પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના ભ્રષ્ટાચાર અંગે સુવેન્દુ અધિકારીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ પત્ર લખીને મમતા સરકારના વિવિધ ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ કરી છે.

પાંચ પાનાનો આ પત્ર સોશિયલ મીડિયામાં શૅર કરીને સુવેન્દુ અધિકારીએ વાવાઝોડાં અને કોવિડ જેવી આફતો દરમિયાન રાહતની વહેંચણીમાં પણ પશ્ચિમ બંગાળની મમતા સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે.

મનરેગા યોજનાને તો મમતા બેનરજીની ટીએમસી સરકારે નાણા એકઠા કરવાનું મશીન બનાવી દીધી હોવાનો આક્ષેપ તેમણે આ પત્રમાં કર્યો છે.

પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મમતા સરકારે વૃક્ષો અને છોડના પ્લાન્ટની યોજના દ્વારા પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કરોડો રૂપિયાના ફૂલછોડ સરકારે કહેલા સ્થાન ઉપર નહીં મળતા તે અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, બધા પ્લાન્ટ વાવાઝોડામાં તૂટીને ફંગોળાઈ ગયા.

પત્રમાં સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, હાલ કેન્દ્રીય તપાસ એજન્સીઓની ધોંસ વધતા પશ્ચિમ બંગાળમાં પંચાયતોના હોદ્દેદારો ડરી ગયા છે અને તેઓ મોડી રાત્રે કામગીરી કરતાં જોવા મળે છે. આ અંગે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મોડી રાત્રે આ હોદ્દેદારો પ્રજાની સેવા માટે કામ નથી કરતા પરંતુ તેમણે કરેલા ભ્રષ્ટાચારને કારણે કોઈ દસ્તાવેજી પુરાવામાં ફસાઈ ન જાય તે માટે એવા શંકાસ્પદ દસ્તાવેજો આઘાપાછા કરી દેવા માટે અથવા તેનો નાશ કરવા માટે રાતના અંધારામાં કામ કરી રહ્યા છે.

ભાજપના આ નેતાએ પત્રની સાથે એક યાદી જોડીને દર્શાવ્યું છે કે, પશ્ચિમ બંગાળની મમતા સરકારે કેટલીક કેન્દ્રીય યોજનાઓના નામ બદલી નાખીને એ રાજ્ય સરકારના નામે ચડાવી દીધી છે.

દેશ ગુજરાત