પ્રિયંકા વાડરાએ અટકાયત દરમિયાન મહિલા પોલીસનો હાથ મચડી નાખ્યો; ફોટોગ્રાફ્સ થયા વાયરલ

નવી દિલ્હીઃ હવાલા કેસમાં ઈડીની કાર્યવાહીનો સામનો કરી રહેલા કોંગ્રેસ પક્ષે આજે પાંચમી ઑગસ્ટે દેશભરમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. મોંઘવારીના નામે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની સાથે રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાડરા પણ રસ્તા પર ઉતર્યાં હતાં.

દેખાવો દરમિયાન પ્રિયંકા વાડરાએ પોલીસે લગાવેલી બેરીકેડ કૂદીને આગળ વધવા પ્રયાસ કર્યો ત્યારે તેમની અટકાયત કરવા પોલીસે તેમને ઘેરી લીધા હતા. રસ્તા પર બેસી ગયેલા પ્રિયંકાને પોલીસે પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે એક મહિલા પોલીસનો હાથ મચડી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમને ટિંગાટોળી કરીને વાહનમાં બેસાડવાનો પ્રયાસ કરી રહેલી મહિલા પોલીસકર્મીઓને લાતો પણ મારી હોવાનો આક્ષેપ ભાજપના પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ કર્યો હતો.

શેહજાદ પૂનાવાલાએ આ સંદર્ભમાં કેટલાક ફોટોગ્રાફ્સ તથા વીડિયો શૅર કરીને લખ્યું હતું કે, આ આઘાતજનક દૃશ્ય છે જેમાં પ્રિયંકાજી દિલ્હી પોલીસની એક મહિલા અધિકારીનો હાથ મચડી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે કોંગ્રેસ નેતાઓ દ્વારા અગાઉ પોલીસ સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારને યાદ કરતાં લખ્યું કે અમુક કોંગ્રેસી નેતાએ તો ઉચ્ચ પોલીસ અધિકારીની ફેંટ પકડી લીધી હતી તો અન્ય એક કિસ્સામાં એક કોંગ્રેસી મહિલા નેતા પોલીસના મોં ઉપર થૂંક્યા હતા.

વાસ્તવમાં શેહજાદ પૂનાવાલાએ આશિષ સિંહ નામના એક પત્રકારે પોલીસ સાથેની ઝપાઝપીનો ફોટો શૅર કર્યો હતો, જેમાં પત્રકારે લખ્યું હતું કે, આ કોઈ ઈડી અધિકારીનો હાથ નથી, દિલ્હી પોલીસની એક મહિલા અધિકારીનો હાથ છે.

એ ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે પ્રિયંકા વાડરા અટકાયત ટાળવા માટે એ મહિલા પોલીસ અધિકારીનો હાથ મચડી રહ્યા છે.

શેહજાદ પૂનાવાલા ઉપરાંત અન્ય કેટલાક યૂઝરે પણ પ્રિયંકા વાડરાની એ ઝપાઝપીની ક્ષણના ન્યૂઝ એજન્સીના વીડિયો પણ શૅર કર્યા હતા.

કોંગ્રેસ નેતાના આવા આવા વર્તન સામે મોટાભાગના યૂઝરે આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી હતી તો જૂજ યૂઝરે પ્રિયંકા વાડરાના સમર્થનમાં પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આજના દેખાવો દરમિયાન રાહુલ અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસની બીજી હરોળના તમામ સિનિયર નેતાઓ પણ કાળાં કપડાં પહેરીને રસ્તા પર ઉતર્યા હતા.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો

error: Content is protected !!