવનગર

ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.

2. ડૉ. ઉષા મહેતા, સુરત

તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.

3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ

અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

4. કિર્તી મંદિર, પોરબંદર

ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા)

ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.

6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી

દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.

7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ

શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.

ગુજરાતમાં 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

દેશગુજરાત