ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારંભમાં ૫૦૦૦ રાજપૂત યુવાનોએ તલવારબાજીનો રેકોર્ડ નોંધાવ્યો

જામનગરઃ  જામનગર જિલ્લાના ધ્રોલમાં ઐતિહાસિક શહીદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો હતો. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી ભૂચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧મા ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી હતી.

કેન્દ્રીય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો હતો. ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભૂચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે ૫૦૦૦ યુવાઓએ તલવારબાજી થી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં ઝુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ઘરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લા ૩૦ વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે. અને ૩૧મા શ્રધ્ધાંજલી સમારોહમાં ૫૦૦૦ યુવાઓના તલવાર રાસથી નવો રેકોર્ડ સર્જાયો છે. તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

  • આશરા ધર્મના રક્ષણ માટે 400 વર્ષ પહેલાં ખેલાયેલા ભૂચરમોરી મહાયુદ્ધની ઝલકઃ

જામનગર જિલ્લાના ધ્રોલથી વાયવ્ય ખૂણામાં આશરે એક માઈલ પર આવેલી ભૂચર મોરી નામની ધરતી પર સાડા ચારસો વર્ષ પહેલા જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના સર્વકાલિન મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે.

ભૂચર મોરીનું યુદ્ધ એક તરફ નવાનગર રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને બીજી તરફ મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય વચ્ચે લડાયું હતું. રાજ ધર્મ અને આશરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણની આહૂતિ આપી હતી.

આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતું જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું. કાઠિયાવાડના સૈન્યમાં જૂનાગઢ અને કુંડલા રજવાડાના સૈન્યનો સમાવેશ થતો હતો. પરંતુ, આ બન્ને રાજ્યો છેલ્લી ઘડીએ દગો દઇને મુઘલ પક્ષમાં જોડાઇ ગયા હતા. જામનગરના રાજવી હીરો બને એ એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. એ તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. પણ, ત્યારે જ દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી. દગો થયો. પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી. બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. એ મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો.

મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર વીરગતિ પામ્યા. કુંવર અજાજી વીરગતિ પામતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. એ દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર એ મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો. દર વર્ષે આ દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. આ વર્ષે તા.૧૮ ઓગસ્ટના રોજ ભૂચરમોરી ખાતે ૩૧મો ભૂચરમોરી શ્રધ્ધાંજલી સમારોહ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦૦ રાજપૂત યુવાઓએ ૧૧ મિનિટ સુધી તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાની મહેનતના કારણે એક નવા સુંદર સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભૂમિપૂજન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ. સ. ૨૦૦૭માં ૩જી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લગભગ આઠ કરોડના ખર્ચે એક વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં જામ અજાજીની સુંદર પ્રતિમા મુકવામાં આવી છે.

દેશ ગુજરાત