ભારતનું અર્થતંત્ર અન્ય દેશો કરતાં ઘણી મજબૂત સ્થિતિમાં

નવી દિલ્હીઃ ભારતની આર્થિક સ્થિતિ અંગે વિપક્ષો દ્વારા ભલે ગમે તેટલો નકારાત્મક પ્રચાર કરવામાં આવતો હોય પરંતુ દેશ અને દુનિયાના અગ્રણી અર્થશાસ્ત્રીઓ તેમજ અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ સારી રીતે જાણે છે કે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત છે.

કોવિડ-19, વિતરણ વ્યવસ્થામાં અવરોધ, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિમાં ફેરફાર, રશિયા-યુક્રેન ઘર્ષણ તથા ક્રુડ તેલના ભાવમાં વધારો જેવાં બાહ્ય દબાણો છતાં ભારતની મેક્રોઇકોનોમિક હાલત મજબૂત છે.

આ અંગે મુદ્દાસર અને વિગતવાર સમીક્ષા કરતાં વડાપ્રધાનની ઇકોનોમિક સલાહકાર કાઉન્સિલના અધ્યક્ષ બિબેક દેબરૉય કહે છે કે, આપણી પાસે હાલ 570 અબજ ડૉલર કરતાં વધુ વિદેશી હુંડિયામણ છે અને એ રકમ ભવિષ્યમાં કોઇપણ આકસ્મિક સ્થિતિ ઊભી થાય તો ચૂકવવા માટે પૂરતી છે. યુએસ ડૉલરની સામે હાલ રૂપિયો નબળો લાગતો હોવા છતાં વાસ્તવમાં અન્ય દેશોનાં ચલણોની સરખામણીમાં રૂપિયાની સ્થિતિ સારી ગણાય. તેઓ કહે છે કે, વાસ્તવમાં નબળો રૂપિયો હંમેશાં ખરાબ ન ગણાય કેમ કે તેનાથી નિકાસની સ્પર્ધાત્મકતામાં ટકી શકાય છે અને આયાત ઘટાડી શકાય છે.

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ) દ્વારા વૈશ્વિક ગ્રોથના આંકડા ઘટાડવામાં આવ્યા હોવા છતાં ભારત હજુ સારી સ્થિતિમાં છે. અમેરિકા જેવા દેશો એક તરફ મંદીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે આઈએમએફના જ અંદાજ મુજબ ચાલુ વર્ષે ભારતનો વિકાસદર 7.4 ટકા રહેશે. આ આંકડો ભારતીય રિઝર્વ બેંક દ્વારા અંદાજવામાં આવેલા 7.2 ટકાના વિકાસદર કરતાં વધુ છે. આવતા વર્ષે ભારતનો વિકાસદર 6.1 ટકા રહેવાની ધારણા છે.

એ જ રીતે અન્ય પરિબળો પણ અર્થતંત્ર સુધારા તરફ હોવાનો સંકેત આપે છે. એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સ જે જૂનમાં 53.9 હતો તે જુલાઈમાં વધીને 56.4 થયો છે. આ ઇન્ડિકેટરમાં 50 કરતાં વધુનો કોઇપણ આંક વિસ્તરણ તરફ સંકેત આપે છે તેમ તેમની દલીલ છે.

ઈન્ડેક્સ ફૉર ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઈઆઈપી)ના આંકડા પણ દર્શાવે છે કે, મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન વધીને 19.6 ટકા થયું હતું, જે છેલ્લા 12 મહિનાનું સૌથી સર્વોચ્ચ હતું. ઉત્પાદન અને માઇનિંગનો સેક્ટર પ્રમાણે વિકાસદર 20.6 ટકા અને 10.9 ટકા રહ્યો હતો. દેશના છ મુખ્ય ઉદ્યોગો – કોલસો, ક્રુડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, પોલાદ, સીમેન્ટ તથા વીજળીનાં ક્ષેત્રોમાં જૂન 2021ની સરખામણીમાં 12.7 ટકાનો વધારો થયો હતો.

2022ના પ્રથમ છ માસના ગાળામાં દેશમાં ખાનગી મૂડીનો પ્રવાહ 27.6 અબજ ડૉલરના રેકોર્ડ સ્તરે રહ્યો હતો.

ઑટોમોબાઇલ ઉદ્યોગના સંગઠનો પણ પ્રગતિનો સંકેત આપે છે. મોતિલાલ ઓસવાલ અનુસાર જુલાઈ 2022માં દ્વિચક્રી વાહનોના વેચાણમાં બે ટકા વધારો નોંધાયો હતો. એ જ પ્રમાણે કારના વેચાણમાં 18 ટકાનો તથા કોમર્સિયલ વાહનોના વેચાણમાં 44 ટકાનો વધારો નોંધાયો છે. આ જ ગાળામાં ત્રિ-ચક્રી વાહનોના વેચાણમાં પણ ચાર ટકાનો વધારો થયો હોવાનું દેખાય છે.

છેલ્લા પાંચ મહિના દરમિયાન જીએસટી કલેક્શન રૂ. 1.4 લાખ કરોડની આસપાસ થતું હતું અને જુલાઈ 2022માં 28 ટકાના વધારા સાથે આ કલેક્શન 1.49 લાખ કરોડે પહોંચ્યું હતું.

બ્લુમબર્ગનો સરવે પણ સ્પષ્ટ દર્શાવે છે કે ભારતમાં મંદી આવે એવી શક્યતા સદંતર શૂન્ય છે. કોવિડ રોગચાળા દરમિયાન જે નાણાકીય સ્થિતિ જાળવવામાં આવી તેને કારણે ફુગાવાની બાબતમાં ભારત અન્ય દેશો કરતાં સારી સ્થિતિમાં છે. અનેક વિકસિત દેશો પણ હાલ ફુગાવાની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેમાં અમેરિકામાં 9.1 ટકા, યુરોપમાં 9.6 ટકા, જર્મનીમાં 7.5 ટકા, કેનેડામાં 8.1 ટકા તથા ઈટાલીમાં 7.9 ટકાના દરે ફુગાવો છે. તેની સામે ભારતમાં ફુગાવાનો દર ગયા મહિને 7.04 ટકા હતો તે ઘટીને 7.01 ટકા થયો છે.

દેશ ગુજરાત