કેજરીવાલ મોડેલઃ વકફ બોર્ડને તન-મન-ધન અર્પણ, ખેલાડીઓને ડિંગો

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર છેલ્લા બે દિવસથી એક ખેલાડી સાથે તેના ડોમિસાઇલ બાબતે ઝઘડી રહી છે.

અગાઉ કદી ખેલાડીઓને પ્રોત્સાહિત નહીં કરનાર કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરવાના પ્રયાસમાં આ વખતે પ્રથમ વખત કૉમનવેલ્થમાં વિજેતા બની રહેલા ભારતી ખેલાડીઓને અભિનંદન આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં એવા ખરાબ રીતે ફસાઈ ગયા છે કે તેમના તમામ પ્રકારના બેવડાં ધોરણો અને તુષ્ટિકરણની નીતિ ખુલ્લી પડી રહી છે.

દિવ્યા કાકરન નામની રેસલિંગ ખેલાડીએ કૉમનવેલ્થમાં મૅડલ જીત્યો ત્યારે કેજરીવાલે તેને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. પણ પછી જે કંઈ થયું તેનાથી કેજરીવાલની બધી પોલ એક પછી એક ખુલવા લાગી. દિવ્યાએ કેજરીવાલના અભિનંદન બદલ આભાર વ્યક્ત કરવા સાથે એવું પણ લખી દીધું કે, હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીમાં રહું છું અને કુશ્તીનો અભ્યાસ કરું છું પરંતુ દિલ્હીની સરકાર તરફથી હજુ સુધી મને કોઈ ઈનામ કે મદદ આપવામાં આવી નથી.

દિવ્યાના આવા ટ્વિટ સામે આમ આદમી પાર્ટીએ ચૂપ રહેવાને બદલે તેને દિલ્હીની નહીં પરંતુ ઉત્તરપ્રદેશની ગણાવવા પ્રયાસ કર્યો.

સામે દિવ્યાએ પણ પૂરેપૂરી તૈયારી સાથે કેજરીવાલની પાર્ટી સામે બાથ ભીડી હોય એમ ભારતના રેસલિંગ ફેડરેશન દ્વારા તેને આપવામાં આવેલા પ્રમાણપત્રને જોડીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ વિવાદના સંદર્ભમાં પોલિટિકલ કીડા નામના યુઝરે દિવ્યાનો 2018નો એક વીડિયો અને તે સાથે 2022માં પણ એ જ ફરિયાદનું ટ્વિટ કર્યું હતું. દિવ્યાના 2018ના વાયરલ થયેલા વીડિયોમાં તે એ જ ફરિયાદ કરતી સાંભળી શકાય છે કે કેજરીવાલ સરકાર તરફથી તેને કોઈ મદદ કે સુવિધા આપવામાં આવતી નથી.

આ જ યુઝરે કેજરીવાલનો એક જૂનો વીડિયો પણ વર્તમાન વિવાદના સંદર્ભમાં પોસ્ટ કર્યો છે. એ વીડિયોમાં કેજરીવાલ વકફ બોર્ડના કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહેતા સંભળાય છે કે, “તન-મન-ધનથી કેજરીવાલ પણ અને દિલ્હી સરકાર પણ સંપૂર્ણ રીતે વકફ બોર્ડની સાથે છે. આવનારો સમય એવો હશે જ્યારે વકફ બોર્ડ પાસે એટલા બધા નાણા હશે જેની કોઈ ગણતરી નહીં થઈ શકે. વકફ બોર્ડને જ્યારે પણ કોઇપણ ચીજની જરૂરત હશે ત્યારે દિલ્હી સરકાર વકફ બોર્ડની સાથે છે.”

દેશ ગુજરાત